Pakistan accuses India of hosting Islamic States camps
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પંજશીર નરસંહારથી ઘેરાયેલ પાકિસ્તાને ભારતને ભેખડે ભરાવાનો કર્યો પ્રયાસ

પંજશીર નરસંહારથી ઘેરાયેલ પાકિસ્તાને ભારતને ભેખડે ભરાવાનો કર્યો પ્રયાસ

 | 12:17 pm IST
  • Share

અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકીઓની ખુલ્લેઆમ મદદ કરવા અને પંજશીર ઘાટીમાં નરસંહારના આરોપોથી ઘેરાયેલ પાકિસ્તાને દુનિયાનું ધ્યાન ભટકાવા માટે ભારતને ભેખડે ભરાવાનો પ્રયાસ કર્યો છે. પાકિસ્તાને આરોપ મૂકયો છે કે ભારત કાશ્મીરમાં ચાલી રહેલા ‘સ્વતંત્રતાના સંઘર્ષ’ને બદનામ કરવા માટે દેશના અલગ-અલગ ભાગમાં આતંકી શિબિરો ચલાવી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં ISI આતંકીઓની મદદ કરનાર પાકિસ્તાને હવે ઉલટાનું ભારત પર જ નિરાધાર આરોપ મૂકવાનું શરૂ કરી દીધું છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઇદ યુસુફ અને માનવાધિકાર બાબતોના મંત્રી શિરિન માંજરીએ કહ્યું કે ભારતની વિરૂદ્ધ 131 પેજનું ડોઝિયર રજૂ કરાયું. પાકિસ્તાની નેતાઓએ દાવો કર્યો છે કે ભારત ગુલમર્ગ, રાયપુર, જોધપુર, ચકરાતા, અનુપગઢ અને બિકાનેરમાં ISISના ટ્રેનિંગ કેમ્પ ચલાવી રહ્યું છે.

પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવકતા અસીમ ઇફ્તિખારે આરોપ મૂકયો છે કે ભારત આ ISISના આતંકીઓને ટ્રેનિંગ આપ્યા બાદ તેમને સામેલ કરી રહ્યું છે જેથી કરીને કાશ્મીરી આંદોલનને તાલિબાની આંતરરાષ્ટ્રીય આતંકવાદ સાથે જોડી શકે. તેનો હેતુ કાશ્મીરના કથિત સ્વતંત્રતા આંદોલનને કલંકિત કરવાનું છે. પાકિસ્તાની વિદેશ મંત્રી કુરૈશીએ કહ્યું કે ડોઝિયરને સંયુકત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સમુદાયની સાથે શેર કરશે.

પાકિસ્તાનના આ દાવાથી વિપરિત ભારત વારંવાર પાકિસ્તાનને કહી રહ્યું છે કે જમ્મુ-કાશ્મીર દેશનું અભિન્ન અંગ હતું, છે અને હંમેશા રહેશે. તેમણે પાકિસ્તાનને વાસ્તવિકતા સ્વીકારવાની તથા ભારત વિરોધી દુષ્પ્રચાર રોકવાનું પણ કહી દીધું છે. ભારતે પાકિસ્તાનને પહેલાં એમ પણ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરથી સંબંધિત વિષય તેમની આંતરિક બાબતો છે અને દેશ પોતાની સમસ્યાઓનું સમાધાન કરવામાં સક્ષમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન