NIFTY 10,147.55 -5.55  |  SENSEX 32,402.37 +-21.39  |  USD 64.3275 +0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ભાજપ લોકોને ડરાવે છે અને કોંગ્રેસ લોકોનો ડર દૂર કરે છે : રાહુલ ગાંધી

ભાજપ લોકોને ડરાવે છે અને કોંગ્રેસ લોકોનો ડર દૂર કરે છે : રાહુલ ગાંધી

 | 4:15 am IST

નવી દિલ્હી :

કેન્દ્રમાં મોદી સરકારને ભીડવવા માટે કોંગ્રેસ દ્વારા રણનીતિ ઘડવામાં આવી છે જેના ભાગરૂપે દિલ્હીનાં તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસે જનવેદના સંમેલનનું આયોજન કર્યું હતું. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સંમેલનમાં પીએમ મોદી પર માછલાં ધોયાં હતાં. રાહુલે પીએમ મોદીના નોટબંધીના નિર્ણયને અપરિપક્વ ગણાવ્યો હતો. આરબીઆઈના ગવર્નરની અવગણના કરીને નિર્ણય લેવાયા પછી સ્થિતિ જ્યારે હવે કાબૂ બહાર ગઈ છે. હવે તેઓ હોમ મેડ અર્થશાસ્ત્રી રામદેવ અને બોકલેજીની આડમાં મોઢું છુપાવી રહ્યા છે. નોટબંધી પછી કેટલું બ્લેક મની પકડાયું છે તેનો મોદી હિસાબ આપે તેવી માગણી રાહુલે કરી હતી.

આખા વિશ્વમાં ભારતના પીએમની હાંસી ઉડાવાઈ હોય તેવી આ પહેલી ઘટના છે. પોતાની નિષ્ફળતા છુપાવવા માટે તેમણે આ નિર્ણય લીધો હતો. મોદીએ નોટબંધીથી ભારતની આર્થિક કરોડરજ્જુ તોડી નાખી છે. તેમણે હસતાં હસતાં આખી દુનિયામાં નોટબંધીનો સૌથી મોટો પ્રયોગ કર્યો અને એક જ ઝાટકે આપણાં ખિસ્સાંમાં રહેલી નોટોને કાગળિયા બનાવી દીધા. જે મનરેગાની તેઓ મજાક ઉડાવતા હતા તેની માગ હવે વધી રહી છે. અમે ૭૦ વર્ષ સુધી જેનું રિસ્પેક્ટ રાખ્યું તે પ્રેસ, આરબીઆઈ, ન્યાયતંત્રની સ્વતંત્રતા મોદીએ અઢી વર્ષમાં બંધ કરી દીધી છે.

યોગની રાજનીતિ રમનાર મોદીને પદ્માસન પણ સરખું આવડતું નથી

મારા યોગગુરુએ મને કહ્યું હતું કે જેઓ યોગ કરે છે તેઓ પદ્માસન કરી શકે છે, જે લોકો યોગ કરતાં નથી તેઓ પદ્માસન પણ કરી શકતાં નથી. મોદીએ ઘણા યોગ કર્યા પણ પદ્માસન કરી શકતા નથી.અઢી વર્ષ પહેલાં મોદીએ સૌના હાથમાં ઝાડુ પકડાવ્યું. પણ પોતે ઉધી ઝાડુ પકડી. ઝાડુ પકડવાની ફેશન પછી મેક ઇન ઇન્ડિયા, યોગ, સ્કિલ ઇન્ડિયા જેવી અનેક યોજનાઓ લાવ્યા અને આખરે નોટબંધીનો ફ્લોપ-શો કર્યો. તેઓ નવા હિન્દુસ્તાનની વાતો કરે છે. અમે શું બેકાર છીએ? શું એક જ વ્યક્તિ ભારતનું નિર્માણ કરશે? બાકી બધા શું બેવકૂફ છે ? શું નરેન્દ્ર મોદી જ બધા સાચા પગલાં લે છે? ભારતની જનતા મૂર્ખ નથી. આ બુદ્ધિશાળીઓનો દેશ છે. રાહુલ ગાંધીએ નમકહલાલ ફિલ્મનાં ગીતને યાદ કરીને કહ્યું હતું કે નોટબંધી દ્વારા મોદીએ ગરીબોનાં પૈસા ખિસ્સામાંથી સેરવી લીધા છે. રામ-રામ જપના …ગરીબ કા માલ અપના….આવા વિચારો સૂટ-બૂટની સરકારના છે. આપણે આવી વિચારધારાને એટલે કે ભાજપને હરાવવાનો છે.

ભગવાનના ફોટામાં કોંગ્રેસનો ચિહ્ન છે, ડરો મત…

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભગવાન શિવ, બુદ્ધ, મહાવીર અને ગુરુ નાનકના ફોટામાં મને કોંગ્રેસનું ચિહ્ન દેખાતું હોય છે.રાહુલે કહ્યું હતું કે ભાજપ લોકોને ડરાવે છે જ્યારે કોંગ્રેસ લોકોનો ડર દૂર કરે છે. રાહુલે તેમનાં ૪૦ મિનિટનાં ભાષણમાં ૧૪ વખત ડરો મત …ડરો મત…નો નારો કાર્યકરોને આપ્યો હતો. કોંગ્રેસનું ચૂંટણી પ્રતીક પંજો દરેક ધર્મને જોડે છે. તે વર્તમાન સ્થિતિમાં ડરો નહીં સામનો કરો તેવું કહે છે.  મોદી જે ઇચ્છે તે પ્રમાણે જ દેશ ચાલશે તેવું પુરવાર થઈ રહ્યું છે, હવે દેશને મોહન ભાગવત અને મોદી ચલાવે છે. કોંગ્રેસે મોદીનાં અઢી વર્ષનાં શાસનની પોલ ખોલતી  બુકલેટ બહાર પાડી છે જેનું નામ “હાલ-બેહાલ, જનવેદના કે ઢાઈ  સાલ” રાખવામાં આવ્યું છે.

૨૦૧૯માં કોંગ્રેસનાં શાસનમાં ફરી અચ્છે દિન  આવશે 

રાહુલ ગાંધીએ કહ્યું કે લોકશાહી સંસ્થાઓની સ્વતંત્રતા મોદીએ છીનવી લીધી છે, હવે ૨૦૧૯માં “કોંગ્રેસ ફરી સત્તા પર આવશે ત્યારે અચ્છે દિન” આવશે. નોટબંધીનો નિર્ણય ફક્ત એક જ વ્યક્તિનો છે અને તે નરેન્દ્ર મોદી છે. નોટબંધીથી અર્થતંત્રમાં ધીમા પગલે મંદી પ્રવેશ કરી રહી છે. ૧૬ વર્ષમાં પહેલીવાર કારનું વેચાણ ઘટયું છે. પીએમએ ભારતને ૧૬ વર્ષ પાછળ ધકેલી દીધું છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આખો દેશ જાણે છે કે કોંગ્રેસે ૭૦ વર્ષમાં શું કર્યું છે. અમારા નેતાઓએ દેશ માટે લોહી અને આંસુ વહાવ્યાં છે, પીએમે ખેડૂતો અને ગરીબોની સાથે સમય વિતાવવાની જરૂર છે, જેથી તેમને શું તકલીફ છે અને શેની જરૂર છે તેનો ખ્યાલ આવે. લોકો કેમ ગામડાં છોડી રહ્યાં છે તેનો તેમને ખ્યાલ આવે.