Patan BJP worker Protest Ahead of Cabinet expansion
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મંત્રીમંડળની શપથવિધિ પહેલા વિરોધના એંધાણ, દિલીપ ઠાકોરના સમર્થનમાં ચાણસ્મામાં ચક્કાજામ

મંત્રીમંડળની શપથવિધિ પહેલા વિરોધના એંધાણ, દિલીપ ઠાકોરના સમર્થનમાં ચાણસ્મામાં ચક્કાજામ

 | 9:43 pm IST
  • Share

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ભાજપમાં આંતરિક અસંતોષ ચરમ પર જોવા મળી રહ્યો છે. આજે નવા મંત્રી મંડળની શપથવિધિ થવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ તેને કાલ પૂરતી મુલતવી રાખવાની ફરજ પડી છે. નવા મંત્રી મંડળમાં અનેક વરિષ્ઠ નેતાઓના પત્તા કપાવવાની સંભાવનાને જોતા વિરોધના સુર ઉઠવા લાગ્યાં છે.

મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા મુજબ, રૂપાણી સરકારની કેબિનેટમાં મંત્રી રહેલા મોટાભાગના નેતાઓને નવા મંત્રી મંડળમાં સ્થાન નહીં આપવામાં આવે. જૂના જોગીઓનું કેબિનેટમાંથી પત્તુ કપાવાને લઈને તેમના સમર્થકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

અગાઉની કેબિનેટમાં મહત્વનું મંત્રાલય સંભાળી રહેલા દિલીપ ઠાકોરને મંત્રી પદેથી હટાવવાની અટકળો વચ્ચે ચાણસ્મામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં દિલીપ ઠાકોરના સમર્થકોએ હાઈવે પર ચક્કાજામ કરીને તેમના સમર્થનમાં સુત્રોચાર કર્યા હતા.

હારીજમાં પણ દિલીપ ઠાકોરના સમર્થનમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યારે કાર્યકર્તાઓ અને સમર્થકોએ સામુહિક રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી છે.

દિલીપ ઠાકોરને કેબિનેટમાં યથાવત રાખવા માટે રસ્તા પર ઉતરી આવેલા તેમના સમર્થકોએ ભાજપ પ્રત્યે ભારોભાર આક્રોશ ઠાલવ્યો હતો. દિલીપ ઠાકોરના સમર્થનમાં આવનારા સમયમાં ભાજપમાં મોટા ભંગાણના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

જણાવી દઈએ કે, છેલ્લા 50 વર્ષથી ચાણસ્મા વિધાનસભામાં પિતા બાદ દિલીપ ઠાકોર સતત જીત મેળવતા આવ્યા છે. એવામાં જો તેમને મંત્રી મંડળમાંથી પડતા મૂંકવામાં આવે તો, આગામી 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા મોટું ભંગાણ થઈ શકે છે. મંત્રી મંડળની શપથ વિધિ પહેલા જ ઉત્તર ગુજરાતમાં પાટણથી વિરોધના સુર ઉઠ્યા છે.

આવી જ રીતે કુંવરજી બાવળિયાની પણ કેબિનેટમાંથી બાદબાકી થવાની સંભાવનાને જોતા કોળી સમાજ પણ મેદાનમાં આવ્યો છે. કોળી સમાજે તો કુંવરજી બાવળિયાને નવા મંત્રી મંડળમાં સ્થાન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયામાં પણ કુંવરજી બાવળિયાના સમર્થનમાં કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં વાયરલ પોસ્ટમાં ભાજપને પરિણામ ભોગવવાની ધમકી આપવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન