પેટ્રોલ પહેલીવાર ૯૦ને પાર, પરભણીમાં રૂ. ૯૦.૧૧ પ્રતિ લિટર - Sandesh
  • Home
  • India
  • પેટ્રોલ પહેલીવાર ૯૦ને પાર, પરભણીમાં રૂ. ૯૦.૧૧ પ્રતિ લિટર

પેટ્રોલ પહેલીવાર ૯૦ને પાર, પરભણીમાં રૂ. ૯૦.૧૧ પ્રતિ લિટર

 | 2:35 am IST

 

। નવી દિલ્હી ।

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કરતાં દેશભરમાં ઈંધણોની કિંમતો નવી ઊંચાઈ પર પહોંચી ગઈ હતી. મહારાષ્ટ્રમાં પરભણી શહેરમાં પેટ્રોલની કિંમત ૯૦ની સપાટી પાર કરી પ્રતિ લિટર રૂપિયા ૯૦.૧૧ અને ડીઝલ રૂપિયા ૭૮.૦૬ પર પહોંચ્યાં હતાં. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૧૪ પૈસાનો વધારો થયો હતો જ્યારે મુંબઈમાં પેટ્રોલમાં ૧૪ પૈસા અને ડીઝલમાં ૧૫ પૈસાનો વધારો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ ૭૭.૬૩ ડોલર પ્રતિ બેરલ પર નોંધાયાં હતાં.

દરમિયાન ભારતીય રૂપિયો દિન-પ્રતિદિન ડોલર સામે નવી નિમ્ન સપાટી પર ગગડી રહ્યો છે. મંગળવારે રૂપિયો વધુ ૨૫ પૈસા તૂટીને ૭૨.૭૦ની ન્યૂનતમ સપાટી પર બંધ રહ્યો હતો. મંગળવારે સવારે કારોબાર ખૂલતાં રૂપિયો ડોલર સામે મજબૂતાઈથી ખુલ્યો હતો પરંતુ ૭૨.૭૦ની નવી સપાટી પર બંધ રહેતાં પહેલાં ૭૨.૭૫ની નવી નીચલી સપાટીને સ્પર્શી ગયો હતો. ડીલરોના જણાવ્યા અનુસાર રિઝર્વ બેન્કના હસ્તક્ષેપના કારણે કારોબારમાં મોડેથી રૂપિયો વધુ ગગડતો અટક્યો હતો. ૨૦૧૮માં ડોલર સામે રૂપિયાની કિંમતેમાં ૧૪ ટકાનું અવમૂલ્યન થઈ ચૂક્યું છે. સરકારે રૂપિયાને ગગડતો અટકાવવા રિઝર્વ બેન્કને આક્રમક નીતિ અપનાવવાનો આદેશ આપ્યો છે. આ મામલાના જાણકાર લોકો કહે છે કે, સરકારે રિઝર્વ બેન્કને રૂપિયાને ટકાવી રાખવા માટે આરબીઆઈને આક્રમકતા સાથે પગલાં લેવાનો આદેશ આપ્યો છે. નાણામંત્રાલય અને રિઝર્વ બેન્ક સતત એકબીજાના સંપર્કમાં છે અને જરૂર જણાયે રિઝર્વ બેન્ક હસ્તક્ષેપ કરી રહી છે.

સેન્સેક્સમાં ૫૦૯ પોઇન્ટનો કડાકો, બે દિવસમાં ૯૭૩ અંકનું ધોવાણ

મંગળવારે સતત બીજા દિવસે શેરબજારોમાં કડાકો બોલી ગયો હતો. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ૫૦૯.૦૪ અંક તૂટીને ૩૭,૪૧૩.૧૩ પર બંધ રહ્યો હતો. સોમવારે સેન્સેક્સમાં ૪૬૪ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. આમ બે દિવસમાં સેન્સેક્સમાં ૯૭૩ પોઇન્ટનો ઘટાડો થયો હતો. મંગળવારે એનએસઇનો નિફ્ટી ૧૫૦.૬૦ પોઇન્ટ તૂટીને ૧૧,૨૮૭.૫૦ પર બંધ રહ્યો હતો.

;