પહલૂ ખાન મોબ લિંચિંગ કેસ : પૂરાવાના અભાવે તમામ ૬ આરોપી નિર્દોષ છૂટયા - Sandesh
  • Home
  • India
  • પહલૂ ખાન મોબ લિંચિંગ કેસ : પૂરાવાના અભાવે તમામ ૬ આરોપી નિર્દોષ છૂટયા

પહલૂ ખાન મોબ લિંચિંગ કેસ : પૂરાવાના અભાવે તમામ ૬ આરોપી નિર્દોષ છૂટયા

 | 2:35 am IST

। જયપુર ।

રાજસ્થાનના અલવરમાં ૨૦૧૭માં પહલૂ ખાનની હત્યાના કેસમાં અલવર જિલ્લા કોર્ટે બુધવારે ચુકાદો આપતાં તમામ ૬ આરોપીને છોડી મૂક્યા છે. પહલૂ ખાન મોબ લિંચિંગ કેસમાં ૯ આરોપીને પકડવામાં આવ્યા હતા જે પૈકી ૩ સગીર હોવાથી તેમની સામે જુવેનાઇલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં કોર્ટના ચુકાદાથી નારાજ પહલૂ ખાનના દીકરા ઇરશાદે અફસોસ વ્યક્ત કર્યો હતો અને આ ચુકાદાના વિરોધમાં હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવશે એમ જણાવ્યું હતું.

અલવર કોર્ટના જજે તમામ આરોપીઓને સંદેહનો લાભ આપીને છોડી મૂક્યા છે. વીડિયોમાં આરોપીઓનો ચહેરો દેખાતો નથી. પહલૂ ખાનના દીકરાઓની સાક્ષીને પણ માન્ય રાખવામાં આવી નથી. વીડિયો બનાવનારો વ્યક્તિ પણ એના નિવેદનથી ફરી ગયો હતો. બચાવ પક્ષના વકીલ હુકુમ ચંદે કહ્યું હતું કે પહલૂ ખાનને કોણે માર્યો એ ઉપરવાળો જ જાણે છે.

આરોપીઓ નિર્દોષ છૂટયા તેના ૭ કારણો  

૧. કોર્ટે ઘટનાસ્થળના વીડિયોને ફગાવ્યા.

૨. કોર્ટે કહ્યું, પોલીસ વીડિયોની એફએસએલ તપાસ નથી કરાવી તેથી પુરાવા તરીકે ન ગણી શકાય.

૩. વીડિયો બનાવનાર શખ્સે સાચી માહિતી આપી નથી.

૪. જેલમાં આરોપીઓની ઓળખ પરેડ કરાઈ નથી તેથી સાક્ષીઓ પર ભરોસો કરી શકાય નહીં .

૫. મોબાઈલ સીડીઆરને વિશ્વાસપાત્ર પુરાવા તરીકે ન માની શકાય .

૬. કૈલાશ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મારઝૂડની વાત સ્પષ્ટ નથી.

૭. મરતી વખતની જુબાનીમાં પહલૂખાને જે ૬ લોકોના નામ જણાવ્યા હતા તેઓ આરોપીઓ સામેલ નથી.

સમગ્ર દેશમાં ચકચાર જગાવી હતી

હરિયાણાના નૂહ મેવાત જિલ્લામાં ડેરીનો બિઝનેસ કરતો પહલૂ ખાન ૨૦૧૭માં પહેલી એપ્રિલે રાજસ્થાનમાંથી ગાય ખરીદીને દીકરાઓ ઉમર અને તાહીર સાથે હરિયાણા જઈ રહ્યો હતો. અલવરમાં ગૌતસ્કરીના કેસમાં કથિત ગૌરક્ષકોની મનાતી ભીડે હુમલો કરીને પહલૂ ખાન અને દીકરાઓની પિટાઈ કરી હતી. બે દિવસ બાદ ૪ એપ્રિલે તેનું મૃત્યુ થયું હતું. આ કેસ દેશભરમાં મોબ લિચિંગના નામે છવાયેલો રહ્યો હતો.

ક્લીન ચીટ અપાઈ

આ કેસની વિશેષતા હતી કે પિટાઈ કરીને હત્યા કરવાના કેસમાં ૬ આરોપીઓને ક્લીન ચિટ આપવામાં આવી હતી. પોલીસે કહ્યું હતું કે પુરાવાના આધારે ૬ આરોપીઓને ક્લીન ચિટ અપાઈ છે. આ આરોપીઓમાં સુધીર યાદવ, હુકુમચંદ યાદવ, ઓમ યાદવ, નવીન શર્મા, રાહુલ સૈની અને જગમાલસિંહનો સમાવેશ છે. જે ૯ લોકો સામે કેસ ચાલતો હતો એમાં ત્રણ સગીર છે. બાકીના આરોપીઓમાં વિપીન રવીન્દ્ર, કાલુરામ, દયાનંદ, યોગેશકુમાર, દીપક ગોલિયાં અને ભીમ રાઠીનો સમાવેશ છે. આ તમામને જામીન મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન