પાક.માં લાપતા બે સૂફી મૌલવી ભારત પાછા ફર્યા, સ્વામીએ કહ્યું- દેશદ્રોહી

286

પાકિસ્તાનમાં લાપતા થયેલા બે ભારતીય ખાદિમ સોમવારે ભારત પાછા ફર્યા હતા. તેમાં હઝરત નિઝામુદ્દીન ઓલિયા દરગાહના મુખ્ય ખાદિમ આસિફઅલી નિજામી અને તેમના ભત્રીજા નાઝિમઅલી નિઝામીનો સમાવેશ થાય છે. ભારત પાછા ફરેલા બંને ખાદિમે વિદેશપ્રધાન સુષમા સ્વરાજની મુલાકાત પણ લીધી હતી. નાઝિમે કહ્યું કે પાકિસ્તાનનાં એક અખબાર ઉમ્મતે તેમને ભારતીય જાસૂસી સંસ્થા રોના એજન્ટ કહીને ખોટા અહેવાલો છાપ્યા હતા. ભારતે રાજદ્વારી દબાણ કરતાં પાકિસ્તાનની સરકારે તેમને શોધ્યા હતા. નાઝિમે ભારત સરકાર, નરેન્દ્ર મોદી, સુષમા સ્વરાજ અને રાજનાથસિંહનો આભાર માન્યો છે.

બંને દેશ વિરુદ્ધ પ્રવૃત્તિ કરતા હતા : સુબ્રમણ્યમ સ્વામી 

ભાજપસાંસદ સુબ્રમણ્યમ સ્વામીનું કહેવું છે કે તેમની પાસે સ્વતંત્ર માહિતી છે કે બંને ખાદિમ હકીકતે દેશવિરુદ્ધ કામ કરી રહ્યા હતા.સ્વામીએ કહ્યું કે બંને ખાદિમ ખોટું બોલી રહ્યા છે કે તેમની પાકિસ્તાનમાં અટકાયત થઇ હતી. પોતાના બચાવ માટે અને લોકોની સહાનુભૂતિ મેળવવા આવું બોલી રહ્યા છે. આઇએસઆઇ આટલા દિવસ તેમની સાથે શું કરી રહી હતી?

પાક. મીડિયાના અલગ અલગ દાવા  

પાક. મીડિયામાં અહેવાલ આવ્યા હતા કે બંને મૌલવીઓને આઈએસઆઈએ ગાયબ કરાવી દીધા છે. પાક. જાસૂસી એજન્સીઓને શંકા હતી કે બંનેને મુહાઝિર કોમી મૂવમેન્ટ સાથે સંબંધ છે, જોકે પાક. સરકાર સત્તાવારરૂપે કહે છે કે બંને મૌલવી સિંધના અંતરિયાળ વિસ્તારમાં પોતાના શ્રદ્ધાળુઓને મળવા ગયા હતા.

મોઢું ઢાંકીને લઇ જવાયો હતો : સૂફી મૌલવી

પાકિસ્તાનમાં લાપતા થયેલા બે સુફી ખાદિમ પૈકી સૈયદ આસિફઅલી નિઝમીએ પાકિસ્તાની સત્તાવાળાઓએ જાસૂસી કરવાના આક્ષેપસર તેમની અટકાયત કરી હોવાના અહેવાલ ફગાવી દીધા હતા. પરંતુ ત્યાં તેમની સાથે ગેરવર્તાવ નહોતો થયો.મને ભોજન પણ આપવામાં આવ્યું હતું.વીઆઇપી ખંડમાં રાખવામાં આવ્યા હતા. મારા વિષે અને દરગાહ વિષે પૂછપરછ થઇ હતી. જો કે મૌલવીઓએ કહ્યું કે સુબ્રમણ્યમ સ્વામીના આક્ષેપો ખોટા છે. અમે ફરી પાકિસ્તાન જઈશું કોઈ રોકી શકે નહીં.