પોતાનું પાણી પોતાના થડમાં જ સંઘરી રાખતા બાઓબાબ - Sandesh
  • Home
  • Kids Corner
  • પોતાનું પાણી પોતાના થડમાં જ સંઘરી રાખતા બાઓબાબ

પોતાનું પાણી પોતાના થડમાં જ સંઘરી રાખતા બાઓબાબ

 | 12:43 am IST

આફ્રિકામાં કહેવત છે કે જો વેરાન વિસ્તારમાં ખોરાક-પાણી વગર ભૂલા પડી જાવ તો બાઓબાબ વૃક્ષ શોધી કાઢો. એ તમને જીવનભર સાચવશે અને આશરો આપશે. બાઓબાબ આફ્રિકામાં થતા વૃક્ષો છે. એ હજારો વર્ષ જીવે છે અને એનું થડ જાણે પાણીની ટાંકી હોય એમ એમાં હજારો લાખ્ખો લીટર પાણી સંઘરાયેલું હોય છે. એના પાંદડા અને ફળ તમે ખાઈ શકો છો. એટલે આ વૃક્ષના સહારે તમે મહિનાઓ, વર્ષો જીવી શકો.

બાઓબાબ વૃક્ષનું થડ ખૂબ પહોળું અને પાણીથી છલોછલ ભરેલું હોય છે. દક્ષિણ આફ્રિકામાં બાઓબાબ વૃક્ષોના થડનો ઘેરાવો ૧૫૨ ફૂટ સુધી જોવા મળ્યો છે. આવા વિશાળ થડમાં બાઓબાબ ૧,૨૦,૦૦૦ લીટર પાણી સંઘરી શકે છે. આ વૃક્ષ પાણી એટલે સંઘરે છે કે આફ્રિકામાં વર્ષો સુધી વરસાદ જરાય ન પડે એવા દુકાળ આવતા રહે છે. એવા વર્ષોમાં આ વૃક્ષ પોતાના જ પાણીથી કામ ચલાવી લે છે.

એની ડાળીઓ નરમ લાકડાનો માવો ભરેલી હોય એવી હોય છે. તેને વીસ વર્ષ પછી જ ફૂલ બેસે છે. ફૂલ સાંજે ખીલે છે અને સવાર થતાં પેલાં કરમાઈને ખરી પડે છે. રાત્રે ઉડતા ચામાચીડિયાંને એની ભેદી સુગંધ ગમે છે. એટલે ચામાચીડિયાં તેનો રસ પીવા ફૂલ પર આવે છે અને ફૂલને ફળાવીને ફળ બનાવે છે.

બાઓબાબનું થડ તો ૧૦ મીટરના વ્યાસનું હોય તો એ બે હજાર વર્ષની ઉંમરનું હોય છે. સામાન્ય રીતે બાઓબાબ પાંચ હજાર વર્ષ સુધી જીવતા રહે છે. એ તોફાનમાં પડી જાય, ઊખડી જાય તો પણ નાશ પામતા નથી. પોતાના મૂળ નવેસરથી જમીનમાં ખૂંપાવીને નવી ડાળીઓ વિકસાવે છે. હજારો વર્ષે બાઓબાબ કુદરતી રીતે મરવાનું થાય તો અંદરથી સડી જાય છે. એક સવારે આખું વૃક્ષ કડડડભૂસ કરીને ધરાશયી થઈ જાય છે.

બાઓબાબના પાંદડામાં કેલ્શિયમ, લોહ, પ્રોટીન અને લિપિડ એસિડ ભરપૂર હોવાથી તે ખૂબ પોષક ગણાય છે. એના ફળ બાફીને ખાવાથી ઝાડા રોકાય છે, ઓરી-અછબડા મટી જાય છે અને ભરપૂર પોષણ મળે છે. એટલે આફ્રિકન લોકો એના સૂકવેલા પાંદડા અને ફળ પોતાની સાથે રાખે છે.

મૂળ આફ્રિકાના વતની હોવા છતાં બાઓબાબ ભારતમાં પણ અનેક ઠેકાણે થાય છે. મધ્યપ્રદેશમાં વિન્ધ્ય પર્વતમાળાના ઢોળાવો ઉપર અને ઊંચાઈએ જોવા મળે છે. આપણે ત્યાં ગુજરાતમાં પણ ૧૦૦ જેટલા બાઓબાબ વૃક્ષો છે. મૂળ આફ્રિકાના હોવા છતાં ભારતમાં અને ગુજરાતમાં આ વૃક્ષો શી રીતે આવ્યા હશે એ સવાલનો જવાબ માત્ર એક ધારણા ઉપર છે, આફ્રિકાના લોકો પરદેશ ખેડવા નીકળે તો ક્યારેક ભોજન ન મળે તો થોડું ઘણું ખાઈને આગળ ચાલી શકાય એ માટે કેટલીક જાતના અનાજના અને ફળના દાણા લઈને નીકળતા હતા. બાઓબાબના બીયાં પણ કાજુ જેવા પોષક ગણાતા હતા, ખરેખર એવા પોષક હોય છે પણ ખરા! એટલે આફ્રિકન લોકો પોતાના ભાથામાં બાઓબાબના બીજ લાવ્યા હશે. એ બીજ અહીં-તહીં વેરાયા હશે એમાંથી બાઓબાબ વૃક્ષો ઊગી નીકળ્યા હશે. દોઢ બે હજાર વર્ષ પહેલાં આરબ વ્યાપારીઓ માલ વેચવા અને તેજાના ખરીદવા ભારત આવવા લાગ્યા હતા. એમની સાથે મજૂરી કરવા આફ્રિકન લોકો પણ આવતા હતા. એ લોકો બાઓબાબના બીજ ખોરાક તરીકે લાવ્યા હશે. એમ કરતાં આપણા દેશ અને આપણા રાજ્યમાં બાઓબાબ વૃક્ષો ફેલાયાં છે. એ બધા વૃક્ષો ૧૦૦૦-૧૫૦૦ વર્ષ જૂના છે.

[email protected]