લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, વરરાજાના માતાપિતાનુ પણ મોત થયું - Sandesh
  • Home
  • Bhavnagar
  • લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, વરરાજાના માતાપિતાનુ પણ મોત થયું

લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, વરરાજાના માતાપિતાનુ પણ મોત થયું

 | 10:11 am IST

ભાવનગર – રાજકોટ હાઇવે ઉપર રંઘોળા નજીક આજે સવારે 25 ફૂટ ઊંચા બ્રિજ પરથી નાળામાં ખાબકતા 27ના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યુ છે. મૃત્યુઆંક હજુ વધે તેવી સંભાવના હોવાનું જાણવા મળ્યું છે. રંઘોળા પાસેના અનીડા ગામનો કોળી પરિવાર ટ્રકમાં બેસી લગ્નમાં જઇ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાતા ભારે સમગ્ર વિસ્તારમાં દેકારો મચી જવા પામ્યો છે. બનાવની જાણ થતાં જ ભાવનગર, સિહોર, ઉમરાળાથી ફાયર બ્રિગેડનો કાફલો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે.

ભાવનગર – રાજકોટ હાઈવે પરથી પસાર થતી ટ્રક નાળામાં ખાબકી હતી. જેમાં 10 મહિલા અને 17 પુરુષોના મોત થયા છે. 60 જેટલા જાનૈયાઓ ભરીને આ ટ્રક લગ્નપ્રસંગે જવા નીકળી હતી. અનીડા ગામે રહેતા કોળી પરિવારના પ્રવીણભાઈ વાઘેલના પુત્રના લગ્ન હતા. લગ્નની જાણ અનિડા ગામથી ઢસા તરફ જઈ રહી હતી. જેમાં વરરાજાના પિતા એટલે કે પ્રવીણભાઈ વાઘેલા અને તેમની પત્નીનુ પણ મોત નિપજ્યું છે. સવારે 6.30 કલાકે આ ઘટના બની હતી. આ અંગે ધારાસભ્ય પ્રવીણ મારુએ કહ્યું કે, સરકાર દ્વારા ત્વરિત સહાય પહોંચાડાઈ છે. સરકાર દ્વારા ઈજાગ્રસ્તોને ઝડપથી સારવાર આપવા સૂચના અપાઈ છે. અકસ્માતની જાણ થતા જ કલેક્ટરે યુદ્ધના ધોરણે કામગીરી કરવાની સૂચના આપી છે.

લગ્નની જાન જઈ રહી હતી, ત્યારે ટ્રકમાં 60 જેટલા લોકો સવાર હતા. અકસ્માતમાં ટ્રક સીધો નીચે પટકાયો ત્યારે જાનૈયાઓ ટ્રકની નીચે દબાઈ ગયા હતા. જેને પગલે સમગ્ર વાતાવરણમાં બચાવો બચાવોની ચીચીયારીઓ ફેલાઈ ગઈ હતી.

ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળે કહ્યું કે, હાલ હું દિલ્હી છું, પરંતુ અમારા ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાએ આ અકસ્માત નજરે જોયો હતો, જેથી તેમણે મને આ વિશેની જાણ કરી હતી. મે તાત્કાલિક કલેક્ટર ઓફિસને જાણી કરી હતી. જેથી મદદનો કાફલો ત્યાં જવા રવાના થયો હતો.