પાકિસ્તાનની ધમકી, 'જો ભારતે સિંધુ જળ સંધિ તોડી તો થશે કડક કાર્યવાહી' - Sandesh
  • Home
  • Main News
  • પાકિસ્તાનની ધમકી, ‘જો ભારતે સિંધુ જળ સંધિ તોડી તો થશે કડક કાર્યવાહી’

પાકિસ્તાનની ધમકી, ‘જો ભારતે સિંધુ જળ સંધિ તોડી તો થશે કડક કાર્યવાહી’

 | 9:21 am IST

પાકિસ્તાને ગુરુવારે ભારતને ચેતવણી આપી છે કે જો ભારત સિંધુ જળ સંધિ તોડશે તો ભારતની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ફોરેન ઓફિસના પ્રવક્તા નફીસ ઝકારિયાએ જણાવ્યું કે નવાઝ શરીફ સરકાર આ મામલે નજર રાખી રહ્યી છે. જો આ સંધિ તૂટે તો પાકિસ્તાનને ભારતમાં વહેનારી છ નદીઓનું પાણી મળશે નહીં. પાકિસ્તાનનો એક ભાગ રણ બની જશે. સિંચાઈ અને અન્ય પ્રોજેક્ટ પણ બંધ થઈ જશે.

નફિઝ ઝકારિયાએ ગુરુવારે કહ્યું કે જો ભારત તરફથી આ સિંધુ જળ સંધિ તોડવાની કોશિશ થઈ તો પાકિસ્તાન યોગ્ય કાર્યવાહી કરશે. આ મામલે સંલગ્ન તમામ ગતિવિધિઓ પર પાકિસ્તાનની સરકારની નજર છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે ભારત કાશ્મીરમાં થઈ રહેલા માનવાધિકાર ભંગ પરથી દુનિયાનું ધ્યાન હટાવવા માટે સિંધુ જળ સંધિ તોડવાની વાત કરી રહ્યું છે. પાકિસ્તાને દુનિયા સામે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. અનેક દેશ આ મામલે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. અત્રે જણાવવાનું કે ઝકારિયાનું આ નિવેદન પાકિસ્તાની મીડિયામાં ચાલી રહેલા અહેવાલ બાદ આવ્યું છે જેમાં કહેવાયું છે કે ભારત 56 વર્ષ જૂની સિંધુ જળ સંધિની સમિક્ષા કરી શકે છે.

કેમ ભારત સંધિ અંગે સમિક્ષા કરવાનું વિચારી રહ્યું છે?

ઉરીમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન પર દબાણ વધારવાની સાથે સાથે દુનિયામાં તેને અલગ થલગ કરવાની સ્ટ્રેટેજી ઉપર પણ કામ કરી રહ્યું છે. સિંધુ જળ સંધિની સમિક્ષા પણ તેનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે. અત્રે જણાવવાનું કે ભારતે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદની વાતને યુએન, સાર્ક, જી-20 અને બ્રિક્સ જેવા દુનિયાના તમામ મંચ પર ઉઠાવ્યો છે. આ મામલે ભારતને અનેક દેશોનું સમર્થન પણ હાંસલ છે.

પીએમ મોદીએ કરી હતી સિંધુ જળ સંધિ પર રિવ્યું મિટિંગ

ગત દિવસોમાં પીએમ નરેન્દ્ર મોદીએ સિંધુ જળ સંધિ ઉપર સમિક્ષા બેઠક કરી હતી. જેમાં વિદેશ સચિવ એસ.જયશંકર, નેશનલ સિક્યુરિટી એડવાઈઝર (NSA) અજીત ડોભાલ અને પીએમના પ્રિન્સિપલ સેક્રેટરી નૃપેન્દ્ર મિશ્રા સામેલ હતાં. સૂત્રોના જણાવ્યાં મુજબ મોદીએ આ બેઠકમાં કહ્યું હતું કે પાણી અને લોહી એકસાથે વહી શકે નહીં.

શું છે સિંધુ જળ સંધિ?

સિંધુ જળ સંધિ ( Indus Water Treaty) 1960માં થઈ હતી. જેના પર જવાહરલાલ નહેરુ અને અયુબ ખાને હસ્તાક્ષર કર્યા હતાં. આ સંધિ હેઠળ છ નદીઓ બિયાસ, રાવી, સતલજ, સિંધુ, ચેનાબ અને ઝેલમ નદીનું પાણી ભારત અને પાકિસ્તાનને મળે છે. પાકિસ્તાન આરોપ લગાવતું રહ્યું છે કે ભારત તેને સંધિની શરતો કરતા ઓછુ પાણી આપે છે. તે બે વાર ઈન્ટરનેશનલ ટ્રિબ્યુનલમાં ફરિયાદ પણ કરી ચૂક્યું છે. સંધિ મુજબ સતલજ, બિયાસ અને રાવીનો વધુ પાણી ભારતના ભાગમાં આવ્યું જ્યારે સિંધુ, ઝેલમ અને ચેનાબનું મોટા ભાગનું પાણી પાકિસ્તાનના ભાગમાં ગયું.

જો સંધિ તૂટી તો પાકિસ્તાન પર શું થશે અસર?

જો આ સંધિ ભારત રદ કરે તો પાકિસ્તાનનો એક મોટો ભાગ પાણી વગર તરસ્યો રહેશે. સિંધુ અને બાકીની પાંચ નદીઓનું પાણી પાકિસ્તાનના એક મોટા હિસ્સાની પાણીની પ્યાસ છીપાવે છે. પાકિસ્તાની અખબાર ટ્રિબ્યુને ગત દિવસોમાં કહ્યું હતું કે સિંધુના પાણી વગર દેશનો એક મોટો ભાગ રણ બની જશે. સિંધુ, ઝેલમ અને ચેનાબમાં વોટર બેઝ્ડ ઈલેક્ટ્રિસીટી પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે. પાકિસ્તાનમાં આમ પણ વીજળીની ખુબ સમસ્યા છે. જો સંધિ રદ થઈ તો પાકિસ્તાનમાં વીજળીને લઈને હાહાકાર મચી શકે છ. આ ઉપરાંત ત્રણેય નદીઓથી સિંચાઈ પણ થાય છે. સંધિ રદ થતા વીજળીની અછત તો પેદા થશે જ પરંતુ સાથે સાથે ખેડૂતો માટે પણ મોટું સંકટ ઊભુ થશે. જેને પહોંચી વળવું લગભગ અશક્ય રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન