પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ નહીં કરે પીએમ મોદી : ઓમાન માર્ગે જશે બિશ્કેક - Sandesh
  • Home
  • India
  • પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ નહીં કરે પીએમ મોદી : ઓમાન માર્ગે જશે બિશ્કેક

પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ નહીં કરે પીએમ મોદી : ઓમાન માર્ગે જશે બિશ્કેક

 | 3:03 am IST

। નવી દિલ્હી ।

કિર્ગિઝસ્તાનની રાજધાની બિશ્કેકમાં ૧૩ અને ૧૪ જૂને થનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ની બેઠકમાં ભાગ લેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જવાના છે અને આ હવાઈ પ્રવાસ માટે પાકિસ્તાને તેના એર સ્પેસને ખોલી દીધો હોવા છતાં પીએમ મોદી ઓમાનના માર્ગે બિશ્કેક જશે. પાકિસ્તાને આપેલી ઓફરને ભારતે સૈદ્ધાંતિક રીતે સ્વીકારી હતી પણ પીએમ મોદી પાકિસ્તાન પર થઈને બિશ્કેક નહીં જાય. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન પણ આ બેઠકમાં ભાગ લેવાના છે.

૨૬ ફેબ્રુઆરીએ ભારતીય વાયુ દળે બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી અડ્ડાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી અને એ દિવસ બાદ પાકિસ્તાને તેના એર સ્પેસને સંપૂર્ણ રીતે બંધ કરી દીધો હતો. જોકે ત્યાર બાદ તેણે ૧૧ પૈકી દક્ષિણ પાકિસ્તાનમાંથી ગુજરતા બે હવાઈ માર્ગ ખોલી દીધા હતા. ૨૧મેએ તત્કાલીન વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ પણ એસસીઓની  બેઠકમાં ભાગ લેવા માટે બિશ્કેક ગયાં હતાં અને એ સમયે  પાકિસ્તાને તેનો એરસ્પેસ સુષમા સ્વરાજ માટે ખોલી દીધો  હતો. એ સમયથી એવું માનવામાં આવતું હતું કે વડા પ્રધાન  પણ આ માર્ગે જશે. ભારતે પીએમ મોદીના વિમાનને પાકિસ્તાન પરથી પ્રવાસ, કરવા  માટે મંજૂરી માગી હતી અને ઈમરાન ખાન સરકારે એને મંજૂરી  આપી દીધી હતી.

બિશ્કેકમાં યોજાયેલા એસસીઓના શિખર સંમેલનમાં પીએમ મોદી આતંકવાદના વધતા જતા ખતરા સહિત આ વિસ્તારના તમામ મુખ્ય પડકારોનો ઉકેલ લાવવા માટે ભારતનો અભિગમ સ્પષ્ટ કરે એવી આશા છે. ફરી બહુમતીથી સત્તામાં આવેલા મોદી માટે આ પહેલી બહુપક્ષીય બેઠક છે જેમાં તેઓ ભાગ લઈ રહ્યા છે.

કયા રૂટ પરથી જશે? । વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વીવીઆઈપી વિમાન ભારતથી ઓમાનના માર્ગે ઈરાન સુધી જશે અને ત્યાંથી મધ્ય એશિયાના દેશો પરથી પસાર થઈને બિશ્કેક પહોંચશે. આ માટેની તમામ તૈયારી કરી દેવામાં આવી છે. પહેલાં વિમાનને પાકિસ્તાનના રૂટ પરથી લઈ જવાનો વિચાર કરવામાં આવ્યો હતો પણ છેલ્લી ઘડીએ આ વિચારને બદલી નાખવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન