પાકિસ્તાની સાંસદો દ્વારા ઇકોનોમિક કોરિડોરનો ઉગ્ર વિરોધ થતાં ચીનને ફાળ પડી - Sandesh
  • Home
  • World
  • પાકિસ્તાની સાંસદો દ્વારા ઇકોનોમિક કોરિડોરનો ઉગ્ર વિરોધ થતાં ચીનને ફાળ પડી

પાકિસ્તાની સાંસદો દ્વારા ઇકોનોમિક કોરિડોરનો ઉગ્ર વિરોધ થતાં ચીનને ફાળ પડી

 | 11:25 am IST

પાકિસ્તાનના સંખ્યાબંધ સાંસદોએ ચીન-પાક. ઇકોનોમિક કોરિડોર(સીપીઈસી) પર ગંભીર ભય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, જો દેશનાં હિતનું સક્રિય રીતે રક્ષણ નહીં કરાય તો સીપીઈસી બીજી ઇસ્ટ ઇન્ડિયા કંપની સાબિત થઈ શકે છે. ડોન અખબારના અહેવાલ અનુસાર પાકિસ્તાની સાંસદોએ સીપીઈસીને સંબંધિત પ્રોજેક્ટો પાછળ ચીન અથવા અન્ય વિદેશી મૂડીરોકાણને સ્થાને સ્થાનિક ભંડોળનો ઉપયોગ થતો હોવાનો આરોપ મૂક્યો છે. સેનેટર સઇદુલ હસન માંડોખૈલે જણાવ્યું હતું કે, જો અમારે આ ખર્ચ ભોગવવાનો હોય તો પાકિસ્તાનને ઘણું નુકસાન થશે. શું આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય વિકાસ બનશે કે રાષ્ટ્રીય હોનારત? ચીન પાસેથી લેવાયેલી તમામ લોન પાકિસ્તાનની ગરીબ જનતાએ ચૂકવવી પડશે.

ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરને ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે સરખાવતાં માંડોખૈલે જણાવ્યું હતું કે, એક નવી ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રારંભ થઈ રહ્યો છે. પાકિસ્તાનનાં રાષ્ટ્રીય હિતોની સુરક્ષા કરવામાં આવી રહી નથી. અમને ચીન પાકિસ્તાનની મિત્રતા પર ગૌરવ છે પરંતુ દેશનાં હિતો પ્રથમ આવે છે.

પાકિસ્તાની સાંસદોએ અન્ય ક્ષેત્રોની ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સીપીઈસી સાથે સંબંધિત વીજમથકો માટે વીજળીના દર પણ ચીન દ્વારા નક્કી કરાશે. ગ્વાદરમાં સીપીઈસી અંતર્ગત ઊભી થઈ રહેલી માળખાકીય સુવિધાઓ પર પણ સેનેટરોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ગ્વાદર પ્રોજેક્ટથી ફક્ત ચીન અને પંજાબની પ્રાદેશિક સરકારને લાભ થવાનો છે. પછાત એવા બલૂચિસ્તાનને કોઈ લાભ મળવાનો નથી.

તહરીક એ ઇન્સાફ પાર્ટીના વડા ઇમરાન ખાને ભ્રષ્ટાચાર, કાશ્મીર અને અન્ય મુદ્દાઓ પર નવાઝ શરીફને ઘેરવાની ધમકી આપતાં ચીનને પોતાના કોરિડોર અંગે ફફડાટ વ્યાપી ગયો છે. બીજી નવેમ્બરે ઇમરાનની પાર્ટીએ ઇસ્લામાબાદમાં નવાશ શરીફ વિરોધી મહારેલીનું આયોજન કર્યું છે. નવાઝને ઘેરાતા જોઈ પોતાના પ્રોજેક્ટને કોઈ આંચ ન આવે તે માટે ચીને તાત્કાલિક તેના પાકિસ્તાન ખાતેના રાજદૂતને ઇમરાન ખાનને મળવાનો આદેશ આપ્યો હતો. મંગળવારે મોડી રાત્રે ચીની રાજદૂત સુન વેઇડોંગ પાકિસ્તાનમાં ચીનનાં રોકાણોની સુરક્ષા પર ખાતરી મેળવવા ઇમરાન ખાનને મળ્યા હતા. ઇમરાનની પાર્ટીનાં સૂત્રો પ્રમાણે નવાઝ શરીફ સામેનાં આંદોલનમાં ચીનનો કોરિડોર પણ ઝપટમાં આવી જશે, જોકે ઇમરાને ચીની રાજદૂત સાથેની મુલાકાતમાં સીપીઈસીની પ્રશંસા કરી હતી અને પ્રોજેક્ટ સફળતાથી પૂરો થાય તે માટે શુભેચ્છા પાઠવી હતી. ઇમરાને જણાવ્યું હતું કે મારી પાર્ટી ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના મામલે સરકારને સમર્થન આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન