પેડમેન, પિરિયડ, ચેલેન્જ અને અતિરેક… તમે ક્યાં ઊભા છો? – Sandesh
NIFTY 10,360.40 +0.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • પેડમેન, પિરિયડ, ચેલેન્જ અને અતિરેક… તમે ક્યાં ઊભા છો?

પેડમેન, પિરિયડ, ચેલેન્જ અને અતિરેક… તમે ક્યાં ઊભા છો?

 | 4:22 am IST

અક્ષયકુમાર અભિનીત પેડમેન ફિલ્મની ચર્ચા સોશિયલ મીડિયા પર આજકાલ સૌથી વધારે છે. પેડમેન ફિલ્મની સ્ટોરી એક એવી વ્યક્તિની રિયલ સ્ટોરી છે, જેને પોતાની આસપાસ રહેતી મહિલાઓ માટે સસ્તા દરે સેનિટરી નેપકિન બનાવવા માટેનું મશીન બનાવ્યુ હતું. તામિલનાડુના કોઇમ્બતૂરમાં રહેતા અરુણાચલમ મુર્ગનાથમનાં લગ્ન ૧૯૯૮માં થયાં હતાં. લગ્ન બાદ જ્યારે તેની પત્ની પિરિયડમાં હોય ત્યારે કાપડના ટુકડા અને ન્યૂઝપેપરના કાગળ વાપરતી જોઈ તેનું ધ્યાન મહિલાઓની સમસ્યા પ્રત્યે ખેંચાયું. ગરીબ મધ્યમવર્ગની મહિલાઓને મલ્ટિનેશનલ કંપનીઓએ બનાવેલ મોંઘા ભાવનાં સેનિટરી નેપકિન પોસાય નહીં અને પરિણામે જે તકલીફોનો સામનો કરવો પડતો હોય છે તેનાથી પ્રેરાઈને અરુણાચલમે મહિલાઓ માટે પેડ બનાવવાનું નક્કી કર્યું, પરંતુ આ કામ અરુણાચલમે જેટલુ ધાર્યું હતું તેટલું સહેલું ન હતું. અરુણાચલમે પેડ બનાવવા માટે જે જાણકારી જોઈએ તેના માટે તેની પત્ની અને બહેને પણ શરૂઆતમાં ઇનકાર કરી દીધો. આ વાત આજથી ૨૦ વર્ષ પહેલાંની છે.

હજુ આજે પણ કેટલા પુરુષોએ સેનિટરી પેડનાં પેકેટને ખોલીને તેમાં શું હોય છે? તે શેમાંથી બને છે, તેે કેવી રીતે બ્લડ શોષી લે છે? તે જોવા, જાણવાનો પ્રયત્ન કર્યો હશે તે એક મોટો સવાલ છે. મોટાભાગના ભારતીય પુરુષો માટે હંમેશાં પિરિયડ અને પિરિયડને જોડાયેલી વસ્તુઓ અજાણી અને અર્થવિહીન રહી છે. હકીકતમાં પિરિયડને જ ભારતીય પુરુષો ધિક્કારે છે, કારણ કે આ દિવસોમાં તેમને પત્નીથી દૂર રહેવું પડે છે. અરે, પત્નીને આ ચાર દિવસોમાં સ્પર્શવાની પણ કેટલાંક ઘરોમાં તો છૂટ હોતી નથી, ત્યારે ભારતીય પુરુષ માટે આજે પણ સેનિટરી નેપકિન એ કોઈ બીજા ગ્રહમાંથી આવેલી ચીજ હોય તેવી વાત છે.

આ માહોલમાં અરુણાચલમ મહિલાઓને સસ્તા ભાવે સેનિટરી નેપકિન આપવા રીતસર ઝઝૂમ્યો તે માટે તેને તેનાં કુટુંબ સાથે બોલાચાલી થઈ, સમાજે તેને હડધૂત કરી નાખ્યો, જે લોકો માટે તે આ લડાઈ લડતો હતો તે મહિલાઓએ પણ તેનું અપમાન કર્યું, પરંતુ અરુણાચલમે હાર ના માની પોતાની જીદને વળગી રહ્યો. વિદેશી કંપનીઓ સેનિટરી નેપકિન બનાવવામાં ૩.૫૦ કરોડ રૂપિયાનું મશીન વાપરે છે, ત્યાં અરુણાચલમે આવું જ મશીન માત્ર ૬૫,૦૦૦ રૂપિયામાં બનાવીને મૂકી દીધું. અરુણાચલમની આ જીદને કારણે મહિલાઓને સસ્તા દરે સેનિટરી નેપકિન મળવા લાગ્યાં. અરુણાચલમની આ જીદની દેશમાં નોંધ લેવાઈ

૨૦૧૪માં ટાઇમ મેગેઝિને દુનિયાની ૧૦૦ પ્રતિભાશાળી વ્યક્તિઓમાં અરુણાચલમ મુર્ગનાથમનું નામ સામેલ કર્યું. ૨૦૧૬માં સરકારે અરુણાચલમને પદ્મશ્રીનો એવોર્ડ પણ આપ્યો. સુપર સ્ટાર રાજેશ ખન્નાની દીકરી અને અક્ષયકુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ અરુણાચલમ પર એક બુક લખી. આ બુક લખ્યા પછી ટ્વિંકલની નવ મહિનાની સતત મહેનત પછી અરુણાચલમે પોતાના પર ફિલ્મ બનાવવા માટે પરવાનગી આપી. ફિલ્મમાં અરુણાચલમની ભૂમિકા ભજવતો અક્ષયકુમાર પેડમેન તરીકે છવાઈ જાય છે.

પરંતુ આજે આપણે વાત કરવાની છે સોશિયલ મીડિયામાં પેડમેન ફિલ્મ અંગે વાઇરલ થતી જુદી જુદી કોમેન્ટ અને ચેલેન્જની. ફિલ્મ રિલીઝ થતાં પૂર્વે ફિલ્મની પ્રોડયુસર ટ્વિંકલ ખન્ના સોશિયલ મીડિયા પર હેશટેગ ‘પેડમેન ચેલેન્જ’ નામથી એક કેમ્પેઇનમાં સામેલ થઈ છે. આ કેમ્પેઇન પેડમેન ફિલ્મ જેના પરથી બની છે તે અરુણાચલમે શરૂ કર્યું છે, જેમાં અરુણાચલમ હાથમાં પેડ લઈને ઊભા હોય તેવી તસવીર પોસ્ટ કરી છે અને તસવીરની સાથે લખ્યું છે, ‘હા મારા હાથમાં એક સેનિટરી પેડ છે અને તેમાં શરમાવા જેવું કશું નથી. અરુણાચલમે આ ચેલેન્જમાં પેડમેન ફિલ્મના ટ્વિંકલ ખન્ના, અક્ષયકુમાર, સોનમ કપૂર, રાધિકા આપ્ટેને નોમિનેટ કર્યાં છે. ટ્વિંકલ ખન્નાએ આ ચેલેન્જને આગળ વધારીને આમિર ખાન, શબાના આઝમી અને બિઝનેસમેન હર્ષ ગોએન્કાને નોમિનેટ કર્યા છે. આમિર ખાને તો આ ચેલેન્જ સ્વીકારીને હાથમાં સેનિટરી નેપકિન સાથેનો પોતાનો ફોટો પણ પોસ્ટ કર્યો છે. આ ચેલેન્જ દેશભરમાં છવાઈ વાઇરલ થઈ ગઈ છે અને અમદાવાદ, વડોદરા, સુરત જેવાં શહેરોમાં પણ સોશિયલ મીડિયા પર યુવાનો પોતાની સેનિટરી નેપકિન સાથેની તસવીર પોસ્ટ કરી રહ્યા છે અને પોતાના મિત્રોને આવું કરવાની ચેલેન્જ આપી રહ્યા છે.

આ ચેલેન્જમાં એક વિવાદ ઊભો થયો છે. વડોદરાની એક યુવતીએ પિરિયડના બ્લિડિંગ સાથેનું પેડ પોસ્ટ કર્યું. આ પોસ્ટની તરફેણમાં અને વિરોધમાં હજારો કોમેન્ટ્સ આવી. મહિલાઓના ડાર્ક સિક્રેટ કોર્નર તરીકે આ વિષયને આટલી હદે ઉછાળવામાં આવશે તેની તો કોઈને કલ્પના પણ ન હતી. હજુ આજે પણ પિરિયડના સમયમાં જો ડ્રેસ પર લોહીનો એક ડાઘ દેખાય તો મહિલાઓ લાજી મરે છે. તે સમયમાં જ્યારે કોઈ યુવતી બિનધાસ્ત રીતે વપરાયેલાં સેનિટરી પેડ સાથેની પોતાની તસવીર સોશિયલ મીડિયા પર મૂકે તે વાત જ એક મોટી ઘટના છે. પિરિયડનો વિષય સમાજમાં માટે એક ટેબુ છે, એક અકળામણ, અસ્પૃશ્યતાની ભાવનાથી હજારો લોકો પીડાય છે. હજુ આજે પણ દુનિયાભરમાં પિરિયડ અંગે જાતજાતની ભ્રામક માન્યતાઓએ ઘર કર્યું છે, જેમ કે, પિરિયડના સમય દરમિયાન મહિલાઓ પર રીંછ જોતાંની સાથે હુમલો કરી દે છે. દુનિયાના કેટલાક દેશોમાં માન્યતા છે કે, પિરિયડ વખતે મહિલાઓ સમુદ્રમાં જાય તો શાર્ક તેમના પર હુમલો કરે છે. ભારતમાં માન્યતા છે કે, પિરિયડવાળી મહિલાઓ ખાવાનું બનાવે, ખાસ કરીને વર્ષભરનું અથાણું બનાવે તો તે ખરાબ થઈ જાય છે. નવાઈની વાત એ છે કે, આવી માન્યતાઓને મહિલાવર્ગ જ વધારે પ્રમાણમાં માને છે. એક એવી બીજી માન્યતા છે કે, આ સમય દરમિયાન માથાબોળ સ્નાન કરવામાં આવે તો મહિલાઓને ગર્ભધાન થતું નથી. અફઘાનિસ્તાનમાં આ માન્યતાનું વધારે પ્રચલન છે. જાપાન જેવા પ્રગતિશીલ દેશમાં પણ પિરિયડવાળા દિવસોમાં મહિલાઓને સુશી બનાવવા દેવામાં આવતી નથી. સુશી એ જાપાનની પ્રખ્યાત વાનગી છે. ભારતમાં હજુ આજે પણ મોટાભાગનાં ઘરોમાં પિરિયડવાળા દિવસોમાં મહિલાઓને ઘરમાં કિચન, મંદિરમાં પ્રવેશ અપાતો નથી. ઈરાનમાં પિરિયડને બીમારી સમજવામાં આવે છે. આ માહોલમાં પિરિયડ અંગે પુરુષો સેનિટરી નેપકિન હાથમાં લઈને સોશિયલ મીડિયા પર પોતાના ફોટા મૂકે તે એક જાગ્રતિનો પ્રયાસ છે, આવકારદાયક છે, પરંતુ મહિલા પોતાનાં વપરાયેલાં લોહીના ડાઘાવાળા પેડના ફોટા મૂકે તેને શું કહીશું? અતિરેક છે કે નહીં, કાલે કોઈ યુવાન પોતાના ડિસ્ચાર્જવાળી અંડરવિયરનો ફોટો પોસ્ટ કરીને કહેશે કે આ સ્વપ્નદોષ તો નેચરલ છે, તેને શું ૉકામ છુપાવવો- લો ચેલેન્જ છે તમને, તમે પણ તમારાં અંડરવિયરનો ફોટો મૂકો!

આટલી હદે જવાની જરૂર લાગે છે ?