Parents need to change their mindset in raising their children, know why?
  • Home
  • Supplements
  • Nari
  • દીકરા-દીકરીના ઉછેરમાં માતા-પિતાએ માનસિક્તા બદલવાની જરૂર, જાણો કેમ?

દીકરા-દીકરીના ઉછેરમાં માતા-પિતાએ માનસિક્તા બદલવાની જરૂર, જાણો કેમ?

 | 4:54 am IST
  • Share

રમકડાંથી શરૂ થતો દીકરા-દીકરીનો ભેદ આગળ જતાં કામની વહેંચણી સુધી પહોંચી જાય છે અને એટલું જ નહીં પરંતુ ખોરાક અને શિક્ષણમાં પણ છોકરા અને છોકરી માટે અલગ અલગ રીતે વિચારાય છે

બાળઉછેર  જીવનની સર્વશ્રોષ્ઠ ઘટના છે. બાળક જન્મે ત્યારથી એના શારીરિક અને માનસિક વિકાસ તથા ઘડતરમાં માબાપ કાળજી ન રાખે  તો બાળક સંસ્કાર અને કેળવણીથી વંચિત જ રહી જાય છે. પણ બાળઉછેરની મજાનું સ્થાન હવે  ચિંતાએ લીધું છે, કારણ કે આજકાલ આપણા જીવનમાં જીવવાનું જુદું અને કહેવાનું જુદું એવું થતું જાય છે. સંતાન સમજદાર, હોશિયાર કે વિવેકી અને સફ્ળ નીવડે એ માટેના ભગીરથ પ્રયાસ પણ નિષ્ફ્ળ નીવડતા હોય છે, કારણ કે માબાપનું વર્તન જોઈને તો બાળક કંઇક જુદું જ શીખે છે. પેઢી બદલાતી હોય છે તેમ એમના ઉછેરવાની રીત પણ બદલાવી જોઈએ.

તો ચાલો બાળઉછેરના નવતર  કક્કામાં આજે જોઈએ ‘ભ’ઃ ‘ભેદભાવ’નો ‘ભ’.

 ‘છોકરીની જેમ રડે છે? ચૂપ થઈ જા’              

‘તને કહ્યું છેને કે કોઈ મહેમાન આવે તો પાણી આપવાનું? થોડું થોડું શીખવું પડશે. છોકરીની જાત, રમવામાં જ ધ્યાન હોય એ ન ચાલે.’

તું છોકરી છું, તારે ઘરની તમામ બાબતોમાં માથું નહીં મારવાનું.

‘આ ક્રિકેટનો સેટ તારા માટે છે. તું ઢીંગલી સાથે રમવાનું બંધ કર, ઢીંગલી સાથે  રમે છે તો સાવ બાયલો લાગે છે.’

 ‘તું છોકરી થઈને આટલી દલીલ ન કર, ચૂપ રહેતા શીખ નહીંતર તકલીફ પડશે.’

‘હવે તું મોટી થઇ રહી છું, રમવાનું બંધ કરી, રસોઇ બનાવતાં શીખ.’

 આપણે દીકરા-દીકરીના ઉછેરમાં અજાણતા જ ભેદ રાખતા થઈ જઈએ છીએ. આપણી માનસિકતા જ એવી રીતે ઘડાઈ છે કે આપણી કેટલીક ચોક્કસ ટેવ છોકરાને અને છોકરીને માટે જરૂરી છે એવું માની લીધું છે. અને એટલે જ આ ભેદભાવ બાળકોના મન પર આજીવન અંકિત થઈ જાય છે.

 માબાપ તરીકે દીકરા-દીકરીમાં ભેદભાવ ન રખાય તો આગળ જતાં  બાળકો પણ એ ભેદ ભૂંસી નાખવા સમર્થ બને. પણ મોટાભાગે દરેક ઘરોમાં જાણેઅજાણે ભેદ  રખાતો જ હોય છે. રમકડાંથી શરૂ થતો આ ભેદ આગળ જતાં કામની વહેંચણી સુધી પહોંચી જાય છે અને એટલું જ નહીં પરંતુ ખોરાક અને શિક્ષણમાં પણ છોકરા અને છોકરી માટે અલગ અલગ રીતે વિચારાય છે.

‘દીકરો ઘર ચલાવશે એટલે એણે મજબૂત બનવું પડશે અને એટલે એને દૂધ- ઘી વધારે જોઈએ અને દીકરી તો પારકા ઘરે જવાની એને લાડ ઓછા કરવાના.’ ભણાવતી વખતે પણ પૈસા ઓછા હોય તો દીકરાને સારી શાળામાં કે સારી લાઈનમાં મૂકવા માટે દીકરીના શિક્ષણનો ભોગ લેવાતો હોય છે.

 જ્યારે માબાપ કે ઘરના લોકો છોકરા-છોકરીમાં ભેદ રાખે ત્યારે જાણેઅજાણે એક અસંતુલિત સમાજની રચના માટે જવાબદાર બને છે. બાળક પણ એવી સંકુચિત માનસિકતા સાથે જ મોટું થાય છે. પરિણામે ભાઈ-બહેનના પરસ્પર સ્નેહનું સ્થાન ઈર્ષ્યા અને અહ્મ લેતાં હોય છે. પોતાના ઘરમાં જ ભાઈ પોતાની બહેનનું માન ન જાળવે અને માને રસોઈ કે બીજા નાનાં કામમાં મદદ કરતાં ન શીખે એ વ્યક્તિ પત્ની સાથે ભેદભાવથી જ વર્તશે. ઘરમાં ચૂપ રહેવા ટેવાયેલી દીકરી સાસરામાં કોઈ અત્યાચારનો ભોગ બને તો પણ ચૂપ જ રહેવાની છે. અને જોવાની વાત એ છે કે આવા ભેદ ખુદ માતા પણ રાખતી હોય છે. પોતાની દીકરીને સ્વાવલંબન, સ્વમાન અને આત્મરક્ષા શીખવાં જેટલાં જરૂરી છે તેમ દીકરા માટે રસોઈ, સફઇ અને સ્ત્રીસન્માન શીખવાં પણ એટલાં જ જરૂરી છે. આ ઉપરાંત પોતાની સંવેદનાની મુક્ત અભિવ્યક્તિ પણ જરૂરી છે. છોકરો રડી ન શકે અને છોકરી મુક્તપણે પોતાના વિચાર રજૂ ન કરી શકે એવી માનસિકતા બદલવી જરૂરી છે. આ માનિસકતા બદલવાની શરૂઆત માતાપિતાએ બાળકના ઉછેર દરમિયાન કરવી પડશે. નાનપણથી જ દીકરી અને દીકરાનાં રમકડાંમાં જે ભેદ પાડવામાં આવ્યા છે, તેને દૂર કરવો પડશે. દીકરાનો બ્લૂ અને દીકરીનો પિંક કલર એવું માતાપિતા દ્વારા સંતાનોના મગજમાં ફીટ કરી દેવામાં આવ્યું છે, તેને દૂર કરવું પડશે. દીકરી-દીકરાના આહારથી માંડી તેમના એજ્યુકેશનમાં જે ભેદભાવ રાખવામાં આવે છે તેને માતાપિતાએ જ  દૂર કરવો પડશે. એવી જ રીતે સંતાનોમાં ઘરકામની પણ સમાન વહેંચણી કરીને દીકરો અને દીકરી એકસમાન છે એવી ભાવના કેળવવી પડશે. આ બધું માબાપ બાળકના ઉછેર દરમ્યાન કરે એ જરૂરી છે. 

અને છેલ્લે…છોકરાં-છોકરી ફ્ક્ત બાયોલૉજિકલી જુદાં છે. છે તો માનવ એટલે જેમને જેમ જીવવું હોય એ રીતે જીવવાની છૂટ મળવી જોઈએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો