ભારત ફરીવાર LoC ક્રોસ કરી સર્જીકલ સ્ટ્રાઈક કરશે તેવા ડરથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું - Sandesh
  • Home
  • India
  • ભારત ફરીવાર LoC ક્રોસ કરી સર્જીકલ સ્ટ્રાઈક કરશે તેવા ડરથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું

ભારત ફરીવાર LoC ક્રોસ કરી સર્જીકલ સ્ટ્રાઈક કરશે તેવા ડરથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું

 | 3:53 pm IST

જમ્મૂ-કાશ્મીરના સુંજવાન આર્મી કેમ્પ પર આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન રીતસરનુ ફફડી ઉઠ્યું છે. તેને વધુ એક સર્જીકલ સ્ટ્રાઈકનો ડર સતાવી રહ્યો છે. આ હુમલા પાછળ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાનું જાહેર થયું છે. આ સ્થિતિમાં પાકિસ્તાને આશંકા વ્યક્ત કરી છે કે, ઉડી હુમલા બાદ ભારતીય સેનાએ એલઓસી પાર કરીને સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો તેવું આ વખતે પણ થઈ શકે છે. માટે પાકિસ્તાને અગાઉથી જ ચેતવણી જાહેર કરી દીધી છે.

સુંજવાન કેંપ પર થયેલા આતંકવાદી હુમલામાં ભારતના 5 જવાન શહીદ થયાં છે. જ્યારે 4 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યાં છે. પરંતુ સુંજવાનમાં આર્મી કેમ્પ પર હુમલા બાદ હાથ ધરાયેલું ઓપરેશન હજી સંપૂર્ણ રીતે પાર પણ નથી પડ્યું ત્યાં શ્રીનગરમાં CRPFના એક કેમ્પ પર આતંકવાદીઓ ત્રાટક્યાં છે. આ હુમલામાં પણ એક જવાન શહીદ થયો છે. હુમલામાં પાકિસ્તાનનો હાથ સ્પષ્ટ રીતે જણાઈ આવ્યો છે. પરંતુ પાકિસ્તાને ભારતના આરોપોને ફગાવી દીધા છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું હતું કે ભારતીય પક્ષ હંમેશા યોગ્ય તપાસ કર્યા વગર બિન જવાબદારીપૂર્વકનું નિવેદન આપી નિરાધાર આરોપો લગાવે છે. પાકિસ્તાને ઉપરથી ભારત પર આરોપ લગાવ્યો હતો કે કાશ્મીરમાં ચાલી રહેલા સશસ્ત્ર વિદ્રોહને નિયંત્રિત કરવાના આચરવામાં આવતી ક્રુરતા તરફથી ધ્યાન હટાવવા માટે ભારત આમ કરી રહ્યું છે. ઉપરાંત પાકિસ્તાને એલઓસી પાર કરી કોઈ પણ પ્રકારની વળતી કાર્યવાહીને લઈને પણ ભારતને ચેતવ્યું છે.

પાકિસ્તાને કહ્યુ છે કે, અમને વિશ્વાસ છે કે કાશ્મીરમાં અત્યાચાર અને માનવાધિકારોનું ઉલ્લંઘન રોકવા માટે આંતરરાષ્ટ્રિય સમુદાય ભારત પર દબાણ વધારશે.

ભારતીય સેનાના જણાવ્યા પ્રમાણે સુંજવાન આર્મી કેમ્પમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી અસોલ્ટ રાઈફલ, યૂબીજીએલ અને ગ્રેનેડ મળી આવ્યાં છે. જ્યારે જમ્મૂ-કાશ્મીરના ડીજીપી એસપી વૈધના જણાવ્યા પ્રમાણે સુરક્ષા એજન્સીઓને આતંકવાદીઓની વાતચીત ટેપ કરવામાં સફળતા મળી છે. તમામ બાબતો જૈશ-એ-મોહમ્મદ તરફ ઈશારો કરે છે.

દુનિયાના સૌથી ખુંખાર આતંકવાદી ઓસામા બિન લાદેન અને અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમને સાચવનારૂ પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપવાના આક્ષેપોને ફગાવતું આવ્યું છે. પાકિસ્તાનનો દાવો છે કે તે માત્ર ‘આત્મનિર્ણયના અધિકાર’ માટે સંઘર્ષ કરી રહેલા કાશ્મીરના લોકોને પોતાનું કુટનૈતિક અને નૈતિક સમર્થન આપે છે.

ઉલ્લેખનીય છે કે 2016માં ઉડીમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં સેનાના 18 જવાનો શહીદ થયાં હતાં. ત્યાર બાદ ભારતે સર્જીકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો અને પાકિસ્તાનની સરહદમાં ઘુસીને તેને મોટું નુંકશાન પહોંચાડ્યું હતું.