રશિયાની પ્રજા માટે પેન્શન બની ગયું ટેન્શન - Sandesh
  • Home
  • Columnist
  • રશિયાની પ્રજા માટે પેન્શન બની ગયું ટેન્શન

રશિયાની પ્રજા માટે પેન્શન બની ગયું ટેન્શન

 | 1:13 am IST

ઓવર વ્યૂ

વૃદ્ધોની વધતી જતી વસતીથી પરેશાન રશિયા ઇચ્છે છે કે નિવૃત્તિની વય વધારવામાં આવે, જેથી લોકોને પેન્શન થોડું મોડું આપવું પડે. રશિયાની પ્રજાને એ મંજૂર નથી અને પુતિન સરકારને પૂછે છે કે, અમે ક્યાં સુધી કામ કરતા રહીશું ?

ગયા વર્ષે ૫૩ વર્ષની મરીના નિકોલાયેવિચેવનાએ નોકરી ગુમાવી અને હવે તેને નોકરી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. કારણ એ જ કે કંપની યુવા ઉમેદવારોને પસંદ કરી રહી છે. તે કહે છે કે મારી વયને કારણે મને નોકરીમાં રાખવામાં આવતી નથી. વર્તમાન નિયમો મુજબ, મરીના બે વર્ષમાં નિવૃત્ત થઈ જશે. સરકાર દ્વારા પેન્શનની વય વધારવાનો તે વિરોધ કરી રહી છે. તે કહે છે કે, મારા કેટલાય મિત્રો છે, જે એ માટે રાજી નહીં હોય.

વીતેલા દિવસોમાં રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને પોતાના સંબોધનમાં નિવૃત્તિની વય ઓછામાં ઓછા પાંચ વર્ષ વધારવાની વાત કહી હતી. જો કે સરકારે હજુ કોઈ નિર્ણય લીધો નથી. પરંતુ મોટાભાગના રશિયનોને સરકારનો આ વિચાર પસંદ આવ્યો નથી.

૬૫ વર્ષીય પુતિન ઇચ્છે છે કે મહિલાઓ માટે પેન્શનની વય વધારીને ૬૦ વર્ષ અને પુરુષો માટે ૬૫ વર્ષ કરી દેવાય. કારણ એવું આપવામાં આવે છે કે રશિયા જન્મ અને મૃત્યુ દરના આંકડામાં સંઘર્ષ કરી રહ્યું છે. દેશમાં વૃદ્ધોની સંખ્યા વધી ગઈ છે અને તેથી પેન્શન યોજના ઉપર દબાણ આવે છે.

વિશ્વ બેન્કના આંકડા પર નજર કરીએ તો રશિયામાં પુરુષોનું સરેરાશ આયુષ્ય ૬૬ વર્ષ અને મહિલાઓનું સરેરાશ આયુષ્ય ૭૭ વર્ષ હોય છે, તો ૪૩ ટકા રશિયન પુરુષ ૬૫ વર્ષની વય સુધી પહોંચી શકતા નથી. અર્થશાસ્ત્રી વ્લાદિમીર નિકોલાયેવિચનો તર્ક એવો છે કે નિવૃત્તિની વય વધારવાથી લોકોને કામ કરવાની તક મળશે અને પેન્શનની સરખામણીએ વધુ આવક થશે. તેઓ કહે છે કે, હું પેન્શનની વય વધારવાનું સમર્થન કરું છું કેમકે તેનાથી મને કામ કરવાની અને પરિવારની સંભાળ રાખવામાં મદદ મળશે. પરંતુ ઔદ્યોગિક શહેર ટોલયાતીમાં રહેતી નિકોલાયેવિચેના માટે પરિસ્થિતિ ખૂબ જ અલગ હતી. તેને દર મહિને ૪,૫૦૦ રુબલ ( ૬૫ ડોલર ) મળતા હતા, જેમાં ૪,૨૦૦ રુબલ તો રોજિંદા જીવન પાછળ ખર્ચાતા હતા. હવે તેમને રિટેલ ક્લર્કની નોકરી શોધવામાં મુશ્કેલી પડી રહી છે. તે કહે છે કે, કંપનીવાળા સીધેસીધું કહી જ દે છે કે વયને કારણે તે યોગ્ય નથી.

મોસ્કોમાં રહેતા ૪૭ વર્ષીય ગ્રાફિક ડિઝાઇનર મેક્સિમ નિકોલાયેવિચેનાની વાત સાથે સહમત છે. તે વર્તમાન સ્થિતિને કડક પ્રતિસ્પર્ધાનો સમય માને છે અને કહે છે કે યુવાનોને નોકરી પર રાખવા સરળ છે. તે કહે છે કે, ખાવા-પીવા અને દવાઓના ભાવ વધ્યા છે. એ ખર્ચ પર નિયંત્રણ રાખવાની કોઈ જ ગેરન્ટી નથી. તેઓ કહે છે કે ગનીમત છે કે પરિવારની પાસે ભાડે આપવા માટે એક ઘર છે, જેનાથી બીજા ખર્ચા નીકળી શકે છે.

રશિયન સંસદના ઉપલા ગૃહે નિવૃત્તિની વય વધારવા માટે બિલ પસાર કરી દીધું છે. જો એ કાયદો બની જાય તો ૮૦ વર્ષોમાં એવું પહેલી વખત થશે કે રશિયાએ પેન્શનની વય વધારી. લેવાદા સેન્ટરના એક સર્વેક્ષણ પરથી જણાય છે કે આ બિલ અંગે રશિયનોમાં વિરોધ છે અને તેમનો પુતિન પરનો વિશ્વાસ ઓછો થયો છે.સરવે દર્શાવે છે કે ૬ મહિના પહેલાં જ્યાં લોકોનો પુતિન પર ભરોંસો ૬૦ ટકા હતો, તે હવે ઘટીને ૪૮ ટકા થઈ ગયો છે.

મોસ્કોમાં રહેતા નિવૃત્ત ઇજનેરમિખાઇલ અલેક્ઝાદ્રોવિચનો તર્ક એવો છે કે રશિયા ઉત્તર ગોળાર્ધનો એક દેશ છે, જ્યાંની મોસમ ઘણી જટિલ છે. અહીં ગરીબી છે અને સ્વાસ્થ્ય સબંધી સુવિધાઓ ખરાબ છે. તેઓ કહે છે કે વહેલું પેન્શન મળવાથી આ અવરોધોનો પડકાર ઝીલવો સરળ બની જાય કારણે કે લોકોની કામ કરવાની ક્ષમતા ખતમ થતી જાય છે.

મોસ્કોમાં શિક્ષક સ્વેત્લાના ( ૪૪ )નું કહેવું છે કે સરકાર વરિષ્ઠ નાગરિકોના પૈસા લઈને પોતાની ફરજ નિભાવી રહી છે. તે કહે છે કે, પ્રશાસન સિવાય બીજા કોઈને મેં પેન્શનની વય વધારવાના સમર્થનમાં જોયા નથી. તેમના મતે તેઓ સામાન્ય લોકોના નાણાં ચોરી રહ્યા છે. તે કંઈ પણ કરી શકે છે. આ સામંતવાદ જેવી છે. અમે અમારી માગણી માટે સામે થઈ શકતા નથી. તે માને છે કે વધુ વયવાળાને નોકરી મેળવવામાં મુશ્કેલી પડે છે. લોકો માટે જીવવાનું મુશ્કેલ થઈ જશે.

એવો જ વિચાર ૩૨ વર્ષની એનાતાસિયા પલોનીનો છે, જે ટેક્નોલોજી સેક્ટરમાં કામ કરે છે. તે કહે છે કે, આ ફેરફાર નકામો છે અને અમે વરિષ્ઠ નાગરિકો માટે બચત કરવી નહીં જોઈએ. તે કહે છે કે અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે તેના સમયમાં સ્થિતિ કેવી હશે કેમકે તેને ૩૦ વર્ષ બાદ પેન્શન મળશે. રશિયા, અમેરિકાની બેવડી નાગરિકતાવાળી પલોનીના મતે, હું રશિયાના પેન્શન પર નિર્ભર નથી કેમકે સરકારની આ પ્રાથમિકતા નથી. પરંતુ હું અમેરિકા પાસેથી પણ આશા રાખતી નથી. તે એવો તર્ક દોડાવે છે કે રશિયા એકલો એવો દેશ નથી કે જ્યાં વરિષ્ઠ નાગરિકોની વસતી અને તેમની દેખરેખ મુદ્દો બની ગઈ છે.

દુનિયામાં સૌથી વધુ વૃદ્ધો કયા દેશમાં છે?

૦૬ ટકા : ભારત

૧૧ ટકા : ચીન

૧૫ ટકા        : અમેરિકા, સ્લોવાકિયા, ન્યૂઝીલેન્ડ, ક્યૂબા

૧૬ ટકા : યૂક્રેઇન

૧૭ ટકા: કેનેડા, સર્બિયા, પોલેન્ડ, નોર્વે

૧૮ ટકા        સ્વિટ્ઝરલેન્ડ, રોમાનિયા

૧૯ ટકા :બ્રિટન, સ્પેન, સ્લોવેનિયા,  નેધરલેન્ડ, માલ્ટા, લિથુવેનિયા,                 એસ્ટોનિયા, હંગેરી, ચેક, બેલ્જિયમ,                              ઓસ્ટ્રિયા

૨૦ ટકા : સ્વિડન, લાતવિયા, ગ્રીસ, ફ્રાન્સ, ડેન્માર્ક

૨૧ ટકા :જર્મની, ફિનલેન્ડ, બલ્ગેરિયા

૨૨ ટકા:પોર્ટુગલ

૨૩ ટકા: ઇટાલી

૨૭ ટકા : જાપાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન