બેન્કમાંથી લોન લેનારાઓ ચેતી જજો, કેન્દ્ર સરકારે આપ્યો જોરદાર આદેશ - Sandesh
  • Home
  • Business
  • બેન્કમાંથી લોન લેનારાઓ ચેતી જજો, કેન્દ્ર સરકારે આપ્યો જોરદાર આદેશ

બેન્કમાંથી લોન લેનારાઓ ચેતી જજો, કેન્દ્ર સરકારે આપ્યો જોરદાર આદેશ

 | 2:38 pm IST

બેન્કમાંથી પૈસા લઇને કરોડોનું ફૂલેકું ફેરવી જનારાઓ સામે સરકાર હવે એક્શન મોડમાં આવી છે. નાણામંત્રાલયે દેશની તમામ સરકારી બેન્કને આદેશ આપ્યા છે કે, જે લોકોએ રૃ.૫૦ કરોડથી વધુ રકમની લોન લીધી છે તેમના પાસપોર્ટ જમા કરાવવામાં આવે. આ માટે બેન્કને ૪૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે. પીએનબી કૌભાંડ છતુ થયા બાદ મંત્રાલયે આ આદેશ આપ્યા છે. વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીના કેસમાં એવું બન્યું છે કે તેઓ અગાઉથી વિદેશ ચાલ્યા ગયા અને પછીથી કૌભાંડ ખુલ્યું હતું.

નાણામંત્રાલયે બેન્કને આદેશ આપતા જણાવ્યું હતું કે, જો કોઇ લોન લેનારાઓ પાસે પાસપોર્ટ ન હોય તેવા કેસમાં બેન્કે લોન લેનારાઓ પાસેથી સોગંદનામુ લેવું પડશે. જેમાં લખાવવામાં આવશે કે જે તે લોન લેનારા પાસે કોઇ પ્રકારનો પાસપોર્ટ નથી. બેન્કોએ લોન એપ્લિકેશનના ફોર્મમાં પણ ફેરફાર કરવા પડશે અને તેમા પાસપોર્ટ ડિટેઇલનું કોલંમ ઉમેરવું પડશે. રૃ.૫૦ કરોડથી વધારે લોન આપતી વખતે જો બેન્ક પાસે પાસપોર્ટની ડિટેઇલ હશે તો ડિફોલ્ટરોને દેશમાંથી પલાયન થતા અટકાવી શકાશે. હાલમાં બેન્ક પાસે કોઇ લોન લેનારાઓની પાસપોર્ટ ડિટેઇલ હોતી નથી. તેથી લોન લઇને તેઓ બેન્કને ચૂનો લગાવી જાય છે. આ ઉપરાંત ઇમિગ્રેશન અને એરપોર્ટ ઓથોરિટીને પણ કોઇ જાણકારી મળતી નથી. આ ઉપરાંત હવે સરકારી બેન્કમાંથી લોન લેવા માટે પણ કડક શરતો યાદી તૈયાર કરી રહી છે. આ પગલું ભરવા પાછળનો હેતું બેન્ક સાથે થતા ચિટિંગને અટકાવવાનો અને ડિફોલ્ટરનો વિદેશમાં ભાગતા અટકાવવાનો છે.

બેન્કને પારદર્શક બનાવવાનો પ્રયત્ન
નાણામંત્રાલયે સરકારી બેન્કમાં પારદર્શક વહીવટ માટે નિર્ણય લીધો છે. નાણાંમત્રાલયે બેન્કને રિપોર્ટ તૈયાર કરવાની પણ સૂચના આપી છે જેમાં રૃ.૫૦ કરોડ કે તેથી વધુ રકમની લોન લેનારાઓની વિગત અનિવાર્ય છે. જો કોઇ લોન લેનારાઓ સામે આશંકા જશે તો સીબીઆઇ તેની તપાસ કરશે. જો લોનના કોઇ નિયમનો ભંગ થશે તો બેન્ક તાત્કાલિક પગલાં ભરશે. આ ઉપરાંત ૨૫૦ કરોડથી વધારે રકમની લોન લેનારાઓના ખાતા સ્કેન કરવામાં આવશે. બેન્કમાંથી પૈસા લઇને ફરાર થનારાઓને રોકવા માટે એક બિલ પણ તૈયાર કરવામાં આવશે. આ આર્િથક અપરાધ બિલની મંજૂરી માટે ચાલું સંસદસત્રમાં રજૂ કરવામાં આવે એવી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.