પાકિસ્તાનને હવે ખરેખર પાઠ ભણાવવાની જરૂર છે - Sandesh
  • Home
  • Columnist
  • પાકિસ્તાનને હવે ખરેખર પાઠ ભણાવવાની જરૂર છે

પાકિસ્તાનને હવે ખરેખર પાઠ ભણાવવાની જરૂર છે

 | 3:14 am IST
  • Share

ઇશ્યૂ ઈન ન્યૂઝ

નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી-રાષ્ટ્રીય તપાસ એજન્સીએ કાશ્મીરમાંથી પકડાયેલા આતંકી બહાદુરઅલીની કબૂલાત કરતાં નિવેદનનો એક વીડિયો પ્રસારિત કર્યો છે. એજન્સીએ એ દર્શાવવાની કોશિશ કરી છે કે, કાશ્મીરમાં અશાંતિની પાછળ લશ્કર-એ-તોયબાનો હાથ છે, જેને પાકિસ્તાની સેનાનો સાથ મળ્યો છે. તેને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રહેલા કંટ્રોલરૂમમાંથી સૂચનાઓ અપાતી રહી, જો પાર્શ્વભૂમિકા જોઈએ તો જણાશે કે તેનાં નિવેદનમાં નવું કંઈ નથી. લાંબા સમયગાળાથી જે ચાલતું રહ્યું છે તેની આ એક કડી છે તેમ કહેવાય. આવાં અનેક લોકો અગાઉ પકડાયાં છે અને બધાએ આવી જ વાતો કરી છે, હવે તો આપણી આ નીતિ બની ગઈ હોય તેવું જણાય છે કે, આવાં નિવેદનો મારફતે વિગતો મેળવી આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચી પાકિસ્તાન પર દબાણ લાવવામાં આવે. પરિણામે પકડાયેલા આતંકીનાં નિવેદનો અગત્યનાં ગણાય છે. પાકિસ્તાન જ બધું કરે-કરાવે છે તેથી તેને તો ખબર જ હોય છે કે, નિવેદનમાં આવું જ હોવાનું. ભારત વિરોધ વ્યક્ત કરશે. રાજદ્વારી અમલદારને બોલાવી ભારત ઠપકો આપશે વગેરે વગેરે. વર્ષોથી આ પરંપરા ચાલે છે, હવે સમય આવી ગયો છે કે, પાકિસ્તાનને તેની ભૂલ સમજાવવી જોઈએ અને સબક શીખવવો જોઈએ. પાકિસ્તાનમાં સરકાર તો નામની જ છે, લોકશાહી દર્શાવવા. ત્યાંનું લશ્કર કે ગુપ્તચર સંસ્થાઓ પણ આતંકીઓના જ હાથમાં છે. તેમ છતાં વિશ્વસ્તરે હવે પાકિસ્તાન વિરૂદ્ધ વાતાવરણ તૈયાર કરવાની જરૂર છે.

એક જમાનામાં આવી ધરપકડોની લોકોને ખબર પડતી નહોતી અને હવે આવી મોટાભાગની વાતો જાહેરમાં આવી રહી છે પણ એવું વિચારવું કે આવા ફેરફારો પાછળ પાકિસ્તાનની નવી કોઈ ચાલ છે તે યોગ્ય નથી. દરેક વખતે હુમલા થાય ત્યારે લશ્કરે-તોયબા વગેરે આતંકી સંગઠનનાં નામો લેવાય છે. આવાં સંગઠનોને પાક.સરકારનો જ ટેકો છે. અન્ય સરકારી એજન્સીઓ તેમને મદદ કરે છે, હવે આખી દુનિયામાં બધાને ખબર પડી છે. સેના તાલીમ પણ આપે છે. શસ્ત્રો આપે છે, જો ૧૦૦ ટકા વિગતો બહાર પાડવામાં આવે તો એક નહીં અનેક નામ બહાર આવે. તે હવે યોગ્ય નથી. પરિણામે પકડાયેલા ભલે ગુનાઓ, કાવતરાંઓ સ્વીકારે પણ તેનો કોઈ લાભ ભારતને મળતો નથી. આપણી નીતિ દરેક કેસ પર બદલાઈ જાય છે. એક જ પ્રકારના બનાવોમાં અલગ અલગ વલણ શા માટે હોવું જોઈએ ? તમામ કેસ એક જ દૃષ્ટિથી જોવાની જરૂર છે, કારણ કે આતંકી ઘટના વારંવાર એક જ પ્રકારની થાય છે. છૂટક ઘટના નથી થતી. દર વર્ષે જેટલી આતંકી ઘટના થાય છે તેમાં ૯૯.૯૯ ટકા પાકિસ્તાની જ હોય છે. આ સ્થિતિમાં જે પ્રમાણો આપણને મળે છે તે એકત્ર કરી તેને પાર્શ્વભૂમિકા બનાવીને જ વાત કરવી જોઈએ. દુનિયા સમક્ષ જ પ્રમાણો રાખવાની જરૂર છે. પાકિસ્તાને જેનો કબજો લઈ લીધો છે તે કાશ્મીર ભારતનું જ છે. તેને આઝાદ કાશ્મીરની જગ્યાએ ગુલામ કાશ્મીર કહેવું જોઈએ. આ કાશ્મીર ભારતે મેળવવું જોઈએ. ત્યાંનાં લોકોને પાકિસ્તાન સરકાર સામે અસંતોષ છે જ. આપણે લાભ કેમ નથી લેતા ? એકથી વધુ નેતા, સરકારો આવી ગઈ પણ પાકિસ્તાન પાસે એક જ મુદ્દો જમ્મુ-કાશ્મીરનો છે. આ મુદ્દા પર જ પ્રજાને ગેરમાર્ગે દોરી જેને શાસન કરવું હોય તે કરે છે. બહુ ઊહાપોહ થયો એટલે ચૂંટણી થઈ, થવા દીધી. બાકી સત્તા જેની પાસે હતી તેની પાસે જ છે.

હવે તો આખી દુનિયા પાકિસ્તાનને બરાબર ઓળખે છે. માની લો કે ભારત પાસે જે પ્રમાણો છે તેને બાજુએ મૂકીએ તો જણાશે કે આખી દુનિયા મોટાભાગના તમામ દેશોમાં જે આતંકી ઘટના બની છે તે જ પાકિસ્તાનનાં સાચાં ચિત્ર માટે પૂરતી છે. જે દેશો દાયકાઓ પહેલાં ભારતમાં આતંક તરફ ધ્યાન આપતા નહોતા તે આજે ભારતથી વધુ ભયભીત દેશો છે. પાકિસ્તાન આતંકીને જન્મ આપી, પાલનપોષણ કરી, તમામ મદદ કરી તેને ત્રાસવાદના વ્યવસાયમાં જોતરે છે. શાસકો, સૈન્ય સંગઠનોના વડા, આતંકીના બોસ બધા જ પછી જલસા કરે છે. જો આતંક બંધ થાય તો આ આખી જમાત જીવી જ ન શકે. દુનિયામાં એવું કહી શકાય કે મોટાભાગે પાકિસ્તાની જ ત્રાસવાદી ઘટના સર્જે છે. દુનિયાના શક્તિશાળી દેશો તો તેને સબક શીખવાડવાને બદલે પીઠ થાબડી જીવવા માટે નાણાકીય સહાય, શસ્ત્રોની સપ્લાય વગેરે આપે છે, હવે નીતિ થોડી બદલવાની જરૂર છે. પાકિસ્તાન આતંકીને ટેકો આપે જ છે. આ બાબત હવે સૌ કોઈ જાણે છે, હવે એક જ વાત હોવી જોઈએ કે, તેની સામે કેવાં પગલાં લેવાં. હવે ખરેખર પાકિસ્તાન પર કોઈ કાર્યવાહી થવી જોઈએ. અમેરિકા-ચીન વગેરે દેશો તેનાથી ડરે છે એક અથવા બીજી રીતે. કૂટનીતિની જરૂર છે. પ્રમાણો ઉપયોગી છે પણ દરેક વખતે તેનાથી આગળ ન વધવું યોગ્ય નથી. ભારતમાં તો વાતાવરણ હવે છે જ. દુનિયાભરમાં એક વાતાવરણ ઊભું કરવાની જરૂર છે. એક બાબત અનુભવી છે કે, કાશ્મીર પર શાંતિમંત્રણામાં જેવો સાર્થક અંત આવે પાકિસ્તાન અશાંતિ ઊભી કરે છે. વારંવાર મંત્રણા માટે તૈયાર થાય છે. પ્રજાને ગેરમાર્ગે દોરવા તેને ઉકેલની જરૂર નથી, કારણ કે પછી બીજો મુદ્દો જ ક્યાં છે તેમની પાસે.

દેશની પ્રતિક્રિયા અને લોકોના પ્રત્યાઘાત જાણવા જોઈએ. કોઈ પણ દેશનાં, તમામ ધર્મનાં લોકો આતંક ઇચ્છતા નથી. અલગતાવાદી પરિબળો જ આ રીતિનીતિ ચલાવે છે. બંને દેશોનાં લોકોને મળવા દેવાય તો પણ પરિસ્થિતિ સુધરે જ્યારે બંને દેશનાં લોકો મળતાં હતાં ત્યારે વાતાવરણ સુધર્યું હતું. વાસ્તવિકતા પ્રજાને ખબર પડી અને તુરત આતંકી પરિબળોએ મુલાકાતો આગળ ન વધે તેવું વલણ અપનાવ્યું. એકાદ આતંકીને પકડી દાવ ન રમાય. શાસકીય નીતિ કડક બનાવવી જરૂરી છે. ગુનાઓનો સ્વીકાર ઉકેલ નથી, તે માટે શું થાય ? સજા. તે સિવાય પગલાંની જરૂર છે. લોકો તો ટેકો આપવાનાં જ છે. જો સરકાર ખરેખર ગંભીર બને. ફક્ત રાબેતા મુજબનું વલણ દાખવવું યોગ્ય નથી. આતંકીને મારી નાખવાથી પરિણામ ન મળે. સાર્વત્રિક દબાણની નીતિ અપનાવવી જરૂરી છે. પાકિસ્તાન અત્યાર સુધીનું નુકસાન ભરપાઈ કરે તેટલી હદે પગલાં લેવાં જોઈએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો