2019ના વર્લ્ડકપમાં સીધી એન્ટ્રી કરવા માટે પાક. ટીમના વલખા

661

વન-ડે રેન્કિંગમાં આઠમા સ્થાને રહેલી પાકિસ્તાનની નજર ઓસ્ટ્રેલિયા સામે 13મી જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી વન-ડે સિરીઝમાં સારો દેખાવ કરી પોતાની રેન્કિંગમાં સુધારો કરી 2019માં યોજાનારા વન-ડે વર્લ્ડ કપમાં સીધા પ્રવેશ પર રહેશે.

પાકિસ્તાનની ટીમ વન-ડેમાં 89 પોઇન્ટ સાથે આઠમા ક્રમે છે જ્યારે બાંગ્લાદેશની ટીમ 91 પોઇન્ટ સાથે સાતમા સ્થાને છે. નવમા ક્રમે રહેલી વેસ્ટ ઇન્ડીઝ ટીમના 87 પોઇન્ટ છે. પાકિસ્તાનને પોતાની રેન્કિંગ જાળવી રાખવા પાંચ મેચની સિરીઝ પૈકી એક પણ મેચ જીતવી જરૂરી છે. જો પાકિસ્તાન સિરીઝમાં બે મેચ જીતે તો તેના પોઇન્ટ બાંગ્લાદેશની સમકક્ષ થઈ જશે. જો સિરીઝ જીતે તો બાંગ્લાદેશને પાછળ છોડી દેશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાને પોતાની નંબર વનની રેન્ક જાળવી રાખવા 4-1થી સિરીઝ જીતવી પડશે. જો ૩-૨થી સિરીઝ જીતે તો તેને નુકસાન થશે જ્યારે સિરીઝમાં પાકિસ્તાન 4-1થી જીતે તો ઓસ્ટ્રેલિયા નંબર વનનું સ્થાન ગુમાવી દેશે.

બીજી તરફ વિશ્વમાં ત્રીજી રેન્ક ધરાવતી ભારતીય ટીમ 15મી જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝમાં જીત મેળવી બીજા નંબરે રહેલી આફ્રિકા અને પોતાના વચ્ચેના પોઇન્ટનું અંતર ઓછું કરવા પર રહેશે. ભારત પાંચમા સ્થાને રહેલી ઇંગ્લેન્ડ સામે 3-0થી સિરીઝ જીતે તો 114પોઇન્ટ થશે જ્યારે ઇંગ્લેન્ડ 3-0થી સિરીઝ જીતે તો ભારત પાંચમા સ્થાને ધકેલાઈ જશે જ્યારે ઇંગ્લેન્ડ ચોથા સ્થાને પહોંચશે.

બેટિંગ રેન્કિંગમાં કોહલીની નજર નંબર વન બનવા પર રહેશે. કોહલી અત્યારે એબી ડી વિલિયર્સ કરતાં 13 પોઇન્ટ પાછળ છે જ્યારે વોર્નર કોહલી કરતાં માત્ર બે પોઇન્ટ પાછળ છે.