પક્ષો, પ્રજા, પંચ ને પોલીસની પરીક્ષાના પંચોતેર દિવસો - Sandesh
  • Home
  • Columnist
  • પક્ષો, પ્રજા, પંચ ને પોલીસની પરીક્ષાના પંચોતેર દિવસો

પક્ષો, પ્રજા, પંચ ને પોલીસની પરીક્ષાના પંચોતેર દિવસો

 | 2:46 am IST

ઘટના અને ઘટન : મણિલાલ એમ. પટેલ

દેશમાં ધીરેધીરે વાતાવરણમાં ગરમી વધતી જાય છે, તેમ તેમ હવે ચૂંટણીની ગરમી પણ વધતી જશે. જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે ૧૭મી લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ જતાં ચૂંટણીનાં ઢોલ-નગારાં વાગવા માંડયાં છે. વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી થઈ પણ હવે દેશની પરીક્ષા શરૂ થઈ છે. લોકસભાની ચૂંટણી પ્રજા, રાજકીય પક્ષો, ચૂંટણી પંચ અને પોલીસ સૌ માટે પરીક્ષા સમાન છે. ચૂંટણી એ લોકશાહીનું પર્વ યા લોકોત્સવ છે તેમ કહેવાય છે પણ વાસ્તવમાં જંગ કે યુદ્ધ જેવું વાતાવરણ દેશભરમાં સર્જાય છે. હોળાષ્ટકના ચારેક દિવસ પહેલાં જાહેર થયેલી ચૂંટણીની મતગણતરી સુધીની સમગ્ર પ્રક્રિયાના ૭૫ દિવસો ભારે ગરમાગરમ રહેવાના છે ત્યારે ઇચ્છીએ કે ચૂંટણી પર્વ હોળીની પેઠે માત્ર કાદવ ઉછાળ ન બની રહેતાં દિવાળી પેઠે આનંદભેર ઊજવાય ને દેશના ૯૦ કરોડ જેટલા મતદારો મતદાન કરીને તેમનો મતાધિકાર ભોગવે અને મત આપવાની ફરજ પણ બજાવે. ચૂંટણી અહિંસક, મુક્ત, નિષ્પક્ષ ને ન્યાયપૂર્ણ રીતે યોજાય તે જ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતની શાન અને શોભા છે.

દેશના પૂર્વ ચૂંટણી કમિશનર ક્રિષ્ણામૂર્તિએ તાજેતરમાં એવો ભય ને દહેશત વ્યક્ત કરી છે કે, લોકસભાની ચૂંટણીમાં વધુ નાણાં, વધુ હિંસા ને વધુ ઘૃણા જોવા મળશે. તેમની આશંકા સાવ નિરાધાર કે પાયા વિનાની પણ નથી. જે રીતે છેલ્લા છ માસમાં દેશમાં જે પ્રકારનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે યા સર્જવામાં આવી રહ્યું છે તે જોતાં ચૂંટણી દરમિયાન જુઠ્ઠાણાં, વાણી વિલાસ ને બકવાસ થકી ઘૃણાનું વાતાવરણ મોટાપાયે સર્જાયા વિના રહેવાનું નથી. પક્ષો ને નેતાઓ વચ્ચે પરસ્પરની અસહિષ્ણુતા ને દરેક બાબતમાં રાજકીય લાભ ખાટવાની હીન વૃત્તિ વધતાં જાય છે. દરેક મુદ્દાને ચૂંટણીની રીતે રાજકીય ત્રાજવે તોલવામાં આવે છે ને તેમાં રાજકીય લાભાલાભ જ જોવામાં આવે છે. ત્યારે ઉમેદવારોની પસંદગીથી માંડીને સમગ્ર પ્રચાર પ્રક્રિયામાં રાજકીય પક્ષોની ભારે કસોટી થવાની છે. આયારામ ગયારામની નેતાઓની આયાત-નિકાસની પ્રવૃત્તિ પણ વેગ પકડશે.

એ જ રીતે નિષ્પક્ષ ભૂમિકાના સંદર્ભમાં ચૂંટણી પંચની ભૂમિકા પણ કસોટીની એરણે ચડવાની છે.

ટી. એન. શેષાન પછી લોકોમાં ચૂંટણી પંચ પ્રત્યેની અપેક્ષાઓ વધી છે તો બીજી બાજુ ચૂંટણી પંચ પર પણ નિષ્પક્ષ નહીં હોવાના રાજકીય આક્ષેપો વધતા જાય છે. ત્યારે ચૂંટણી પંચની કાર્યવાહી પણ પડકારજનક બનવાની છે. એવી જ ચૂંટણી દરમિયાન પોલીસ દળની કામગીરીની પણ કસોટી થવાની છે, કેમ કે હિંસા ને ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણી યોજાય તે જોવાની જવાબદારી પોલીસ દળની છે. પંચ અને પોલીસ રાજકીય દબાણ વિના પોતાની જવાબદારી અદા કરે તો જ નિષ્પક્ષ ચૂંટણી યોજાઈ શકે.

સૌથી મોટી પરીક્ષા તો પ્રજાની થવાની છે. ભારતનો ગરીબ માણસ પણ ગ્રામપંચાયતથી માંડીને લોકસભાની ગમે તે ચૂંટણી કે પેટાચૂંટણી આવે ત્યારે પોતાની ગરીબી, બેકારી, મોંઘવારી બધું જ ભૂલીને તેમાં ભાગ લે છે તે જ લોકશાહીની સફળતાની નિશાની છે. ભારતમાં લોકશાહી પ્રજાને કારણે ટકી છે ને રાજકીય પક્ષો તથા નેતાઓને નેતાઓને કારણે બગડી છે. પક્ષો ને નેતાઓએ લોકશાહીને નેતાશાહી, ટોળાંશાહી કે સત્તાશાહી બનાવી દીધી છે. દેશ પ્રજાસત્તાકને બદલે જાણે નેતાસત્તાક બની ગયો છે. નેતાઓ માટે દેશ કરતાં જાણે પક્ષ મોટો બની ગયો છે. નેતાઓનો મોટા ભાગનો સમય દેશની નહીં પણ પક્ષની સમસ્યાઓ પાછળ જાય છે. લોકશાહીમાં ક્યાંય લોકોનો અવાજ સંભળાતો નથી. ચૂંટણી ગરીબોના મત અને ધનિકોના ધનથી જાણે લડાય છે. આ સંજોગોમાં ચૂંટણી એ લોકશિક્ષણ ને લોકઘડતરનું પ્રજાકીય પર્વ બનવું જોઈએ.

રાજકીય પક્ષો તો જ્ઞાતિ ને ધર્મના ધોરણે માત્ર જીતી શકે તેવા જ ઉમેદવારો મેદાનમાં ઉતારવાના છે, કેમ કે લોકસભામાં સાચા જનપ્રતિનિધિ નહીં પણ સત્તા માટે માથાની ગણતરી મહત્ત્વની હોય છે. જેની પાસે જેટલાં માથાં પાકાં તેટલી તેની સત્તા પાકી. આ સંજોગોમાં રાજકીય પક્ષો પાસે સારા ઉમેદવારોની અપેક્ષા રાખવી વ્યર્થ છે. જ્ઞા।તિવાદની નાબૂદીની પક્ષો ને નેતાઓ ભલે વાતો કરે પણ જ્ઞાતિવાદને પોષવામાં ને વકરાવવામાં તેમનો સૌથી મોટો ફાળો છે. ઉમેદવારથી માંડીને પ્રધાનો સુધીની પસંદગીમાં નર્યો જ્ઞા।તિવાદ જ રાજકારણમાં ચાલે છે. આવા સમયે પ્રજાની ભૂમિકા મહત્ત્વની બની જાય છે. રાતોરાત જેમનો વિશ્વાસ, વિચારધારા, વિવેક ને વફાદારી બદલાઈ જાય છે તેવા તકસાધુ સત્તાલોલુપ નેતાઓથી પણ પ્રજાએ સાવધ રહીને તેમને પાઠ ભણાવવો જોઈએ. તમારા સાંસદની લોકસભામાં કેટલી હાજરી છે, કેટલી સમસ્યાઓની રજૂઆત કરી છે, કેટલા પ્રશ્નો પૂછયા છે, કેટલી ચર્ચામાં ભાગ લીધો છે, કરોડોના સાંસદનિધિ ફંડનો કેવો ઉપયોગ કર્યો છે, તમારા મત વિસ્તારની તેણે કેવી કાળજી લીધી છે ને સંપર્ક જાળવ્યો છે. આ બધી બાબતો મત આપતાં પહેલાં ધ્યાનમાં લેવી જોઈએ. વડા પ્રધાનની સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ દત્તક લીધેલ ગામમાં કેવી કામગીરી કરી છે તે પણ જોવું જોઈએ.

માત્ર ટૂંકા ગાળાના લાભો, સંવેદનશીલ ઘટનાઓ, જ્ઞાતિ કે ધર્મના આધારે મતદાન ન કરવું જોઈએ. સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં કહ્યું તે રાષ્ટ્રીય સુરક્ષાના બહાના હેઠળ ભ્રષ્ટાચારનો મુદ્દો દબાઈ ન જવો જોઈએ. પાંચ વર્ષ પહેલાં જે વચનો અપાયાં હતાં તે કેવાં ને કેટલાં પૂર્ણ થયાં છે તેની પણ સમીક્ષા કે મૂલ્યાંકન કરવું જોઈએ. ભાવનાત્મક મુદ્દો પાયાના પ્રશ્નો પર હાવી ન થઈ જવો જોઈએ. પક્ષોએ પણ અમલી બનાવી શકાય યા પાળી શકાય તેવાં જ વચનો આપવાં જોઈએ. પોતાના પગાર, ભથ્થાં, સવલતો માટે એકજૂટ રહેતા નેતાઓ સુરક્ષા, શિક્ષણ, આરોગ્ય, ખેડૂતો, બેકારી જેવા મુદ્દે રાષ્ટ્રીય નીતિ નક્કી કરીને પરસ્પર સહકારથી કામ કરે તેવી પ્રજાએ તેમને ફરજ પાડવી જોઈએ.

ચૂંટણીમાં રાજકીય આતંકવાદ વધવાનો છે. જાણીતા એવા નિવૃત્ત વરિષ્ઠ પોલીસ અધિકારી રિબેરોએ હમણાં કહ્યું કે, અંગ્રેજો દેશને લૂંટીને પાયમાલ કરીને ગયા હતા. દેશમાં ન હતી વીજળી, ટેલિફોન, હોસ્પિટલ, પાણી કે શિક્ષણ સંસ્થાઓની સવલતો. ન હતું લશ્કર કે પોલીસ દળ. તળિયાઝાટક તિજોરીની સ્થિતિમાં સરકારે કામ કરવાનું હતું. ૬૦ વર્ષ પછી જે નજરે દેખાય છે તેવી પ્રગતિ સાંકડા ને ટાંચા આર્થિક સાધનોથી દેશમાં ઊભી થઈ છે. સૈન્ય, વિમાનો, વીજળી, રેલવે, ટી.વી., ટેલિફોન, બેન્કો, યુનિવર્સિટીઓ, આઈઆઈટી, IIM, એઇમ્સ, ઈસરો, ઇફકો, બંધો જેટલું શક્ય હતું તેટલું બન્યું છે ત્યારે રાજકીય પક્ષો એકબીજાને ભાંડવાને બદલે પોતે શું કર્યું ને હવે શું કરવા માગે છે તે જણાવે.

બીજી બાજુ આપણે આઈટીમાં દેશને સુપરપાવર ગણાવીએ છીએ પણ ચૂંટણીના પ્રથમ ચરણના ૪૨ દિવસ પછી લોકોને ચૂંટણીનાં પરિણામ મળે તેવી સ્થિતિ છે. સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતાં ૭૫ દિવસ લાગશે. અન્ય દેશોના મતદાનના ગણતરીના કલાકોમાં પરિણામો મળે છે. આ સ્થિતિમાં વોટિંગ મશીન અને વીવીપેટથી પણ આગળ વધવાની જરૂર છે. જેટલો ચૂંટણી પ્રક્રિયાનો ગાળો લાંબો ને મોટો તેટલું ખર્ચ ને આક્ષેપબાજીનું પ્રમાણ વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;