સંસદીય લોકશાહી વિશે વિન્સ્ટર્ન ચર્ચિલનાં મહત્ત્વનાં નિરીક્ષણો - Sandesh
  • Home
  • Columnist
  • સંસદીય લોકશાહી વિશે વિન્સ્ટર્ન ચર્ચિલનાં મહત્ત્વનાં નિરીક્ષણો

સંસદીય લોકશાહી વિશે વિન્સ્ટર્ન ચર્ચિલનાં મહત્ત્વનાં નિરીક્ષણો

 | 3:12 am IST

સામયિક :- પ્રભાકર ખમાર

”જેમ હું ગુલામ થવાનું પસંદ ન કરું તે જ રીતે હું માલિક થવાનું પણ પસંદ ન કરું. સંસદીય  લોકશાહી વિશે મારો આ ખ્યાલ છે. જે કંઈ એનાથી ભિન્ન હોય તો તે એ ભિન્નતા પૂરતી લોકશાહી નથી. કોઈ મનુષ્ય એટલો સારો નથી હોતો કે તે બીજા મનુષ્યો ઉપર તેની સંમતી વિના શાસન કરી શકે.”

અબ્રાહમ લિંકન

બ્રિટનમાં રાજશાહી શાસન હોવાની સાથે સંસદીય લોકશાહી પ્રથામાં બ્રિટન વર્ષોથી મોખરે છે. બ્રિટનની સંસદીય લોકશાહીના પ્રણેતાઓમાંના અગ્રણી અને ભૂતપૂર્વ વડા પ્રધાન વિન્સ્ટર્ન ચર્ચિલે વર્ષો પહેલાં પાર્લામેન્ટ-સંસદ વિશે કેટલાંક નિરીક્ષણો કર્યાં છે, એમાંના ત્રણ પ્રસ્તુત છે. ચર્ચિલે કહ્યું હતું કે,

(૧) પાર્લામેન્ટ લોકોને તાબે થવાની કે પાલન કરવાની ફરજ પાડી શકે પણ સંમત થવાની નહીં.

(૨) પાર્લામેન્ટનું રાજ્ય ન હોવું જોઈએ. લોકો પાર્લામેન્ટ દ્વારા રાજ્ય કરે એમ બનવું જોઈએ.

(૩) પાર્લામેન્ટનો મકસદ હાથોહાથની મારામારીનું સ્થાન દલીલોને આપવાની છે.

ચર્ચિલ તો એમ પણ કહેતા કે સંસદ એ કાંઈ માત્ર કાયદા ઘડવાનું યંત્ર નથી, સંવાદ માટેનો મંચ છે. શેરીઓમાં, આમ જનતામાં, સમાચાર પત્રોમાં જે વિષયો ચર્ચાતા હોય તે જો સંસદમાં ચર્ચાય નહીં તો સંસદ અપ્રસ્તુત બની જશે. લગભગ આવી જ લાગણી વર્ષો પહેલાં બહારના આદિવાસીઓ પરના અત્યાચારનો મામલો રજૂ કરતાં અટકાવાયા ત્યારે સમાજવાદી નેતા ડો. રામમનોહર લોહિયાએ ભારતની લોકસભામાં ઉઠાવ્યો હતો. રાષ્ટ્રમાં બનતી આવી ઘટનાઓ અંગે અવારનવાર જાગૃત સંસદસભ્યો દ્વારા સંસદમાં પ્રશ્નો ઉઠાવવામાં આવે છે.

સંસદીય લોકશાહી પ્રણાલીનો આદર્શ ભારતે બ્રિટન પાસેથી અપનાવ્યો છે એટલે એક  અંગ્રેજ રાજપુરુષે કરેલા ઉપરોક્ત નિરીક્ષણો ભારત માટે વધારે મહત્ત્વના થઈ પડે છે. છેલ્લા ઘણા સમયથી આપણે ત્યાં પાર્લામેન્ટ ભાગ્યે જ પ્રજાકીય પ્રશ્નોની ચર્ચાનું ફોરમ બને છે. મોટાભાગે જંગી બહુમતીનો આશ્રય લઈ શાસક પક્ષના નિર્ણયો પાર્લામેન્ટ પર ઠોકી બેસાડાતાં હય છે. પાર્લામેન્ટ ચર્ચા માટે હોય છે, ભાષણ માટે નહીં. અંગ્રેજોએ આ સદીના આરંભમાં અત્યારે આપણે જેને પાર્લામેન્ટ હાઉસ-સંસદ ભવન કહીએ છીએ એ ઈમારત બાંધી ત્યારે લોકશાહીનો કાચો નકશો તો તેઓ સામે હતો, પરંતુ સાથેસાથે આ સંસ્થાનમાં પાળવાની લોકશાહી છે એ વિશે પણ તેઓ સજાગ હતા, કારણ કે લોકસભા તેમજ રાજ્યસભા માટેના ખંડોની રચના સભાગૃહ જેવી જ લાગે છે. એમાં કોઈ સભ્યને પંદર મિનિટ બોલવા અપાઈ હોય તો એ અડધો કલાક લેવા લલચાય એવું એ વિશાળ વાતાનુકૂલિત સભાગૃહ છે. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પ્રજાલક્ષી પ્રશ્નો પ્રસ્તુત કરવાનું એક માત્ર પ્લેટફોર્મ પાર્લામેન્ટ છે. અંગ્રેજ સરકાર દ્વારા વર્ષો પહેલાં નિર્માણ પામેલા વર્તમાન પાર્લામેન્ટ હાઉસને સ્થાને હવે નવું પાર્લામેન્ટ હાઉસ બાંધવાની વિચારણા ગતિમાં છે. ત્યારે બ્રિટનનો એક પ્રસંગ યાદ કરવા જેવો છે.

ઇંગ્લેન્ડમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ત્યાંની પાર્લામેન્ટને બોમ્બમારાથી નુકસાન થયું ત્યારે બંને ગૃહોનું નવેસરથી સમારકામ કરવામાં આવ્યું ત્યારે એક સૂચન એવું હતું કે હવે આમસભાની તથા ઉમરાવસભાની સભ્ય સંખ્યા વધી છે એ જોતાં મોટા વિશાળ ગૃહો ઊભાં કરવા જરૂરી છે.

આ પરિપ્રેક્ષ્યમાં વિન્સ્ટર્ન ચર્ચિલે પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ”પાર્લામેન્ટ ભાષણો કરવા માટે નહીં, પરંતુ રાષ્ટ્રીય પ્રશ્નોની ચર્ચા કરવા માટે છે એટલે ગૃહોને મોટા કરવાની જરૂર નથી. ઉપરાંત આ એક ઐતિહાસિક ઈમારત પણ છે.” ભારતે આ શભ્દોનું સ્મરણ કરવા જેવું છે.

આજે ઇંગ્લેન્ડની આમસભામાં જો લગભગ પૂરી હાજરી હોય તો કેટલાક સભ્યો ઉપરના બાંકડે જવાના પગથિયાં પર બેસી જાય, એ પછીય સંખ્યાબંધ સભ્યોને ઊભા રહેવું પડે છે. આ લખનારે ૧૯૮૪માં ઇંગ્લેન્ડની મુલાકાત દરમિયાન ગુજરાત વિધાનસભાના સિનિયર સભ્ય અશોક ભટ્ટની સાથે આવું દૃશ્ય નિહાળેલું છે. સંસદસભ્ય  ગમે ત્યાં બેઠા હોય, પરંતુ કોઈ પણ સભ્ય પ્રવેશે કે બહાર જાય ત્યારે સ્પીકરનું ધ્યાન હોય કે ન હોય, સ્પીકરની ખુરશીને વંદન કરીને આવે કે જાય છે. ભારતની સંસદમાં કે વિધાનસભા ગૃહોમાં કેટલીક વાર નવા ચૂંટાયેલા સભ્યો આવી પ્રણાલીને અનુસરવામાં થાપ ખાઈ જાય છે એ સ્વાભાવિક છે. પ્રથમ લોકસભાના સ્પીકર માનનીય દાદાસાહેબ માવલંકર તેમજ ગુજરાત વિધાનસભામાં સ્પીકર કુંદનલાલ ધોળકિયા (૧૯૭૫થી ૧૯૮૦) આ મુદ્દામાં ખૂબ આગ્રહી રહેતા. પરિણામે સ્પીકરપદનું મહત્ત્વ ખૂબ સન્માનનીય ગણાતું. આજે પણ સંસદીય પ્રણાલીની ચર્ચાઓ સમયે આ મહાનુભાવોનું સ્મરણ કરવામાં આવે છે.

સંસદ લોકોને પાલન કરવાની ફરજ પાડી શકે, સંમત થવાની નહીં એ ચર્ચિલના સૂત્રમાં સૂચક બોધ રહેલો છે. જોકે સંસદ લોકપ્રતિનિધિ ગૃહ તરીકે જ કામ કરતી હોય તો એ પ્રજા સંમત ન હોય એવા ધારાઓ પસાર જ ન કરી શકે એ વધુ ઇચ્છનીય અને આવકાર્ય પ્રણાલી ગણાય.

બ્રિટનના રાજવીને પણ પોતાની મરજી મુજબ અંગ્રેજ પ્રજા પર કરવેરા લાદવાનો અધિકાર નથી એમ કહેનારાઓનો અવાજ સંભળાયો ત્યારે આમની સભા હાઉસ ઓફ કોમન્સનો આરંભ થયો હતો.

સંસદીય લોકશાહીને કેન્દ્રમાં રાખી આશરે ૧૭૦ વર્ષ પહેલાં લખાયેલ અને બારથી વધુ આવૃત્તિના અવતારો ધરી ચૂકેલ ઈર્સ્કીન મે લિખિત બ્રિટિશ સંસદની પરંપરાઓ, નિયમો અને અનુભવો આલેખતું પુસ્તક સંસદીય લોકશાહીની ગીતા-બાઇબલ ગણાય છે. આ ગ્રંથમાં મે લખે છે તેમ સંસદને ચાર મુખ્ય અધિકારો છે : વૈધાનિક, આર્થિક, પ્રતિનિધિ અને ન્યાયિક. બીજા શબ્દોમાં કહીએ તો સંસદ કાયદા ઘડી શકે, કરવેરા નાખી શકે, લોકોનું પ્રતિનિધિત્વ કરી શકે, પ્રજાની સમસ્યાઓના ઉકેલ માટે વિચારી શકે અને અન્યાયો દૂર કરવા પગલાં લઈ શકે. આ સંદર્ભમાં વિન્સ્ટર્ન ચર્ચિલ કહેતા કે, આમની-સભાએ લોકોના પ્રતિનિધિ થવાનું છે, સરકારના નહીં. આવું જ એક પુસ્તક ભારતની પાર્લામેન્ટના અધિકારીઓ કૌલ અને શકધરે પણ માહિતીપૂર્ણ પુસ્તક પ્રસિદ્ધ કરીને પાર્લામેન્ટરી અભ્યાસ માટે ઘણી મોટી સેવા કરી છે. ગુજરાતીમાં પણ કુંદનભાઈ ધોળકિયા અને વિધાનસભાના માજી સચિવો હરકાંત શુક્લ તથા ક્વિજેન દેસાઈએ પણ સંસદીય વિષય વિશે પુસ્તકો પ્રગટ કર્યાં છે. ‘લોકશાહીના ધબકારા’ એમાંનું એક માહિતીદર્શક પુસ્તક છે.

સંસદસભા એ સંસદીય લોકશાહીનું મંદિર છે. સંસદીય પ્રણાલિકા એ લોકશાહીનું ઘરેણું છે. લોકતાંત્રિક સંસ્થાઓ એના મોંઘેરાં પ્રતીક  છે, પરંતુ આજે સંસદીય પરંપરાઓ, મર્યાદાઓ, ચિત્યતાઓ, નિયમો, કાનૂનો વગેરેને ભંગ કરવાની, અવમાન કરવાની અનેક ઘટનાઓ રાજ્યોની વિધાનસભાઓમાં અને સંસદગૃહમાં જોવા મળે છે ત્યારે આપણા સંસદીય ધોરણો કેટલા નીચે ઊતયાંર્ છે એની ઝાંખી થાય છે. ત્યારે કવિ નાથાલાલ દવેની કાવ્ય પંક્તિઓ યાદ આવે છે :

લોકશાહીમાં લોક જોઈ રહે, આંખો ચોળી

સંસદના ખેલ નિહાળે જનતા ભોળી

લોકસભામાં સભ્ય મચાવે શોર શરાબા

ગરજે ધરી ગુમાન ને આવે બથંબથ્થા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન