હસ્તરેખા જોઈ જાતે જ જાણો કે નસીબમાં ધન યોગ છે કે દરિદ્રતા

1283

આજે દરેક વ્યક્તિ કરોડપતિ બનવા ઇચ્છે છે, પરંતુ બધાનાં નસીબમાં કરોડપતિ બનવાનું લખ્યું હોતું નથી. ઘણી વાર તો કરોડપતિ પણ રોડપતિ બની જાય છે. તમારા નસીબમાં કરોડપતિ બનવાનું સૌભાગ્ય છે કે નહીં તે તમારા હાથમાં આવેલી વિવિધ રેખાઓ પરથી જાણી શકાય છે. વ્યક્તિ કરોડપતિ બનશે કે આર્થિક કષ્ટ ભોગવશે તે જણાવતી રેખાઓ આ પ્રમાણે છે. જો કે આપણા હાથમાં એવાં કેટલાંયે લક્ષણ હોય છે જેના દ્વારા જાણી શકાય છે કે વ્યક્તિ કરોડપતિ બનશે કે નહીં? સાથે-સાથે એ પણ જાણી શકાય છે કે વ્યક્તિના હાથમાં આવેલી રેખાઓમાં કેટલાક દોષ છે, જેને કારણે વ્યક્તિ ધન-સંપત્તિની માલિક નથી બની શકતી. આવા દોષોમાંથી મુક્તિ મેળવી મનુષ્ય જીવનમાં આવનારાં કષ્ટોથી બચી શકે છે.

તમારો હાથ ભારે હોય, ભાગ્યરેખા મણિબંધ રેખાથી લઈને શનિ પર્વત સુધી જતી હોય અને બધા જ ગ્રહો ઉન્નત હોય અથવા તો જીવનરેખામાંથી શનિરેખાઓ નીકળતી હોય, તો તમે અખૂટ સંપત્તિના માલિક બની શકો છો. સૌથી મહત્વની વાત એ છે કે જો હાથમાં શનિ પર્વત દબાયેલો હોય તો આવેલી લક્ષ્મી ચાલી જાય છે.

શરૂઆતમાં જાડી અને પાછળથી પાતળી થતી ભાગ્યરેખા અને જીવનરેખાથી દૂર હોય તો 25 વર્ષ પૂર્ણ કર્યા બાદ વ્યક્તિ ભરપૂર સુખ અને વૈભવ મેળવે છે, પરંતુ હૃદયરેખા તૂટતી હોય અથવા તેની એક શાખા મસ્તિષ્કરેખા પર આવી જાય તો મહેનત કરીને બનાવેલી સંપત્તિ પણ નષ્ટ થઈ જાય છે.

જો હાથમાં ભાગ્યરેખા એકથી વધારે હોય ગુરુ, સૂર્ય અથવા શનિ ગ્રહ ઉત્તમ હોય તો તમે એકથી વધારે કારોબાર કરીને સફળતા મેળવી શકો છો અને તેનાથી ઊલટું ભાગ્યરેખા ખંડિત હોય તો ભારે નુકસાન પણ થઈ શકે છે.