Palm Oil Cultivation Good Option Gujarat Farmers
  • Home
  • Agro Sandesh
  • ઓઈલ પામની ખેતીમાં લાંબા ગાળાની કમાણી કરો, રાજ્ય સરકાર આ જિલ્લાને આપે છે સબસિડી

ઓઈલ પામની ખેતીમાં લાંબા ગાળાની કમાણી કરો, રાજ્ય સરકાર આ જિલ્લાને આપે છે સબસિડી

 | 1:50 pm IST

આ પાકનું મૂળ વતન દક્ષિણ આફ્રિકા માનવામાં આવે છે.ભારતમાં આ પાક ૧૯મી સદીના અંતમાં રાષ્ટ્રીય વનસ્પતિ ઉદ્યાન કલકત્તા તથા મહારાષ્ટ્ર વૈજ્ઞાનિક ખેતી સલાહકાર મંડળી પૂના દ્વારા આફ્રિકામાંથી બગીચાની શોભા માટે લાવવામાં આવેલો. સન ૧૯૭૧માં દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક, તામિલનાડુ તથા મહારાષ્ટ્રમાં અને અમુક દક્ષિણ ગુજરાતના ભાગમાં આ પાકની વ્યાપારી ધોરણે ખેતી શરૂ કરવામાં આવેલી.આ પાકની ગુજરાતમાં શક્યતા તેમજ જાતો ચકાસણીની કામગીરી કૃષિ પ્રાયોગિક સંશોધન કેન્દ્ર, પરિયા ખાતે ૧૯૮૯માં હાથ ધરવામાં આવેલી છે. જેમાં સારાં પરિણામ મળતા વલસાડ, સુરત, ભરૂચ, નવસારી જિલ્લાઓમાં આ પાકની ખેતી માટે ખેડૂતોને રાહતદરે ઓઈલ પામના છોડ તથા સબસિડી આપવામાં આવે છે.

ઓઈલ પામને કેવી આબોહવામાં ઉછેરશો

આ પાકની સારી વાનસ્પતિક વૃદ્ધિ માટે ગરમ અને ભેજવાળું હવામાન ૨૦ં સે.થી ૩૦ં સે. સુધીનું ઉષ્ણતામાન અને સારી રીતે વહેંચાયેલા ૨૫૦૦થી ૪૦૦૦ મિલી. વાર્ષિક વરસાદની જરૂરિયાત છે. આમ છતાં તે ભેજની અછત સામે ૩-૪ માસ ટકી શકે છે. આ પાક વિવિધ પ્રકારની જમીનમા લઈ શકાય છે.પૂરતો સૂર્યપ્રકાશ આ પાકની સારી વૃદ્ધિ માટે જરૂરી છે. ચોમાસા દરમિયાન સતત ભેજ અને વાદળછાયું વાતાવરણ રહેતા, ફળમાં સડો લાગે છે. જે ઉત્પાદન પર માઠી અસર કરે છે.દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકિનારાનું હવામાન આ પાકને માફક આવે છે.

જમીન કેવી જોઈએ

આ પાકને સેન્દ્રિય તત્ત્વોથી ભરપૂર, સારા નિતારવાળી, ઊંડી અને નદીના ભાઠાની જમીન ખૂબ જ માફક આવે છે. જમીનની જૈવિક, રાસાયણિક તથા ભૌતિક સ્થિતિ તથા પાણીની લભ્યતા પાકના ઉત્પાદન ઉપર સીધી અસર કરે છે. જમીનનો પી.એચ. આંક ૪-૬ તથા પાણીનાં તળની ઊંડાઈ ૧મી. વધુ હોવી જોઈએ.

રોપાઉછેર માટે બીજની માવજત

તાજાં પાકેલાં ફળમાંથી બીજ મેળવવું.બીજને ૯૦ દિવસ સુધી ૩૫-૪૦ સે.ગ્રે. તાપમાને ગરમી આપવી ત્યારબાદ ૪૦ કલાક બીજને પાણીમાં પલાળી રાખવાં.આવી માવજત આપેલ બીજ ૩ દિવસે ઊગવાનું શરૂ થાય. જે ૩૦-૪૦ દિવસ સુધી ચાલે છે. બિનમાવજતવાળાં બીજ ઊગવા માટે ૯-૧૨ માસ લે છે. ઊગેલ બીજને પોલીબેગમાં લઈ ઉછેરવામાં આવે છે. ૮-૧૨ માસના રોપને ખેતરમાં રોપણી કરવામાં આવે છે.

જમીનની તૈયારી અને વાવણી

ઉનાળામાં ૯/૯ મીટરના અંતરે ૬૦/૬૦/૬૦ સેમી. માપના ખાડા ખોદી ૧૫ દિવસ તપવા દઈ, ખાડાની માટી સાથે ૧૦ કિલો છાણિયું ખાતર, ૧૦૦ ગ્રામ સુપર ફોસ્ફેટ અને ૧૦૦ ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ મિશ્ર કરી ખાડા ભરી દેવા. ઉધઈનો ઉપદ્રવ જણાય તો પેરેથીઓન ડસ્ટ ૨% ૧૦ ગ્રામ/ખાડે છાંટવી. ચોમાસાનો એક સારો વરસાદ થયે ખાડાના મધ્યમાં રોપા રોપી તેને ટેકો આપવો.

ખામણા પદ્ધતિથી પિયત

પૂરતા પાણીવાળા વિસ્તારમાં ખામણા પદ્ધતિથી પિયત આપવું. ઝાડની ઉંમર વધતા ખામણાના માપમાં વધારો કરવો. પુખ્ત વયના ઝાડને ૪/૪ મીટરના ખામણા બનાવી ૭-૮ દિવસના અંતરે પિયત આપવું. ખાડા-ટેકરાવાળી જમીન કે પાણીની અછતવાળા વિસ્તારમાં ટપક પિયતથી ચાર ટપકિયા ગોઠવી ૯૦ લિ./દિવસ/ઝાડ પાણી આપવું.

 કોઠામાં જણાવ્યા પ્રમાણેનાં

ખાતરો આપવાં   

વર્ષ     ખાતરો ગ્રામ/પ્રતિ વર્ષ/પ્રતિ ઝાડ  

                        નાઈટ્રોજન      ફોસ્ફરસ        પોટાશ  

પ્રથમ           ૪૦૦           ૨૦૦           ૪૦૦

બીજું            ૮૦૦           ૪૦૦           ૮૦૦

ત્રીજું અને       ૧૨૦૦         ૬૦૦           ૧૨૦૦

ત્યારબાદ

ભલામણ- ખાતરના બે સરખા ભાગ કરી વર્ષમાં બે વાર (જૂન અને ઓક્ટોબરમાં) થડથી ૧ મીટર દૂર આપી, ગોડ કરી, માટી સાથે ભેળવી પિયત આપવું.

સમયાંતરે નીંદામણ અને આંતરખેડ

ખામણામાંથી હાથ વડે નીંદામણ દૂર કરી વર્ષમાં ૨-૩ વાર ખેડ કરી ખામણા ચોખ્ખા રાખવા. નીંદામણનાશક દવાનો ઉપયોગ કરવાનો થાય તો, ફરનોકઝોન દવા આ પાક માટે હાનિકારક સાબિત થયેલ છે. જેનો ઉપયોગ ન કરવો. આ પાકનાં મૂળ છીછરાં રહેતાં હોવાથી વારંવાર આંતરખેડ કરવી હાનિકારક છે.

તૈલીપામમાં કયા મિશ્રપાક લઈ શકાય

આ પાકમાં ત્રણથી ચાર વર્ષે ઉત્પાદન શરૂ થતું હોય છે. તે પહેલાં આ પાક સાથે શાકભાજી, આદૂ, હળદર જેવા પાક લઈ શકાય છે.ત્યારબાદ કોફી, કોકો તજ, મરીના પાકો પણ લઈ શકાય.

છાંટણી જરૂરી

પ્રથમ વર્ષ દરમિયાન સુકાયેલાં પાન, તાલા વગેરેની છાંટણી કરી દૂર કરવા.ઝાડ દીઠ ૩૭-૪૦ પાન રાખવાં.રોગિષ્ટ, સુકાયેલ પાન અને પુષ્પગુચ્છ કાપી દૂર કરવાં.

પૂરક પરાગનયનથી ફલીનીકરણ

૨-૩ વર્ષ ફૂલ આવવાનું શરૂ થાય છે. પ્રથમ વર્ષે ફૂલ ખેરવી નાખવા, ત્યારપછીના વર્ષથી ફળધારણ  થવા દેવામાં આવે છે. સારા ફળધારણ માટે બીજા ઝાડની પરાગરજ એકત્રિત કરી શંખજીરુંમાં મિશ્ર કરી માંદા પુષ્પગુચ્છ ઉપર છાંટવાથી ફળ ધારણ વધશે.

પાક સંરક્ષણ ઓઈલપામમાં  જીવાતનું નિયંત્રણ

મુખ્ય બે કીટક, ગેંડા કીટક અને રેડ પામ વીવેલ જોવા મળે છે. જેના નિયંત્રણ માટે ફ્યુરાડીન ૩-જી અથવા પેરેથિયોન ડસ્ટ ૨% (૧:૧) રેતી સાથે મિશ્ર કરી કાણામાં મૂકી કાણું હવાચુસ્ત બંધ કરવું અથવા સળિયા વાટે કીટક કાઢી નાશ કરવો.

રોગ

આજ સુધી ગુજરાતમાં આ પાકમાં રોગ જોવા મળેલ નથી.

યોગ્ય સમયે કાપણી

૩-૫-૪ વર્ષે પ્રથમ કાપણી શરૂ કરવી.

ફળ ઢીલાં પડે કે ખરવા માંડે ત્યારે કાપણી શરૂ કરી દેવી.

અતિ પરિપક્વ લૂમ ગુણવત્તા ઘટાડે છે માટે યોગ્ય સમયે અને અવસ્થાએ કાપણી કરવી.

ઉત્પાદન

ઝાડની ઉંમર વધતા ૪-૧૧ વર્ષ સુધી લૂમની સંખ્યામાં વધારો જોવા મળે છે. જે ૨૦ વર્ષ સુધી જોવા મળે છે.

પામવૃક્ષની  શું ખાસિયતો હોય છે?

આ તાડ ફળનો સભ્ય છે.એક જ ઝાડમાં જુદાંજુદાં ઝૂમખાંમાં નર-માદા ફૂલો આવે છે.દરેક પાનના કક્ષમાંથી એક પુષ્પવિન્યાસ નીકળે છે. જે નર, માદા કે દ્વિજ જાતિમાં વિકાસ પામેલાં હોય છે.ફળની એક લૂમ ૧૫-૨૦ કિલો વજનની હોય છે.ફળ ગોળ ૩-૩૦ ગ્રામ વજનના હોય છે.ફળની મધ્યમાં રહેલ ગર્ભમાંથી તેલ કાઢવામાં આવે છે.ફળ લૂમમાં ટોચથી નીચેની તરફ પાકવાનું શરૂ કરે છે જે ૫-૬ માસે પાકે છે.પરપરાગનયનથી ફળ બેસતાં હોઈ કૃત્રિમ પરાગનયનની જરૂર છે. જે માટે ચાંચિયાની હાજરી ઉપયોગી છે.

સંવર્ધન અને માવજત

પાકનું સંવર્ધન બીજમાંથી રોપા તૈયાર કરી કરવામાં આવે છે. વાનસ્પતિક રીતે સંવર્ધન કરવું શક્ય નથી, પરંતુ છેલ્લા સંશોધન મુજબ પેશી સંવર્ધનથી ભવિષ્યમાં રોપા તૈયાર કરી ખેડૂતોને આપી શકાશે.

– ડો.પી.કે. કાપડિયા

– સંશોધન વૈજ્ઞાનિક (બાગાયત), કૃષિ સંશોધન કેન્દ્ર, જૂ.કૃ.યુ. જૂનાગઢ

agro. [email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન