Pakistan Denies to Open its Air Space for PM Narendra Modi
  • Home
  • Featured
  • જો ભારત આ પગલા ભરશે તો PM મોદી માટે પાકિસ્તાને ખોલવી જ પડશે પોતાની એરસ્પેસ

જો ભારત આ પગલા ભરશે તો PM મોદી માટે પાકિસ્તાને ખોલવી જ પડશે પોતાની એરસ્પેસ

 | 7:07 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અવળચંડા પાકિસ્તાને પોતાની એરસ્પેસ ખોલવાનો ઈનકાર કરી દીધો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું છે કે, પાકિસ્તાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી નહીં આપે.

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, આ નિર્ણય કાશ્મીરની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત તરફથી પીએમ મોદી માટે 20 સપ્ટેમ્બરે અમેરિકા જવા અને 28 સપ્ટેમ્બરે પાછા આવવાની ફ્લાઈટ માટે એરસ્પેસ ખોલવાની અપીલ કરવામાં આવી હતી.

પાકિસ્તાનના આ પગલાની ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ભારે નિંદા કરી હતી. આ અગાઉ પાકિસ્તાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ફ્લાઈટ માટે પોતાની એરસ્પેસ ખોલવાનો ઈનકાર કરી દીધો હતો.

અહેવાલ અનુંસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20મી સપ્ટેમ્બરે અમેરિકા જવા માટે પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ કરવાના હતાં. પીએમ મોદી હ્યુસ્ટનમાં ભારતીય-અમેરિકી સમુદાયને સંબોધિત કરશે. ત્યાર બાદ તેઓ 27મીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે.

પરંતુ ભારત ઈચ્છે તો પાકિસ્તાનને બરાબરનો પાઠ ભણાવી શકે છે. આંતરરાષ્ટ્રીય નિયમ પ્રમાણે પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપવી જ પડશે. જો પાકિસ્તાન ભારતના આ અનુરોધને ફગાવશે તો ભારત આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનમાં અપીલ કરી શકે છે. જેને લઈને પાકિસ્તાને દંડ પણ ભરવો પડી શકે છે.

આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે કોઈ પણ દેશના ક્ષેત્રમાંથી 12 નોટિકલ માઈલ કે 22.2 કિલોમીટરના અંતર સુધી જે તે દેશની એરસ્પેસ માનવામાં આવે છે અને તે દેશનું પોતાના એરસ્પેસ પર સંપૂર્ણ નિયંત્રણ હોય છે. તેવી જ રીતે દરેક દેશનો એક ફ્લાઈંગ કોરિડોર પણ હોય છે જેમાં તે વિદેશી કોમર્સિયલ ફ્લાઈટને પ્રવેશ આપવા પર વિચાર કરી શકે છે.

પાકિસ્તાન સહિતના અનેક દેશો આના દ્વારા મોટી કમાણી કરે છે. ઉદાહરણ તરીકે જો એર ઈન્ડિયાનું વિમાન પાકિસ્તાનના એરસ્પેસમાંથી પસાર થાય તો તેને સમજુતિ અનુંસાર પાકિસ્તાન સરકારને નક્કી કરવામાં આવેલી રકમ ચુકવવાની રહે છે. કેટલાક દેશો પોતાના એરસ્પેસનો ઉપયોગ રણનૈતિક બઢત મેળવવા માટે પણ કરે છે.

આંતરરાષ્ટ્રીય એરસ્પેસના નિયંત્રણ અને તેના ઉપયોગને લઈને અનેક આંતરરાષ્ટ્રીય સમજુતિઓ પણ અસ્તિત્વમાં છે. ઉદાહરણ તરીકે સમુદ્રની ઉપર એરસ્પેસને લઈને પણ આંતરરાષ્ટ્રીય નિયમ છે. સંયુક્ત રાષ્ટ્રની સ્પેશિયલ એજન્સી ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશનની દેખરેખમાં તમામ સમજુતી અને નિયમોનું પલન થાય છે કે કેમ તે સુનિશ્ચિત કરવામાં આવે છે.

હવે પાકિસ્તાન પીએમ મોદી માટે પોતાનું એરસ્પેસ બંધ કરે તો ભારત સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ICAOમાં જઈ શકે છે. પાકિસ્તાન એરસ્પેસ બંધ કરી ICAOની સમજુતીનું ઉલ્લંઘન કરી રહ્યું છે.

ફેબ્રુઆરીમાં ભારતીય વાયુસેનાએ કરેલી એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું હતું. જોકે કરોડોનું નુંકશાન વેઠ્યા બાદ પાકિસ્તાને પોતાનો આ નિર્ણય ત્યારે પાછો ખેંચવો પડ્યો હતો જ્યારે પીએમ મોદી ફ્રાંસ જવા પાકિસ્તાન એરસ્પેસમાંથી જ પસાર થયા હતાં. હવે ફરી એકવાર કંઈક આવી જ ઘટના ઘટવા જઈ રહી છે.

આ વીડિયો પણ જુઓ : નાસિકની મહાજનાદેશ યાત્રામાં PM મોદીનું સંબોધન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન