સંસદસભ્યોનાં પગાર, ભથ્થાં અને પેન્શન કેટલાં વાજબી? - Sandesh
NIFTY 10,421.40 +194.55  |  SENSEX 33,917.94 +610.80  |  USD 65.0350 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • સંસદસભ્યોનાં પગાર, ભથ્થાં અને પેન્શન કેટલાં વાજબી?

સંસદસભ્યોનાં પગાર, ભથ્થાં અને પેન્શન કેટલાં વાજબી?

 | 1:43 am IST

રાજકીય લેખાંજોખાં :-  વિનોદ પટેલ

તાજેતરમાં સર્વોચ્ચ અદાલતમાં લોકપ્રહરી નામની એક એનજીઓ દ્વારા સંસદસભ્યોના પગાર અને પેન્શનનાં વાજબીપણાં બાબતે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. મુખ્ય બે મુદ્દા આ અરજી કરવામાં આવ્યા હતા. એક, સંસદસભ્યો પોતાની મેળે જ પોતાના પગાર નક્કી કરે તે વાજબી નથી અને તેને માટે એક યંત્રણા ગોઠવવી જોઈએ. બીજો મુદ્દો એ હતો કે સંસદસભ્ય જો માત્ર એક જ દિવસ માટે પણ સંસદમાં જઈ આવે તો તેને પગાર આપવાની અને તેને તથા તેના પરિવારને પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે તે કેટલી વાજબી ગણાય?

આઠમી માર્ચે થયેલી આખરી સુનાવણીમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિ એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે જણાવ્યું કે સંસદસભ્યને જે પગાર અને ભથ્થાં આપવામાં આવે છે તે વાજબી છે. લોકપ્રહરીએ તેની અરજીમાં જણાવ્યું હતું અને અદાલતને પણ જણાવવામાં આવ્યું હતું કે સંસદસભ્યોની સંપત્તિમાં તાજેતરનાં વર્ષોમાં ઘણો વધારો થયો હોવાનું જણાયું છે અને તેમને રાજકારણ ઉપરાંત તેમના ધંધા કે વ્યવસાય કરવાની છૂટ હોય છે. આ જોતાં તેમને અપાતો પગાર વાજબી હોવો ઘટે અને તે નક્કી કરવા માટે એક યંત્રણા હોવી ઘટે. સરકારે અને અદાલતે બાકી બધી વાત સમય આવ્યે નક્કી કરવાનું નક્કી કર્યું, જ્યારે તેમના પગાર નક્કી કરવા માટે યંત્રણા ઘડવાની વાત આવી ત્યારે આ મામલો બજેટમાં સમાવી લેવામાં આવ્યો.

૨૦૧૮ના સૂચિત નાણાખરડામાં સેલરી, એલાવન્સ અને પેન્શન ઓફ મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ એક્ટ ૧૯૫૪માં સુધારો કરી તેમના પગારોમાં તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે, જો આ સુધારા ધરાવતા નાણાખરડાને સંસદમાં મંજૂરી મળશે તો એપ્રિલ ૨૦૧૮થી તેનો અમલ શરૂ કરવામાં આવશે.

રસપ્રદ બાબત એ છે કે નાણાખરડા ૨૦૧૮માં એવી જોગવાઈ કરવામાં આવી છે કે પહેલી એપ્રિલ ૨૦૨૩ બાદ કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સના આધારે દર પાંચ વર્ષે સંસદસભ્યોના પગાર અને એલાવન્સને વધારવામાં આવશે. નોંધપાત્ર બાબત એ છે કે આ બધું ૨૦૧૩માં શરૂ થશે એટલે કે ૨૦૧૯ની ચૂંટણીઓ જીત્યા બાદ તેનાં ચાર વર્ષ પૂરાં થઈ જાય તે પછી આ મામલે તત્કાલીન સરકાર નિર્ણય લેશે.

સારી ભાષામાં કહીએ તો આ મુદ્દાને તત્પૂરતો ટાળી દેવામાં આવ્યો છે. આ ગોબાચારી માટે આપણે કોને કસૂરવાર ગણવાના વારુ? વળી બીજી એક મહત્ત્વની બાબત એ છે કે સંસદસભ્યની ઉત્પાદકતાને આપણે કેવી રીતે માપવી જોઇએ? એક દિવસ કામ કરનારને પણ આજીવન પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવે ત્યારે તે વ્યક્તિ શું કામ કરે છે તેની પણ નોંધ લેવી એટલી જ જરૂરી છે. આપણે નાગરિક તરીકે જાગીએ અને સવાલો કરીએ તો ઠીક, બાકી તો પોતાને કાર્યસમ્રાટ ગણાવતા રાજકારણીઓ દર પાંચ વર્ષે તેમણે કરેલાં કામોની કહેવાતી યાદી બતાવી તમને બનાવી જવાની કળામાં પાવરધા છે તે બાબતે તમને કોઈ શંકા હવે રહી છે ખરી?

મુદ્દો એટલા માટે મહત્ત્વનો છે કે હાલ દેશ એક સાંસદ પાછળ મહિને ૨.૭ લાખ રૂપિયા ખર્ચે છે. કેબિનેટે તેમના વધારેલા પગારનો અમલ ત્યારે દેશની તિજોરી પર વધારાનો ૩૯ કરોડ રૂપિયાનો બોજ પડશે, જે દર મહિને ચૂકવવાનો રહેશે જ્યારે નોનરિકરિંગ બોજ દર મહિને ૬ કરોડ રૂપિયા થશે. સચિન તેંડુલકર અને રેખા જેવા સંસદસભ્યો પાછળ દર મહિને આ તોતિંગ ખર્ચ કરવો કેટલો વાજબી છે?

લોકસભામાં હાલ ૫૩૬ સંસદસભ્યો છે, જેમાં બે નોમિનેટેડ સભ્યો-એક એન્ગ્લો ઇન્ડિયન કોમ્યુનિટીનો સભ્ય અને બીજા સ્પીકર છે-નો સમાવેશ થાય છે. લોકસભામાં આઠ જગ્યા ખાલી પડેલી છે જ્યારે રાજ્યસભામાં ૨૩૯ સભ્યો છે.

આ સંસદસભ્યોને પહેલી એપ્રિલ ૨૦૧૮થી અમલમાં આવે એ રીતે જે લાભો મળવાના છે તેના પર એક નજર નાખીએ. તેમને આપવામાં આવતાં ફર્નિચર એલાવન્સમાં વધારો કરી એક લાખ રૂપિયા કરવામાં આવ્યું છે, વળી તેમાં દર પાંચ વર્ષે વધારો કરવાની જોગવાઈ છે. બીજું તેમનું મતવિસ્તારભથ્થું હવે વધારીને દર મહિને ૭૦,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યું છે. એ જ રીતે ઓફિસખર્ચ એલાવન્સને પણ વધારીને દર મહિને ૬૦,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યું છે. પગાર અને બીજાં ભથ્થાં વળી અલગ, હવે હિસાબ જાતે ગણી લેજો.

ભારતીય લોકશાહીની એક ખૂબી એ છે કે રાજકારણીઓના લાભની વાત આવે ત્યારે વહીવટીતંત્ર ગજબનું અસરકારક બની જાય છે. આ વખતે પણ બજેટમાં બીજી બધી વિવાદાસ્પદ જોગવાઈઓ સમય જતાં ભુલાઈ જશે પરંતુ જ્યારે બજેટ મંજૂર થશે ત્યારે સંસદસભ્યોના પગાર કોઈપણ પ્રકારની અડચણ વગર વધી જશે તે નક્કી છે. સરકારે તાજેતરમાં એવો સુધારો કર્યો છે કે તમામ નોકરિયાતવર્ગને પેન્શન આપવા માટે તેના પગારમાંથી હવે સાડા સત્તર ટકા જેટલી રકમ કાપી લેવામાં આવશે. આપણાં લોકતંત્રની વિટંબણા એ છે કે તમને રોજગાર કે નિશ્ચિત પગાર આપવાનું સરકારની જવાબદારીમાં આવતું નથી. રોજગારી આપવાના કાયદા હોય તો પણ તેનો અમલ કરવાની ઇચ્છાશક્તિ સરકાર પાસે નથી પણ જો તમે તમારી આવડત કે બાહુબળે નોકરી મેળવી હોય તો તે તમને પેન્શન આપવા માટે તમારા પગાર પર કાતર ચલાવવાની ઇચ્છાશક્તિ જરૂર ધરાવે છે, ભલે પછી તે તમને ગમે કે ન ગમે, વળી કમાલની વાત તો એ છે કે બજારૂ અર્થતંત્રને વરેલી સરકાર આ મામલે તમારો અભિપ્રાય લેવાનું પણ મુનાસિબ માનતી નથી. જય લોકશાહી!

;