પીડા પાછળની પ્રસન્નતા - Sandesh

પીડા પાછળની પ્રસન્નતા

 | 12:34 am IST

ખોબામાં દરિયો :- રેખાબા સરવૈયા

‘પપ્પા, તમારે ધ્યાન રાખવું જોઈએ…અરે, માળિયા ઉપરથી એ પતરાની પેટી ઉતારવાની જરૂર જ શી હતી તમારે? અને એ પણ જાતે લોખંડનાં ઘોડા પર ચડીને? તમારી ઉંમર છે હવે આવા કામ કરવાની? અમે બેઉ જણ તો અમારી જોબ પર હોઈએ. શરીર સાચવીને રહેવું એ પણ એક જવાબદારી છે ડેડી! તમે એટલું પણ ભૂલી ગયા કે શું? હવે આ ફેક્ચર આવ્યું તો કોણ કરશે તમારું બધું…! અમારી પળોજણો ઓછી છે કે આ એક વધારી તમે!’

તપન બોલી રહ્યો હતો. ત્વીશાને લાગ્યું કે દીકરાની વાણીનો આ ઉપેક્ષાભર્યો તાપ બુઢા બાપને તપારો આપી રહ્યો હતો. ગુસ્સાથી એનાં નાક-કાન રતુંબડાં બની રહ્યાં હતાં. ત્વીશાએ તપનનાં ખભે હળવેકથી હથેળી થપકાવી અને ધીરા સ્વરે કહ્યું:

‘બસ હવે તપન, પપ્પાનો ઈરાદો પણ પડવાનો તો ન જ હોય ને…તું સમજ જરા. મમ્મીનાં ગયા પછી આપણે જોબ પર જઈએ પછી પાછળથી પપ્પા ઘરમાં સાવ એકલા હોય, તને તો ખબરેય નહીં હોય પણ- એમની પર્સનલ લાઈબ્રેરીનાં તો બધા જ પુસ્તકો પપ્પાએ વાંચી પણ લીધા…હે ને પપ્પા. માળિયામાંથી આ પતરાની પેટી એમણે ઉતારીને તપન…એમાં મમ્મીનાં લખેલા પત્રો છે…!’

ત્વીશાનો સ્વર થોડો કંપી ઊઠયો. એ સાથે જ તપન થોડો ચમકીને ત્વીશાની આંખમાં જોઈ રહ્યો. એક અહોભાવથી ત્વીશા સસરા તરફ જોઈ રહી હતી અને સસરા નાનું બાળક જે રીતે પોતાની પસંદગીનું રમકડું મળી જતાં એક ઉત્તેજના અને જીત અનુભવે, કંઈક એવી જ નજરે માળિયા ઉપરથી ઉતારેલી પતરાની પેટીને મમતાભરી નજરે જોઈ રહ્યાં હતાં.

આખા દ્રશ્યનાં મૌનથી અકળાયેલો તપન કંઈક બબડતો બાથરૂમમાં ઘૂસી ગયો.- પુરુષનો પલાયનવાદ! ત્વીશાએ વિચાર્યું.

અને પછીએ સસરાની આંખો અને ચહેરો વાંચવાની કોશિશ કરી રહી હતી. એણે નોંધ્યું કે, તપન દ્વારા હમણાં જે કંઈ બોલાયું એનાથી સસરા બેઅસર રહીને પણ કંઈક માણી રહ્યા હોય એવી પ્રસન્નતા સસરાનાં ચહેરા પર હતી. એ સસરાને કંઈ પૂછવા જાય એ પેલાં તો ડોરબેલ વાગી અને સસરાની ખબર કાઢવાને બહાને સોસાયટીનાં એની ઉંમરનાં વૃદ્ધોની એક આખી ટોળકી અંદર ધસી આવી.

ત્વીશા કિચનમાં પરોવાઈ, એણે હમણાં કોલેજમાંથી રજા લીધી હતી. કારણ કે સસરાને ૨૧ દિવસનો પગનો પાટો આવતાં એની દૈનિક ક્રિયાઓમાં મદદની પણ જરૂર હતી. ઉપરાંત ઘરે પપ્પાની ખબર પૂછવા આવનારા માણસોથી ઉભરાતું હતું.

સાંજે સસરાની થાળી પીરસતાં ત્વીશાએ પૂછી જ લીધું કે પપ્પા આ ઉંમરે આવી પીડામાં પથારીવશ રહીને તમે કેમ હસી શકો છો પપ્પા?

ત્યારે એ વૃદ્ધે રણકતાં સ્વરે કહ્યું: ‘ત્વીશા દીકરા, તારા સાસુનાં ગયા પછી આ ઘરમાં મારી પાસે નિરાંતે બેસીને વાતો કરનાર કોઈ નહોતું ને…જો હવે હું પડી ગયો તો ઘર કેટલું માણસીલુ લાગે છે અને એમ થવામાં તમારા સાસુનાં લખેલાં પ્રેમપત્રોથી ભરેલી આ જ પતરાની પેટીનો મોટો પાડ…!’

ત્વીશા સસરાના ચહેરા પર લીંપાયેલી પીડા પાછળની પ્રસન્નતા જોઈ રહી. જાણે કે ગરમા-ગરમ રોટલી પરથી…

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન