સંસદીય ચૂંટણીની સેમિફાઇનલ શરૂ થઈ ગઈ છે! - Sandesh
  • Home
  • Columnist
  • સંસદીય ચૂંટણીની સેમિફાઇનલ શરૂ થઈ ગઈ છે!

સંસદીય ચૂંટણીની સેમિફાઇનલ શરૂ થઈ ગઈ છે!

 | 1:21 am IST

રોંગ નંબર : હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

૨૦૧૯માં ખેલાવાની સંસદ ચૂંટણીની મેરેથોન દોડની સેમિફાઇનલ બારમી નવેમ્બરથી વીસમી નવેમ્બર સુધી જોવા મળશે. જાતજાતના અને ભાતભાતના દોડવીરો તેમાં ભાગ લેશે. એમાંય ખાસ કરીને રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગણાના દોડવીરોની વિશેષ દોડ જોવા મળશે.

લોકશાહી દેશમાં ચૂંટણીનો મહોત્સવ રાષ્ટ્રીય તહેવારો કરતાંય ખૂબ ધામધૂમથી ઊજવાતો હોય છે. આ ઉત્સવનું એક વિશેષ મહત્ત્વ છે કે એ બિનઘોષિત રાષ્ટ્રીય તહેવાર હોવા છતાં ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરી જેવા ઘોષિત રાષ્ટ્રીય તહેવારો કરતાં પણ કેટલાક નેતાઓમાં અતિ ઉત્સાહ જોવા મળે છે. અહીં ‘કેટલાક નેતા’ એટલા માટે લખ્યું છે સાહેબ, કે બીજા કેટલાક નેતાઓ મતિમંદ ઉત્સાહી થઈ ગયા હોય છે. આ ઉત્સવની બીજી વિશેષતા એ છે કે એક આ જ મેરેથોન દોડ એવી છે જેમાં ભાગ લેવા માટે ટિકિટ લેવી પડે છે. સોરી, લેવી પડે છે એમ નહીં, મેળવવી પડે છે, જોકે મેળવવા માટે કેટકેટલાને મળવું પડે, એમનામાં ભળવું પડે, પસંદ ન પડે તોય એમનું સાંભળવું પડે, ટૂંકમાં ન કરવું પડે એવું બધું, બધું એટલે બધ્ધું જ કરવું પડે. એક ટિકિટ કા સવાલ હૈ સા’બ!

ન્યૂ ચાણક્ય ચૂંટણીની વ્યાખ્યા આપતાં કહે છે : ચૂંટણી એટલે આમ જનતા પોતે, સરકારની કુંડળી બનાવવામાં અને એનાં ભવિષ્યમાં પ્રત્યક્ષ ભાગ લઈ રહી છે એવું સમજાવવા માટેનો પંચવર્ષીય સેવાદિન! એ તો એવુંય કહે છે કે પોતે એટલે કે જે તે સમયની સરકારે પેદા કરેલી મુશ્કેલીઓમાંથી ઉગારી લેવા માટે લોકોને મદદ માટેનાં વચનો આપવા માટેની રાજકારણીઓની ફૂલબહાર ખીલતી એક દિવસીય મોસમ – વન ડે સિઝન!

ચૂંટણીના દિવસે તો મોટાભાગના નેતાઓના ચહેરા પર સ્મિતનો છંટકાવ અચૂક જોવા મળશે. કેટલાક ઉદારદિલ નેતાઓ તો સ્મિતનો છંટકાવ જ નહીં, સ્મિતની છાલકો પણ મારશે. પાંચ વર્ષ પહેલાંની ચૂંટણીના દિવસે જનતાએ આ જ નેતાઓનું જે સ્મિત જોયેલું એ જ સ્મિત આજે હવે પાંચ વર્ષ પછી જોવા મળશે. હા, સ્મિત એ જ હશે – પણ એનો કલર બદલાઈ ગયો હશે. એ વધારે લાલમ્લાલ હશે! સવાલ એ નહીં કરવાનો કે આ ‘લાલી’ કયા પ્રકારની અને કયાં કારણે હશે? લોકશાહીમાં લોકોને સવાલ કરવાની શહેનશાહી નથી હોતી, કેમ કે કેટલાક કાર્યકુશળ રાજકારણીઓનું એવું કહેવું છે કે સમજુ અને શાણાં લોકો બુનિયાદી કે બેબુનિયાદી કોઈપણ પ્રકારના સવાલો ના કરે, એને સાચી લોકશાહી કહેવાય! એટલે અચ્છે ર ગુડ બચ્ચે સવાલ નહીં કરતે, ઠીક હૈ! ચૂંટણીના દિવસોમાં કેટલાક નેતાઓનાં સ્મિત કે હાસ્યની સાઇઝ અને સ્ટાઇલ બદલાઈ ગયાં હશે. ટિકિટ મળી હશે એમના સ્મિતની સાઇઝ નોર્મલ હશે. ટિકિટ મેળવી લીધી હશે એમનાં સ્મિતની સાઇઝ ડબલ નોર્મલ હશે. ટિકિટ, જેમણે મેળ પાડીને કે ખેલ પાડીને મેળવી લીધી હશે એમના સ્મિતની સાઇઝ એકદમ ફૂલસાઇઝ હશે અને જેમને બધા જ પ્રકારની નવધાભક્તિ કે બહુધાભક્તિ કરવા છતાંય ટિકિટ નહીં મળી હોય એમનાય ચહેરા પર સ્મિત તો હશે સાહેબ – પરાંણે પરાંણે રાખવું પડે, નહીં તો આવી બને… પણ એ સ્મિતની સાઇઝ અને સ્મિતનો કલર અને ખુદ સ્મિત સાવ એબ્નોર્મલ હશે.

આમ તો જોકે મોટાભાગની જનતાનું એક ઓબ્ઝર્વેશન છે કે ચૂંટણી સિવાયના સમયમાં મોટાભાગના નેતાઓના ચહેરા પર સ્મિતનો પુરવઠો ખૂટી ગયેલો જોવા મળે છે. હા, એ નેતાઓની પાર્ટીઓમાં કેટલાક ઉપનેતાઓ, ઉપમંત્રીઓ કે કાર્યકરોને એ નેતાઓ પ્રસન્નવદની જોવા મળતા હોય પણ જનતાનાં નસીબમાં એ પ્રસન્ન વદન નિહાળવાનું સુખ નથી હોતું અને એટલે જ તો છાપાંઓમાં એક વાર ‘અધરમ્ મધુરમ્ હસતમ્ મધુરમ્’ એવો હસતો ફોટો જનતાનાં દર્શનાર્થે નાનીમોટી જાહેરખબરોમાં છપાવી દેવાનો એટલે નવી ચૂંટણી આવે ત્યાં સુધી જનતા ખુશ રહે! કોઈકે કહ્યું છે ને કે જેનો રાજા હસતો એની પ્રજા પણ હસતી! હસવા હસવામાંય ફરક હોય સાહેબ!

હવે તો ચૂંટણીઓની ડેટ અપાઈ ગઈ એટલે મોટાભાગના નેતાઓ પોતાની નમ્રતા, પોતાનો જનતાપ્રેમ, પોતાની સાદગી અને પોતાની મોટાઈનું પરમ પાવન દર્શન કરાવવા નીકળી પડશે અને એ માટે પોતાની કારનો ઉપયોગ નહીં કરે. શક્ય હશે ત્યાં સુધી કાર્યકરો અને ચુસ્ત ભક્તોની કારનો ઉપયોગ કરી પોતે પેટ્રોલ-ડીઝલ બચાવી રહ્યા છે એવું લાઇવ ડેન્મોસ્ટ્રેશન આપશે. આવાં લાઇવ ડેમોન્સ્ટ્રેશન્સ આપવામાંય ગળાકાપ જેવી સાવ સામાન્ય નહીં પણ મતદારકાપ જેવી એક્સ્ટ્રાઓર્ડિનરી સ્પર્ધાઓ જોવા મળશે. કેટલાક તો Voter’s Lakeમાં એટલે કે મતદારોનાં સરોવરમાં રૂપાળાં સૂત્રો અને લોભામણાં વચનોના વાંકડિયા કાંટા નાખીને બેસી જશે કે જેથી કરીને નાનીમોટી દરેક માછલી બહુ સરળતાથી એમાં ફસાઈ જાય!

હવેના દિવસોમાં નેતાઓ જનતાને વારંવાર પ્રણામ અને નમસ્કાર કરતા જોવા મળશે. આૃર્યની વાત તો એ કહેવાય સાહેબ, પાંચ પાંચ વરસ પછી પણ આપણા આ સેવકો જનતાને પ્રણામ કરવાનું અને નમસ્કારમાં હાથ જોડવાનું ભૂલી નથી ગયા! જનતાને લાગવું જોઈએ કે જુઓ, અમારા નેતા ભલે અમને અને અમારા વિકાસને અને અમારા અચ્છે દિનને ભૂલી જાય પણ અમારા તરફનાં પ્રણામ અને અમારા માટેના નમસ્કાર તો એ ક્યારેય ન ભૂલે! એ તો પેટનો ઘેરાવો એમના કાબૂમાં નથી રહેતો એટલે બિચારા ઊભા ઊભા તાડવત્ નમસ્કાર કરે છે. નહીંતર, પેટ જો કહ્યામાં રહ્યું હોત તો નેતાઓ બિચારા વાંકા વળીને કે પછી દંડવત્ નમસ્કાર ન કરતા હોત?   આજથી ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી આ પાંચેય રાજ્યમાં દરેક નેતા પોતપોતાની નમ્રતાનું, વચનોની અમૂલ્ય લ્હાણીનું, રંગબેરંગી સપનાંઓનાં વાવેતરનું અભિયાન શરૂ કરી દેશે. વળી, એક પાર્ટી અને નેતાઓના ભ્રષ્ટાચાર તેમજ જૂઠાણાંની તુલનામાં હરીફ પાર્ટી અને હરીફ નેતાઓનાં જૂઠાણાં અને ભ્રષ્ટાચારમાં આટલો મોટો ફરક કેમ છે એવું બધું સમજાવવા અસત્યના પ્રયોગો કરી બતાવશે અને મતદારોને વધારે કન્ફ્યુઝ્ડ કરવા માટે એ એક પોળથી બીજી પોળ, એક શેરીથી બીજી શેરી, એક સોસાયટીથી બીજી સોસાયટી અને શક્ય હશે તો એક ઘરથી બીજા ઘર સુધી જવા સેવકો પદયાત્રા શરૂ કરશે. આ દિવસોમાં પોતે પ્રજાવત્સલ છે એવું સાબિત કરવા માટે પોતાના અંગરક્ષકો કે સિક્યોરિટી ગાર્ડ્ઝની સેવાનો મહાત્યાગ કરી ત્યાગનો મહિમા સમજાવશે. કેટલાક નેતાઓ તો એટલા બધા ભાવવિભોર થઈ જશે કે ગલીએ ગલીએ અને ઘરે ઘરે એ બે હાથ જોડી ‘મારી દીકરીઓ, માતાઓ અને બહેનો તેમજ મારા ભાઈઓ અને પિતાઓ…’ જેવાં સગપણસૂચક સંબોધનો અને ઉદ્બોધનોનો મારો શરૂ કરી દેશે! જનતા રાજી રાજી થઈ જશે કે વાહ અમને દીકરી, બહેન, માતા, ભાઈ અને પિતા તરીકે નવાજ્યાં! રાજી થયેલી જનતાને જોઈને નેતાઓ ખુશ ખુશ થઈ જશે. ચૂંટણીનાં પરિણામો જાહેર થશે ત્યારે એ નેતાઓને રિયાલિટીનો ખ્યાલ આવશે કે એ સમયની અમારી ખુશી અને જનતાની ખુશી વચ્ચે શું આટલો બધો ભેદી ફરક હતો?

જે આશાએ કોલંબસ અમેરિકા શોધવા નીકળેલો એવી જ અમર આશા લઈને નાનો-મોટો હરકોઈ નેતા આ દિવસોમાં પોતાનો મતવિસ્તાર શોધવા નીકળતો હોય છે. એ તો ઠીક પણ જે વિશ્વાસનો શ્વાસ ભરીને લૈલા પોતાના મજનૂને શોધવા નીકળી પડેલી એવા જ વિશ્વાસનો શ્વાસ ભરીને આજનો નેતા પોતાના મતદાતાને શોધવા નીકળી પડતો હોય છે. એ એટલો તો મતમય અને મતદાતામય બની જતો હોય છે કે એને રસ્તે મળતી કોઈપણ વ્યક્તિમાં પોતાનો મતદાર જ દેખાય છે. એને એટલુંય ભાન નથી રહેતું કે રસ્તે મળતું સાતઆઠ વર્ષનું બાળક મતાધિકાર ધરાવે છે કે નથી ધરાવતું! એને તો એ ટાબરિયામાં પણ પોતાનો મતદાર જ દેખાય છે! આ તો કંઈ નથી સાહેબ, કેટલાક મતદારમય નેતાઓ તો પોતાના મતદારો માટેની ઊમટી પડેલી લાગણીઓના ધોધમાં એવા તો ફોગાઈ જતા હોય છે કે રસ્તામાં એમની હરીફ પાર્ટીનો નેતા કે જે એકબીજાના પ્રતિસ્પર્ધી થઈને ચૂંટણી લડવાના છે એમનામાંય એ પોતપોતાનો મતદાર જ જુએ છે!

ચૂંટણી કોઈપણ હોય, એના છેલ્લા દિવસ સુધી વચનો, પ્રવચનો અને સપનાંઓ પૂરાં પાડવાનો મહોત્સવ ચાલતો રહેવાનો! કેટલાક ચુસ્ત શ્રદ્ધાળુઓ તો ચૂંટણીના આ પંચવાર્ષિય પ્રોજેક્ટને રાજસેવાના મહાકુંભ તરીકે પણ ઓળખાવે છે અને સન્માને છે!

ડાયલટોન :

અમારા રાજમાં વીજળીનું બિલ ઓછામાં ઓછું આવતું’તું : કોંગ્રેસ.

તે આવે જ ને! વીજળી પણ બે કલાક જ આવતી’તી!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન