''આપણા પ્રધાનો અને નેતાઓ સાદગી ને કરકસર અપનાવે'' - Sandesh
NIFTY 10,741.10 -60.75  |  SENSEX 35,387.88 +-156.06  |  USD 67.7925 -0.28
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • ”આપણા પ્રધાનો અને નેતાઓ સાદગી ને કરકસર અપનાવે”

”આપણા પ્રધાનો અને નેતાઓ સાદગી ને કરકસર અપનાવે”

 | 3:30 am IST

ગુજરાતની અસ્મિતા : દેવેન્દ્ર પટેલ

ગુજરાત રાજ્યની સ્થાપનાના દિવસે એટલે કે તા. ૧ મે, ૧૯૬૦ના રોજ અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે મૂક સેવક પૂજ્ય રવિશંકર મહારાજે આપેલું ઉદ્ઘાટન પ્રવચન અક્ષરશઃ નીચે પ્રમાણે છે. તે આપણે કેટલંર સાર્થક કર્યું છે તેનું પણ આત્મચિંતન કરવાનો આ સમય છે.

પૂજ્ય રવિશંકર મહારાજે કહ્યું હતું કે,

”આજે ગુજરાતનું રાજ્ય સ્થપાઈ રહ્યું છે તે વખતે પૂ. ગાંધીજીની ભવ્ય મૂર્તિ અને એમણે આપેલા ભવ્ય વારસા તેમજ આ સ્થળે રહીને આપણને આપેલા અનેક પાઠો પણ નજર સમક્ષ તરવરે છે. વળી ગુજરાતના ઘડવૈયા અને આપણને સૌને પ્રિય એવા પૂ. સરદારશ્રીનું પણ આ પ્રસંગે સ્મરણ થાય છે. તેમને નમ્રભાવે પ્રણામ કરી મારી ભાવભીની અંજલિ અર્પણ કર્યા સિવાય હું રહી શકતો નથી. દેશને માટે જેમણે નાની-મોટી કુરબાનીઓ અને પ્રાણ અર્પ્યા છે તે સૌ નામી-અનામી રાષ્ટ્રવીરોને આદરભાવે વંદન કરું છું. રાષ્ટ્રપિતા ગાંધીજીની નજર સમક્ષ દરેક ક્ષણે ભારતનું ગામડું અને ગામડાંની પ્રજા રહેતાં. એમના વિકાસમાં એ ભારતનો વિકાસ જોતા. આપણા ગુજરાતનાં ગામડાંઓમાં કુશળ, ખંતીલા અને ખૂબ મહેનતુ ખેડૂતો છે. ભણેલા ન હોવા છતાં ધંધા-રોજગાર ચલાવવામાં અતિશય કુશળ એવા આપણે ત્યાં સુંદર કારીગરો છે. વહાણવટું કરવામાં કુશળ એવા દરિયાકાંઠે વસતા દરિયાખેડુઓ પણ છે અને ગુજરાતની પ્રજા પાસે અર્થવ્યવહારમાં કુશળ અને કરકસરિયા એવા વ્યવહારકુશળ મહાજનો પણ છે.

વધતી સંપત્તિની સમાન વહેંચણી

આ બધાની શક્તિને ગુજરાતના હિતમાં ગતિ મળે તો ગુજરાત ભલે નાનું રાજ્ય હોય, ભલે અત્યારે ખાધવાળો પ્રદેશ ગણાતો હોય, તો પણ થોડા વખતમાં સમૃદ્ધ બની શકે એમ છે એ વિશે મારા મનમાં બિલકુલ શંકા નથી.

આપણે ત્યાંની માનવશક્તિનો અને કુદરતી બક્ષિસોનો ઉપયોગ થાય તો આપોઆપ સંપત્તિ અને સમૃદ્ધિ પણ વધવાની અને તેની યોગ્ય વહેંચણી પણ થવાની. આવું કરવું હશે તો આપણે ખેતી અને ગોપાલન તરફ આજે આપીએ છીએ તેથી પણ વિશેષ ધ્યાન આપવું પડશે. ભૂમિ તો કદી શોષણનું સાધન ન જ બનવી જોઈએ, એ તો પોષણનું સાધન બનવી જોઈએ. આપણું ગોધન અને પશુધન ખાંડું-માંડું હશે તો હવે નહીં ચાલે, પણ જોઈને આંખ ઠરે એવું ગૌધન હોવું જોઈએ. જે દેશમાં દૂધ-ઘીની નદીઓ વહેતી હતી એ દેશમાં ઘી-દૂધ મળવા દુર્લભ થાય એ આપણી કેવી દુર્દશા કહેવાય ? એ સ્થિતિ આપણે ટાળવી જ જોઈએ.

ગૌસેવાનો સાચો માર્ગ : ગોપાલન

ગૌસંવર્ધન અને ગૌસેવા એ જ એનો સાચો ઈલાજ છે. ગૌવધબંધી જેમ અમદાવાદ શહેર અને સૌરાષ્ટ્રે કરી છે એમ આખા ગુજરાતમાં થવી જોઈએ. એમ થશે તો મને બહુ ગમશે. પણ ઉત્તમ ગોપાલન એ જ ખરેખર ગૌસેવાનો સાચો માર્ગ છે એ કદી ભૂલવા જેવું નથી.

ભોગ નહીં ત્યાગ

સ્વરાજ્ય મળ્યા પછી અતિપવિત્ર ઉત્પાદન શ્રમશક્તિ દિવસે દિવસે આપણામાં ઘટતી જાય છે અને પ્રજાનં મોં વધારે ને વધારે ભોગ તરફ જઈ રહ્યું છે. એ ભોગપ્રાપ્તિ માટે એને અન્ન અને ઘી-દૂધ કરતાં સિક્કાની અગત્ય વધુ સમજાવા લાગી છે. તેથી ખેતી જેવો પવિત્ર ધંધો કરનાર ખેડૂતો પણ સિક્કા પાછળ પડયા છે. પણ આ બધાનું ખરું કારણ છે સુધરેલા ગણાતા ભદ્ર સમાજનો આચાર. આપણા આ વર્ગે સ્વરાજ્ય મળ્યા પછી ત્યાગને બદલે ભોગ તરફની રુખ બતાવી છે. એટલે એ દિશામાં સામાન્ય જન પણ વળ્યા છે. આ કારણે જીવનનાં બધાં ક્ષેત્રોમાં તાણ અને અસંતોષનું ભાન થવા લાગ્યું છે.

પ્રજા વધારે પૈસા પાછળ દોટ કેમ કાઢે છે ? એને જેટલું મળે છે એટલું પણ ઓછું કેમ પડે છે ? એનું મોં સંગ્રહ તરફ અને વધુ સુખોપયોગ તરફ કેમ છે ? આ વૃત્તિ રોકવા માટે ચીનની જેમ ”આટલાં કપડાં પહેરો, આમ જ કરો, આમ જ વર્તો” એવા વટહુકમો ભલે બહાર ન પાડીએ, પરંતુ આપણા પ્રધાનો આપણા આગેવાનો અને આપણા અમલદારો તથા આપણા મુખ્ય કાર્યકરો પોતાના જીવનમાં સાદાઈ અને કરકસરનું તત્ત્વ અપનાવીને પ્રજાને ઉત્તમ પ્રકારનું માર્ગદર્શન આપી શકશે.

બંગલાઓ, મોટરો, ફર્નિચરો, મોટાઈ દેખાડવાની રીતભાતો, હોટેલો, મિજબાનીઓ એ સૌમાં સાદાઈ અને કરકસરની છાપ પડવી જોઈએ. રાજ્યનાં કામોમાં તો ઠીક પણ અંગત જીવનમાંય એ તત્ત્વ દેખાવા લાગશે તો પ્રજા પર એની જાદુઈ અસર પડશે.

આજે લાંચ અને રુશવત અને કાળાંબજારની બદીઓ ઠેરઠેર જોવા મળે છે. એ માટે રાજ્યે અને પ્રજાજનોએ સહકાર સાધીને એને દૂર કરવાનો દૃઢ નિર્ધાર કરવો પડશે.

લોકોની ભાષામાં લોકોનો વહીવટ, ન્યાય, શિક્ષણ

આપણને સ્વરાજ્ય મળ્યાને આજે વર્ષોનાં વહાણાં વાયા, એમ છતાં આપણા સામાન્યજનોને આપણું રાજ્ય પરાયા જેવું લાગે છે, કારણ કે વહીવટની ભાષા હજી અંગ્રેજી ચાલે છે. લોકોની ભાષામાં લોકોનો વહીવટ ન ચાલે, લોકો સમજી શકે એ ભાષામાં ન્યાય ન તોળાય, લોકો સમજી શકે એવી ભાષામાં શિક્ષણ ન અપાય ત્યાં સુધી લોકોને ”આ અમારું રાજ્ય છે અને એના ઉત્કર્ષ માટે અમારે પરિશ્રમ ઉઠાવવો જોઈએ” એવી ભાવના નહીં જાગ્. રાજ્ય માટેનો આત્મીયભાવ નહીં જાગે એટલે ગુજરાત રાજ્યે સૌ પ્રથમ એવી જાહેરાત કરવી જોઈશે કે ગુજરાત રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં જ ચાલશે, શિક્ષણનું માધ્યમ પહેલેથી છેલ્લે સુધી ગુજરાતી જ રહેશે અને નોકરીઓ માટેની પરીક્ષાઓ પણ ગુજરાતીમાં જ લેવામાં આવશે.

તુમારની ચુંગાલમાંથી મુક્તિ

તુમારની ચુંગાલમાંથી પ્રજાને બચાવવાની યુક્તિ જો ગુજરાતનું રાજ્ય ખોળી કાઢશે તો પ્રજા ભારે રાહત અનુભવશે. કલેક્ટર મામલતદારોને મળીને અને મામલતદાર સ્થળ પર જઈને તુમારનો ઝટઝટ નિકાલ કરવા લાગશે તો ઘણો બગાડ અટકી જશે. રૂબરૂ પતી જતું હોય એવું કામ તુમારે ન ચઢાવવું જોએ. મંત્રીઓ પણ શક્ય હોય ત્યાં કલેક્ટર વગેરેને મળીને વ્યવહારુ ઉકેલ કાઢશે તો બધાં બહુ મોટી રાહત અનુભવશે. વિક્રમ રાજાની માફક આપણા મંત્રીઓ કે અધિકારીઓ ભલે વેશપલટો કરીને નગરચર્ચા જોવા ન નીકળે પણ કોઈ પણ ખાતાની ઓફિસ ઉપર કે ચાલુ કામ ઉપર કોઈ પણ જાતની હોહા કે જાહેરાત કર્યા વિના કોઈ કોઈ વખતે જઈ પહોંચવાનો શિરસ્તો પાડશો તો એમને ઘણું જાણવાનું મળશે અને કર્મચારીઓને એમનું કામ ઝડપથી ને સુંદર રીતે પાર પાડવાની ચાનક ચડશે. નોકરી અને શિક્ષણની ડિગ્રી વચ્ચેનો સંબંધ છૂટો કરી દેવામાં આવે અને જે ધંધામાં જવા માટે જે આવડતની જરૂર હોય તે અંગેની પ્રવેશ પરીક્ષા લઈને જ ઉમેદવારને દાખલ કરવાની પ્રથા અપનાવવામાં આવે તો શિક્ષણમાં જે ગંદકીઓ પેસે છે તેમાંથી આપણે સહેજે બચી જઈ શકીએ.

પક્ષહિત કરતાં પ્રજાહિત પ્રથમ

બધા પક્ષોને મારી નમ્ર વિનંતી છે કે તેઓ એટલું સતત નજર સમક્ષ રાખે કે આપણા પક્ષ કરતાં પ્રજા બહુ મોટી છે. સમગ્ર રાજ્ય અને દેશના હિત ખાતર પક્ષનું મહત્ત્વ ઓછું આંકવાની પરિપાટી આપણે શરૂ કરવા જેવી છે. વિરોધ પક્ષે વિરોધ ખાતર વિરોધ કરવાનો ન હોય અને રાજ્યકર્તા પક્ષે વિરોધ પક્ષની વાત છે માટે એનો વિરોધ કરવાની પ્રથામાંથી બચવા જેવું છે. પક્ષો એ ખરેખર તડાં છે, ગામનાં તડાં પાડવાથી જેમ ગામની બેહાલી થાય છે એમ રાષ્ટ્રમાં તડાં પડવાથી રાષ્ટ્રની બેહાલી થાય છે. બધા પક્ષવાળા ભલે આજે ને આજે પક્ષમાંથી મુક્ત ન થઈ શકે પણ ગ્રામ પંચાયતોમાં પક્ષો ન પેસે એનો તો આગ્રહ જરૂર આપણે રાખી શકીએ અને ચૂંટણી દરમિયાન પક્ષનું ઝેર ફેલાતું અટકે એ માટે બધા પક્ષોએ શુદ્ધિ માટે પાળવા જેવા કેટલાક નિયમો નક્કી કરી એને અમલમાં મૂકવાની નીતિ સ્વીકારવી જોઈશે તો જ આપણે પ્રજાને લોકશાહીની સાચી કેળવણી આપી શકીશું.

લોકશાસનની સાચી ચાવી છે લોકકેળવણી

લોકશાસનની સાચી ચાવી છે લોકકેળવણી. વહીવટ ચલાવવામાં રાજ્યકર્તાઓને દંડશક્તિનો ઓછામાં ઓછો આશરો લેવો પડે અને ગોળીબાર જેવાં આકરાં પગલાં લેવાં જ ન પડે એવી રીત શોધવી જોઈએ. તેમ છતાં કોઈ કારણસર ગોળીબાર અનિવાર્ય થઈ પડે તો તેની જાહેર તપાસ કરાવવી જોઈએ.

આદિવાસીઓને ન ભૂલીએ

વળી આપણી પાસે ગુજરાતી મોટી કોમ-આદિવાસી જે જંગલમાં પડી છે તે કરકસર અને મહેનતથી જીવે છે પણ અજ્ઞાનતામાં જીવે છે તો એ આદિવાસી કોમની ઉન્નતિ માટે આપણે ખૂબ લક્ષ્ય આપવું પડશે. આપણે ગાંધીજીના અને સરદારના વારસદારો છીએ એટલે એમણે આપેલા વારસાના શોભાવીએ. પ્રભુ આપણને ગાંધી માર્ગે ચાલવાની, ધનથી ગરીબ છતાં સંસ્કારથી ભવ્ય એવા ભારતના સેવકો થવાની શક્તિ અને સદ્બુદ્ધિ આપે અને સુપથતે ચાલવાનું પ્રભુ બળ આપે એવી શુભ પ્રાર્થના કરીને આપણે નવું પ્રયાણ કરીએ.

આપ સર્વેએ આ પ્રસંગે આ પવિત્ર કાર્યની શરૂઆત કરવા માટે મને આગ્રહ કર્યો તે માટે તમારા સૌનો આભાર માનું છું.”

  • પૂજ્ય રવિશંકર મહારાજનું પ્રવચન અહીં સમાપ્ત થાય છે. સૌ આત્મનિરીક્ષણ-આત્મચિંતન કરે.

www.devendrapatel.in