પતીતા અને ઉદ્ધારકનું મિલન! - Sandesh

પતીતા અને ઉદ્ધારકનું મિલન!

 | 12:20 am IST

ક્લાસિક :- દીપક સોલિયા

દોસ્તોયેવસ્કીકૃત ‘ધ ઇડિયટ’- ૨૪  

વાત જાણે એમ હતી કે મધ્યમવર્ગીય ગાન્યાને કોઈપણ ભોગે ઉચ્ચ વર્ગમાં પ્રવેશવાની ભારે તાલાવેલી હતી. આવા ‘વર્ગ-આરોહણ’ માટેની એક ‘ટિકિટ’ ગાન્યાના હાથમાં આવી. એ ટિકિટનું નામ હતું, નાસ્તિ. જો ગાન્યા નાસ્તિને પરણે તો એને બદલામાં ૭૫,૦૦૦ રૂબલ મળી શકે તેમ હતા, જેના જોરે તે ઉચ્ચ વર્ગમાં પ્રવેશી શકે તેમ હતો. ગાન્યાએ પોતે તો જેમતેમ કરીને પોતાની જાતને આ સોદા માટે તૈયાર કરી લીધી, પરંતુ ગાન્યાની માતા અને બહેન ખુમારીવાળી સ્ત્રીઓ હતી. એમને આવો હલકો સોદો મંજુર નહોતો.

તો, જે દિવસે (રાતે) ગાન્યા-નાસ્તિના લગ્નનો ફઈનલ ફેંસલો થવાનો હતો એ દિવસની સાંજે ગાન્યાના ઘરમાં માતા અને બહેન સાથે ગાન્યાનો મોટો ઝઘડો થયો અને એ જ વખતે નાસ્તિ, બસ, એમ જ, સંભવિત સાસરિયાંને મળવા ગાન્યાના ઘરે પહોંચે છે. નાસ્તિના આવા અણધાર્યા આગમનથી ઘરમાં ચાલી રહેલો ભયંકર ઝઘડો તો પળવારમાં અટકી ગયો, પરંતુ ગાન્યાના ચહેરા પરની બેચેની જોઈને નાસ્તિએ એની મજાક ઊડાવીઃ ‘ગાન્યા… ગાન્યા, તારો ચહેરો તો જો. બાપરે, તું કેવો લાગી રહ્યો છે?’ હવે આગળ…

નાસ્તિ અત્યંત મોટેથી હસી. ખડખડાટ હસી રહેલી નાસ્તિને ગાન્યા એકધારી નજરે જોઈ રહ્યો. એ દરમિયાન તેના ચહેરા પરથી આઘાત અને બઘવાટ તો દૂર થઈ ગયા, પરંતુ તેનું સ્થાન રોષે લીધું. ગાન્યાના હોઠ વાંકાચૂંકા થવા લાગ્યા અને ગાન્યાની આંખમાંથી આગ વરસવા લાગી.

આ દરમિયાન, નાસ્તિના અણધાર્યા આગમનના આઘાતમાંથી પ્રિન્સ બહાર આવી ચૂક્યો હતો. પ્રિન્સે ગાન્યાનો ભડભડતો ચહેરો જોયો. એણે તરત ગાન્યાની પાસે જઈને કહ્યું, ‘તું પાણી લે. તું આ રીતે ન જો.’

આવું કહેવા પાછળ પ્રિન્સનો કોઈ ખરાબ ઇરાદો નહોતો. છતાં, તેના આ શબ્દોની ગાન્યા પર અવળી અસર પડી. ગાન્યાએ પોતાની ભડભડતી આંખો પ્રિન્સ પર માંડી અને અત્યંત જોરથી એણે પ્રિન્સનું બાવડું પકડયું. ગાન્યાના લગભગ હિંસક કહી શકાય એવા આ વર્તનથી કમરામાં નાના પાયે ખળભળાટ મચ્યો. ગાન્યાની માતા નીનાના મુખમાંથી હળવી ચીસ નીકળી ગઈ. ગાન્યાની બહેન વાર્યાનો પ્રેમી ઇવાન ભારે બેચેની સાથે એક ડગલું આગળ વધ્યો. જોકે, બહેન વાર્યા પોતે મમ્મી પાસે સ્થિર ઊભી રહી. એની આંખોમાં (નાસ્તિ પ્રત્યેનો) અણગમો યથાવત્ હતો.

એટલામાં કમરામાં બે જણ પ્રવેશ્યા. એમાં એક હતો ગાન્યાનો તેર વર્ષનો નાનો ભાઈ કોલ્યા (ગાન્યાના સમગ્ર પરિવારમાં આ એક છોકરો શાંત, સ્વસ્થ, ઉત્સાહી અને સરળ હતો) અને બીજો હતો ઘરનો એક ભાડૂત ફર્ડિશ્ચેક્નો. એ એના નામ જેવો જ વિચિત્ર માણસ હતો. એક નંબરનો લેભાગુ એવો ફર્ડિશ્ચેક્નો અમીરો પાસે જઈને લટુડાપટુડા કરતો. ઇવન નાસ્તિ પણ આ ફર્ડિશ્ચેક્નોને ઓળખતી હતી. ફર્ડિશ્ચેક્નો ક્યારેક ક્યારેક નાસ્તિના ઘરે જઈને વિદૂષકવેડા કરીને નાસ્તિનું મનોરંજન કરતો.

તો, માતાની હળવી ચીસ, ઇવાનનું એક ડગલું આગળ વધવું અને કોલ્યા તથા ફર્ડિશ્ચેક્નોનું કમરામાં પ્રવેશવું, આ બધી હિલચાલને લીધે ગાન્યા સહેજ ‘ભાન’માં આવ્યો (એને સમજાયું કે એક નાનકડી ભૂલ ૭૫,૦૦૦ રૂબલની કમાણી પર પાણી ફેરવી શકે તેમ છે). તેણે પોતાના ગુસ્સા પર કાબૂ મેળવ્યો અને ચહેરા પર પરાણે સ્મિત લાવીને એણે પ્રિન્સને પૂછયું, ‘કેમ, તું કોઈ ડોક્ટર છે?’ પછી એણે નાસ્તિને સંબોધીને પોતાના વર્તન પર થીગડું મારવાના પ્રયાસરૂપે કહ્યું, ‘નાસ્તિ, આ માણસે મને જરા ડરાવી દીધો. હું તને એનો પરિચય કરાવું. આ છે પ્રિન્સ મિશ્કિન. આ એક દુર્લભ પ્રકારનો માણસ છે. આજે સવારે જ મારી ઓળખાણ થઈ છે.’

‘પ્રિન્સ?’ નાસ્તિને ભારે નવાઈ લાગી. ‘આ માણસ પ્રિન્સ છે? લે, મેં તો એને નોકર માની લીધો.’

‘કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. આવા બધામાં આવું બધું તો થાય.’

આવો બકવાસ કરતાં કરતાં ફર્ડિશ્ચેક્નો નાસ્તિની નજીક સરક્યો.

‘તું અહીં શું કરે છે?’ ફર્ડિશ્ચેક્નો અહીં ભાડૂત તરીકે રહેતો હોવાથી વાતથી અજાણ નાસ્તિએ ફર્ડિશ્ચેક્નોને પૂછયું તો ખરું, પણ એ વિદૂષક સાથે વધુ વાત કરવામાં નાસ્તિને રસ નહોતો. એટલે એણે તરત પ્રિન્સ વિશે પૂછયું, ‘પ્રિન્સ? પ્રિન્સ મિશ્કિન?’

‘જી,’ ગાન્યા બોલ્યો, ‘પ્રિન્સ અમારે ત્યાં ભાડૂત તરીકે રહેવા આવ્યો છે.’

‘ઇડિયટ.’ ફર્ડિશ્ચેક્નો જાણે પ્રિન્સનો વિશેષ પરિચય આપી રહ્યો હોય તેમ અત્યંત ધીમેથી બબડયો. પ્રિન્સને ‘ઇડિયટ’ શબ્દ સંભળાયો તો ખરો, પરંતુ એનું સમગ્ર ધ્યાન નાસ્તિ પર હતું અને નાસ્તિ પણ અત્યંત રસપૂર્વક પ્રિન્સને પગથી માથા સુધી જોઈને માપી રહી હતી. એ બોલી, ‘અચ્છા પ્રિન્સ, મેં તને નોકર માની લીધો ત્યારે તેં ચોખવટ કેમ ન કરી કે તું નોકર નથી?’

‘તને અચાનક જોઈને હું ચોંકી ગયેલો, એટલે.’

‘પણ તેં મને ઓળખી કઈ રીતે? હું તો તને જિંદગીમાં પહેલી વાર મળી રહી છું. તો પછી તને મારા ચહેરા પરથી કઈ રીતે ખબર પડી ગઈ કે હું નાસ્તિ છું? અને મને જોઈને ચોંકવાનું કંઈ કારણ? મારામાં એવું તો ‘આઘાતજનક’ શું છે?’

ફર્ડિશ્ચેક્નોએ વિદૂષકવેડા કરતાં કહ્યું, ‘બોલ પ્રિન્સ, કંઈક બોલ. નહીંતર અમને લાગશે કે તું ડફેળ છે.’

પ્રિન્સ ઉશ્કેરવાને બદલે હસ્યો, ‘તારી જગ્યાએ હું હોઉં તો મને પણ એવું લાગી શકે કે આ માણસ ડફેળ છે.’ પછી નાસ્તિને સંબોધીને પ્રિન્સે કહ્યું, ‘આજે સવારે તારી તસવીર મેં જોઈ. એ તસવીરનો મારા પર જોરદાર પ્રભાવ પડયો. મેં તારા વિશે એપાન્ચિન પરિવાર (જનરલ, લિઝાવેતા અને એમની ત્રણ દીકરીઓ) સાથે પણ વાત કરી. એ અગાઉ, આજે સવારે હું ટ્રેનમાં આવી રહ્યો હતો ત્યારે ટ્રેનમાં મારા એક સહપ્રવાસી રોગોઝિને તારા વિશે મારી સાથે ઘણી વાતો કરી… અને મેં જ્યારે દરવાજો ખોલ્યો એ ઘડીએ મારા મનમાં તારા જ વિચારો ચાલી રહ્યા હતા.’

‘પણ… તેં મને ઓળખી કઈ રીતે?’

‘આમ તો તસવીર પરથી, અને…’

‘અને?’

‘અને… તું એવી જ છે જેવી મેં ધારી હતી… અને મને એવું પણ લાગે છે કે મેં તને અગાઉ ક્યારેક જોઈ છે.’

‘અગાઉ? ક્યાં?’

‘મને એવું લાગ્યા કરે છે કે તને, ખાસ તો તારી આંખોને મેં ક્યાંક જોઈ છે… પણ ના, એ શક્ય જ નથી… છોડો, હું કદાચ બકવાસ કરી રહ્યો છું. બને કે મેં કદાચ ક્યારેક સપનાંમાં તારી આંખો જોઈ હશે.’

આટલું કહેતી વખતે પ્રિન્સ વચ્ચે વચ્ચે અચકાયો, શ્વાસ લેવા રોકાયો. એ ભારે ઉત્તેજનાથી બોલી રહ્યો હતો.

નાસ્તિ આમ તો હસી-મજાકના જ મૂડમાં હતી, પરંતુ હવે તેના ચહેરા પર સ્મિત નહોતું. એ અત્યંત ગંભીરતાપૂર્વક, રસભેર પ્રિન્સને સાંભળી રહી હતી.

(ક્રમશઃ)