પરેશ ધાનાણીએ BJPનાં 22 ધારાસભ્યોને લઇ કર્યો દાવો, ગુજરાતની રાજનીતિમાં મચશે હડકંપ - Sandesh
  • Home
  • Gandhinagar
  • પરેશ ધાનાણીએ BJPનાં 22 ધારાસભ્યોને લઇ કર્યો દાવો, ગુજરાતની રાજનીતિમાં મચશે હડકંપ

પરેશ ધાનાણીએ BJPનાં 22 ધારાસભ્યોને લઇ કર્યો દાવો, ગુજરાતની રાજનીતિમાં મચશે હડકંપ

 | 9:42 pm IST

ગુજરાતમાં ભાજપના 22 ધારાસભ્યો સરકારથી નારાજ છે અને તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે સંપર્કમાં છે. આ પ્રકારનું નિવેદન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ વહેતું કર્યું છે. જોકે ખુદ કોંગ્રેસમાં જ આંતરિક મતભેદો, સિનિયર-જુનિયર નેતાઓ વચ્ચેની લડાઈ ચરમસીમાએ છે ત્યારે આ બંને પ્રદેશ નેતાઓએ જાણીબૂઝીને ગપ્પું માર્યું હોવાનો ગણગણાટ કોંગ્રેસમાં જ વહેતો થયો છે. પ્રદેશ નેતાઓ ખુદ પોતાનું ઘર સાચવી શકતાં નથી તો ભાજપના ધારાસભ્યોને કઈ રીતે સાચવશે તેવો પણ સવાલ ચર્ચાઈ રહ્યો છે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ માટે પરિણામો ઉત્સાહજનક આવ્યા છે ત્યાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ જાણે ગુજરાત જીતી લીધું હોય તેમ હવામાં ઊડતાં થયા છે. કોંગ્રેસના પ્રદેશ નેતાઓ જસદણની પેટા ચૂંટણીમાં કામ કરવાને બદલે નિવેદનબાજી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોય તેમ ભાજપના 22 ધારાસભ્યો અમારા સંપર્કમાં હોવાનો દાવો કર્યો છે.

જોકે કયા શહેર જિલ્લાના ભાજપના ધારાસભ્યો નારાજ છે તે વિશે કોઈ જ ફોડ પાડયો નથી. સૂત્રો કહે છે કે, કોંગ્રેસના પ્રદેશ નેતાઓ અમિત ચાવડા અને પરેશ ધાનાણી અત્યારે પોતાનું કોંગ્રેસનું ઘર સાચવી શકે તેવી હાલતમાં નથી તો તેઓ ભાજપના ધારાસભ્યો ક્યાંથી સાચવવાના? હવે તો કોંગ્રેસમાં ધારાસભ્યોમાં પણ ધાનાણી અને ચાવડા જૂથ એમ બે ભાગલા પડી ગયા છે. બીજી તરફ પ્રદેશના સિનિયર નેતાઓ પણ બળાપો કાઢી રહ્યા છે કે નવા યુવા પ્રદેશ નેતાઓને કંઈ ખબર પડતી નથી તેમ છતાં તેઓ અમને કંઈ પૂછતાં નથી.

અમિત ચાવડા અને પરેશ ધાનાણી વચ્ચેની લડાઈમાં કોંગ્રેસમાં જૂથવાદ વધુ વકર્યો છે ત્યારે હાઈકમાન્ડ પણ આ બબાલમાં માથું ખંજવાળતું થઈ ગયું છે. તાજેતરમાં જ રાહુલ ગાંધીએ જૂથવાદને લઈને અમિત ચાવડા અને પરેશ ધાનાણીને બરોબરના ખખડાવી નાંખ્યા હતા અને બંનેને એક થઈને કામ કરવાની સલાહ આપી હતી. એટલું જ નહિ પરંતુ આ બંને નેતાઓ આટલું પણ ના કરી શકતા હોય તો હોદ્દા છોડી દેવા સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન