પારકી મા જ કાન વીંધે! - Sandesh

પારકી મા જ કાન વીંધે!

 | 12:10 am IST

વસંતપુર નામનું સરસ મઝાનું નાનકડું ગામ. ગામમાં કવિતાબહેન એમના દીકરા મનુ સાથે રહે. દીકરાનું નામ તો મનોહર હતું, પરંતુ કવિતાબહેન એને મનુ કહીને જ બોલાવે. કવિતાબહેનના પતિ પરદેશ હતા. બે-ચાર વર્ષે એક વખત આવતા. માને દીકરો બહુ જ વહાલો. એને દરેક વાતે લાડ લડાવે. મનુને પણ માતા લાડ કરે એ ખૂબ જ ગમે. નાની-નાની વાતે એ પણ માને લાડ કરવા કહે.

મનુ જમવા બેસે તો મા એની સામે થાળી પીરસે, પછી મનુની સામે મા બેસી જાય. થાળીમાં રાંધેલા દાળ-ભાત કે રોટલી-શાકના કોળિયા બનાવતા જાય અને મનુને પ્રેમથી ખવડાવતા જાય. મનોહરને એવી મઝા આવે કે એ કદી જાતે કોળિયો લે જ નહીં.

કવિતાબહેન એને કહે કે બેટા હવે તો તું છ વર્ષનો થયો. તારી જાતે ખાતાં શીખ!

પણ મનોહર કહે, મા તારા હાથે ખાવાની મઝા આવે છે.

એટલે કવિતાબહેન બોલી ઊઠે, મારા વ્હાલા મનુ! તું મોટો થાય એટલે જાતે કોળિયો બનાવીને ખાતાં શીખવું તો પડે જ!

મા હું આવતા વર્ષથી જાતે કોળિયો ભરીને ખાઈશ! અત્યારે તો તું ખવડાવ!

મનોહર એટલા મીઠા અવાજમાં આવો લહેકો કરે કે મા તરત પીગળી જાય અને મનોહરને કોળિયા ભરી ભરીને ખવડાવવા લાગે!

આજકાલ કરતાં મનોહર ૧૩ વર્ષનો થઈ ગયો. કવિતાબહેનના દૂરના બહેન શાંતા પાંચ વર્ષની જાત્રા કરીને પાછા ફર્યા તો કવિતાબહેનને મળવા આવ્યા. એમણે જોયું કે કવિતા આવડા મોટા મનુને હજી કોળિયા ભરીને ખવડાવે છે!

શાંતાએ કહ્યું, કવિતા આ તારા દીકરાના લખ્ખણ સારા નથી. આટલો મોટો ઢાંઢો થયો તોય તારે એને કોળિયા ખવડાવવા પડે છે?

કવિતા કહે, મોટાબહેન એતો હજી નાનો છે એટલે! મોટો થશે તો જાતે ખાવું જ પડશેને! ક્યાં જશે?

કવિતા કેવી વાત કરે છે? હજી કેટલો મોટો થાય તો જાતે ખાશે? આવું ન ચાલે. એક કામ કર! તું ચારધામની જાત્રાએ ઉપડી જા. મનોહરને હું સાચવી લઈશ!

કવિતાબહેન કચવાતા મને જાત્રાએ ગયા.

બીજા દિવસે સવારે શાંતાબહેને ખૂબ સરસ શીરો, ઉપમા વગેરે નાસ્તામાં બનાવ્યા. એની સોડમથી મનોહરને મોંમાં પાણી આવી ગયું.

એ ફટાફટ નાસ્તો જમવા બેસી ગયો.

શાંતાબહેન કહે, અલ્યા વ્યવસ્થિત આસન પાથરીને તારી થાળી તૈયાર કર!

મને નથી આવડતી માસી, તમે કરી આપો ને!

જો મનુ! મારી પાસે આવા લાડકોડ નહીં ચાલે. તારે થાળી પીરસવી હોય તો પીરસ નહિતર હું એકલી નાસ્તો કરી લઈશ.

પણ મને પીરસતાં જ નથી આવડતું.

તે કશો વાંધો નહીં બધું ખોબામાં લઈને બેસ! કહેતાં શાંતાબહેને પોતાનો નાસ્તો થાળીમાં લઈ આસનિયું પાથરી નાસ્તો કરવા માંડયો.

મનોહરને ખાતરી થઈ ગઈ કે માસી પીગળે એવા નથી. એટલે એણે થાળી, વાટકો વગેરે લઈને નાસ્તો આવડે એમ ભરી લીધો. પછી આસનિયું પાથરીને નાસ્તો કરવા બેસી ગયો.

માસીની થાળીમાં બધું શી રીતે પીરસાયું છે એ જોઈને તેણે પોતાની થાળી બરાબર કરી લીધી. ધીમેધીમે નાસ્તો જમવા લાગ્યો.

નાસ્તો કરીને ઊભો થયો તો તરત માસીએ ટકોર કરી, તારી થાળી અને વાટકા વગેરે ઉટકીને ધોઈને સાફ કરીને મૂકજે; નહિતર બપોરે આવી ગંધાતી થાળીમાં જ જમવું પડશે.

મનોહરે કચવાતા મને થાળી ધોઈને મૂકી દીધી. બપોરના જમવામાં પણ એવું જ થયું.

કવિતાબહેન જાત્રા કરીને દોઢ મહિને પાછાં આવ્યાં તો મનોહરે તરત લાડ કર્યા. હાશ! મા તારા વગર હું તો જાતે જમી જમીને થાકી ગયો!

તરત જ શાંતાબહેન બોલી ઉઠયા, ખબરદાર કવિતા જો તેં એને કોળિયા ભરાવ્યા છે તો! હું અહીં જ રહેવાની છું. મનુને બધું જાતે કરતાં આવડી ગયું છે અને જાતે જ કરશે. તું કેવી મા છે. મા તો પોતાના દીકરાને બધું જાતે કરવાની ટેવ પાડીને મજબૂત બનાવે જેથી માના ગયા પછી એ લાચાર ન બની જાય!

કવિતાબહેને જોયું તો નાસ્તાથી માંડીને રાતના ભોજન સુધી મનુએ બધું જાતે બરાબર કરી લીધું.

એ બોલ્યા, ખરેખર પારકી મા જ કાન વીંધી શકે! હું તો મૂઈ દયા ખાઈ ખાઈને એને બગાડતી રહી!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન