Parents will be able to decide whether to send their children to school in the state
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • રાજ્યમાં બાળકોને સ્કૂલે મોકલવા કે નહીં તે વાલી નક્કી કરી શકશે, આ 4 મુદ્દા સાથે સ્કૂલો ખોલવાની તૈયારી

રાજ્યમાં બાળકોને સ્કૂલે મોકલવા કે નહીં તે વાલી નક્કી કરી શકશે, આ 4 મુદ્દા સાથે સ્કૂલો ખોલવાની તૈયારી

 | 7:21 am IST
  • Share

કોરોના મહામારીના કારણે માર્ચ મહિનાથી સ્કૂલો બંધ છે, ત્યારે રાજ્ય સરકારે આખરે દિવાળી પછી એટલે કે, ૨૩મી નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લીધો હોવાનુ સૂત્રો જણાવી રહ્યાં છે. ફિઝિકલ સ્કૂલો શરૂ થશે પરંતુ ઓનલાઈન શિક્ષણ પણ યથાવત ચાલુ જ રાખવામાં આવશે. જેમાં વાલીઓને વિકલ્પ આપવામાં આવશે કે, તેઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા માગે છે અથવા તો ઓનલાઈન જ ભણાવવા માગે છે.

સુત્રોના જણાવ્યાં પ્રમાણે, સ્કૂલો શરૂ કરવામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરવામાં આવશે. વિદ્યાર્થીઓની સ્કૂલમાં હાજરી પણ જે-તે દિવસે ૫૦ ટકા જ રખાશે. એટલે કે, વિદ્યાર્થીઓને વારા-ફરથી સ્કૂલમાં બોલાવવામાં આવશે. ધારો કે, મોટાભાગના વાલીઓને તેમના બાળકોને સ્કૂલમાં મોકલવાની ઈચ્છા દર્શાવે તો પણ જે-તે દિવસે ૫૦ ટકા બાળકોને જ સ્કૂલમાં એન્ટ્રી અપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્કૂલોના સંચાલકો સાથે સલાહમસલત કરવા બેઠકનો એક રાઉન્ડ પુરો થયો છે. લાગતાવળગતા તમામ લોકો સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. તાજેતરમાં જ રાજ્ય શિક્ષણ વિભાગના ટોચના અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ વચ્ચે સ્કૂલો શરૂ કરવા બાબતે એક બેઠક મળી હતી.

પ્રથમ તબક્કામાં ધો.૯થી ૧૨ અને ૬થી ૮ પણ શરૂ થવાની પૂરેપૂરી શક્યતા

શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ તબક્કામાં ધોરણ.૯થી ૧૨ની સ્કૂલો શરૂ કરશે તેવુ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. જોકે હાઈસ્કૂલની સાથે સાથે પ્રાથમિક વિભાગમાં ધોરણ.૬થી ૮ની સ્કૂલો પણ શરૂ કરી દેવાશે. કારણ કે, ઉચ્ચ પ્રાથમિક અને હાયર સેકન્ડરીની સ્કૂલો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ ત્રણેય અલગ-અલગ છે. માટે ઉચ્ચ પ્રાથમિક શાળાઓ પણ શરૂ કરવાની શિક્ષણ વિભાગ દ્વારા પૂરેપૂરી તૈયારી કરી છે. જોકે ધોરણ.૧થી ૫ના વર્ગો જ્યાં સુધી કોરોનાની સ્થિતિ સાવ થાળે પડી ન જાય ત્યાં સુધી શરૂ કરવામાં નહી આવે.

૮૦ ટકા હાજરીનો આગ્રહ જતો કરવામાં આવશે

શિક્ષણ વિભાગના નિયમ પ્રમાણે, બાળકની સ્કૂલમાં ૮૦ ટકા હાજરી હોવી ફરજિયાત છે. પરંતુ ચાલુ વર્ષે આ નિયમનો આગ્રહ જતો કરવામા આવશે. દિનવાળી પછી શરૂ થનાર સ્કૂલોમાં સ્કૂલે બાળકો મોકલવાનો નિર્ણય શિક્ષક કે આચાર્ય નહી પણ વાલીઓ દ્વારા લેવામાં આવશે. આ સિવાય વિદ્યાર્થીઓને પણ વારા-ફરથી સ્કૂલમા બોલાવવાના હોવાથી ૮૦ ટકા હાજરી શક્ય નથી.

કોઈ વિદ્યાર્થી સંક્રમિત થાય તો સ્કૂલોને દોષ આપવો યોગ્ય નહીં : સંચાલકો

સ્કૂલો શરૂ થવા અંગે સંચાલકો દ્વારા એવો મત રજૂ કરવામાં આવી રહ્યો છે કે, સ્કૂલો શરૂ થાય છે તે આવકારદાયક છે. પરંતુ જો કોઈ વિદ્યાર્થી સંક્રમીત થાય તો તેનો દોષનો ટોપલો સ્કૂલો પર ઢોળવો જોઈએ નહી.

આ ચાર મુદ્દા સાથે સ્કૂલો ખોલવાની તૈયારી

  1. ૨૩મી નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાનું સરકારનું આયોજન
  2. પ્રથમ તબક્કામાં ૯થી ૧૨ અને પ્રાથમિકમાં ૬થી ૮ના વર્ગો શરૂ કરવાનું આયોજન
  3. વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર થશે તો પણ દરેક દિવસે ૫૦ ટકાને જ એન્ટ્રી આપવામાં આવશે
  4. સ્કૂલે બાળકને મોકલવુ કે નહી તેનો નિર્ણય વાલી જ લઈ શકશે

સ્કૂલો શરૂ કરવાના SoPના ડ્રાફ્ટના અંશો

  • સ્કૂલમાં સ્વચ્છતા અને સેનિટેશનની વ્યવસ્થા ફરજિયાત
  • બાળકની બેઠક વ્યવ્થા વચ્ચે ૬ ફુટનું અંતર જાળવવુ
  • સ્કૂલના એન્ટ્રી અને એક્ઝિટ વખતે વિદ્યાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરવું
  • બાળકોને સ્કૂલે લાવવા-લઈ જવામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું
  • સરકારની ગાઈડલાઈનનું ચૂસ્તપણ પાલન કરવાનું રહેશે
  • સંચાલકોએ જુદા-જુદા વર્ગના વિદ્યાર્થીઓને અલગ-અલગ સમયે બોલાવવાના રહેશે
  • હાજરી માટે દરેક વર્ગનું જુદુ સાપ્તાહિક કેલેન્ડર
  • વિદ્યાર્થીને સ્કૂલમાં ફરજિયાત હાજર રહેવાનો આગ્રહ કરી શકાશે નહી
  • મોટી સંખ્યામાં વિદ્યાર્થી હોય તેવી શાળાઓએ ઓછા સમયની બે શિફ્ટ કરવાની રહેશે
  • સ્કૂલોએ શિક્ષણનો સમય પણ ૫હેલા કરતા ઘટાડવાનો રહેશે
  • સ્કૂલમાં કોઈ સમારંભ, મેળાવડા કે બેઠકો કરવી નહી
  • વાલીઓ સાથેની બેઠક પણ ઓનલાઈન જ કરવાની રહેશે
  • સ્કૂલમાં કોઈ વિદ્યાર્થીને કે કર્મીને કોરોના પોઝિટિવ આવે તો ગાઈડલાઈનના તમામ નિયમો અને પ્રોટોકોલનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો