મા કાર્ડ ધરાવતા દર્દીઓ પાસેથી પૈસા પડાવવાનો ડોક્ટર્સનો કીમિયો - Sandesh
  • Home
  • Ahmedabad
  • મા કાર્ડ ધરાવતા દર્દીઓ પાસેથી પૈસા પડાવવાનો ડોક્ટર્સનો કીમિયો

મા કાર્ડ ધરાવતા દર્દીઓ પાસેથી પૈસા પડાવવાનો ડોક્ટર્સનો કીમિયો

 | 3:44 am IST

। અમદાવાદ ।

મહેસાણાની ઉપાસના હોસ્પિટલ દ્વારા મા કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસેથી પૈસા ખંખેરવામાં આવતાં હોવાની ઘટના સંદેશના ઓ ‘મા’ અભિયાનમાં સામે આવી છે. આ હોસ્પિટલમાં કિડનીની સારવાર લેવા માટે આવેલા દર્દીના સગાં પાસેથી મા કાર્ડ હોવા છતાં રૂ.૭૦થી ૮૦ હજાર પડાવવામાં આવ્યાં હતા. જોકે પૈસા વસૂલવા માટે ડોક્ટર્સ દ્વારા દર્દીના સગાંને એવી ગેરવાજબી સલાહ અપાતી હતી કે, અત્યારે તમે કેશમાં સારવાર કરાવો કારણ કે, પાછળથી મોટું ઓપરેશન કરાવવાનું થાય તો તમે મા કાર્ડમાં કરાવી શકો. નહિતર જો અત્યારથી મા કાર્ડનો લાભ લેશો તો પાછળથી તમારું બેલેન્સ પૂરું થઈ જશે. જોકે આમ પૈસા વસૂલવા માટે ડોક્ટર્સ દ્વારા આવા અવનવા કીમિયાઓ અપનાવી નાગરિકોને છેતરાવામાં આવી રહ્યાં હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે.

મહેસાણા જિલ્લાના સુંધિયા ગામના ભરતભાઈ દેસાઈ સંદેશના ઓ ‘મા’ કેમ્પેઇનમાં મહેસાણાની ઉપસાન હોસ્પિલમાં ચાલતી લાલિયાવાડીની પોલ ખોલી છે. તેમણે જણાવ્યું હતું કે, મારા માસીના દીકરા ભાવેશ દેસાઈને કિડની પર સોજો આવ્યો હતો. જેથી અમે ગત ઓગસ્ટ મહિનામાં મહેસાણાની ઉપાસના હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. દરમિયાન અમે હોસ્પિટલમાં લાગેલા મા કાર્ડના કાઉન્ટર પર પૂછપરછ કરી હતી કે અમારી સારવાર મા કાર્ડ હેઠળ થઈ જશે. ત્યારે ત્યાં હાજર અધિકારીએ અમને ડોક્ટર્સ સાથે વાત કરવાનું કહ્યું હતું. જેથી અમે કન્સલ્ટન્ટ ડોક્ટર્સ સાથે વાત કરી તો તેમણે અમને જણાવ્યું હતું કે, તમારી પાસે મા કાર્ડ છે તે નવું છે માટે હજુ ઉપયોગ થયો નથી એટલે તરત ના થાય તેના માટે તમારે ૪થી ૫ ડાયાલિસીસ કેશથી કરાવવી પડશે. ત્યાર બાદ મા કાર્ડમાં સારવાર થશે.

અમારી પાસેથી ડાયાલિસીસ વગેરેનો ચાર્જ વસૂલવાનું શરૂ કયંર્ુ હતું. જોકે શરૂઆતના દિવસો દરમિયાન અમે વારંવાર મા કાર્ડમાં સારવાર થાય તેના માટે રજૂઆતો કરતા રહ્યાં હોવા છતાં ડોક્ટર્સ દ્વારા વિવિધ કારણો જણાવી મા કાર્ડમાં સારવાર આપવાનું ટાળતા હતા. આમ અમે ૧૫થી ૨૦ દિવસ સુધી આ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ રહ્યાં હતા. જેમાં ડોક્ટર્સ દ્વારા અમને એવી સલાહ અપાઈ હતી કે, અત્યારે જો તમે મા કાર્ડનો લાભ લેશો તો પાછળથી મોટું ઓપરેશન કરાવવું હશે તો તમારું બેલેન્સ ખતમ થઈ જશે. માટે અત્યારે તમે તમામ બિલ કેશમાં જ ભરપાઈ કરી દો. તેમ કહી અમારી પાસેથી રૂ.૭૦થી ૮૦,૦૦૦ કેશ ભરાવ્યાં હતા.

હાલમાં પણ જ્યારે જ્યારે ડાયાલિસીસ કરાવવા જવું પડે છે ત્યારે કેશ પૈસા જ ભરાવડાવે છે. જોકે અમને મા કાર્ડના બેલેન્સ અંગેની પૂરતી જાણકારી પણ નહોતી છતાં હોસ્પિટલમાં મા કાર્ડના કાઉન્ટર પર પણ અમને ડોક્ટર કહે તે પ્રમાણે કરવાની સલાહ મળતી હતી. જેથી મા કાર્ડ હોવા છતાં અમારી પાસેથી સતત નાણાં વસુલાઈ રહ્યાં છે.

મા કાર્ડ કાઉન્ટરવાળા અને ડોક્ટર્સની મિલીભગત

હોસ્પિટલમાં જે મા કાર્ડના કાઉન્ટર લાગેલા હોય છે તેના પરથી બેસતા કર્મચારીઓ અને ડોક્ટર્સની મિલીભગતથી ગરીબ દર્દીઓ પાસેથી પૈસા ખંખેરવામાં આવે છે. મહેસાણાની ઉપાસના હોસ્પિટલમાં સારવાર લેવા ગયેલા દર્દીના સગાંએ પ્રથમ મા કાર્ડના કાઉન્ટર પર પૂછપરછ કરી હતી તો તેમણે જણાવ્યું હતું કે, તમારી બીમારી ગંભીર નથી માટે તમારે મા કાર્ડમાં સારવાર લેવાની જરૂર નથી અને તમને બાદમાં બિલમાં ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. આ ભરોસે બેસી રહેલા દર્દીના સગાએ આખરે ૭૦થી ૮૦ હજાર રૂપિયા ભરવાનો વારો આવ્યો હતો. આમ આ અધિકારીની મિલીભગતના કારણે દર્દીઓને યોગ્ય માર્ગદર્શન મળતું નથી.