paying guest facing problem due to lockdown in state
  • Home
  • Ahmedabad
  • ‘કોરોના’નો પ્રકોર: રાજ્યમાં લોકડાઉનથી પેઇંગ ગેસ્ટ તરીકે રહેનારાઓની હાલત કફોડી બની

‘કોરોના’નો પ્રકોર: રાજ્યમાં લોકડાઉનથી પેઇંગ ગેસ્ટ તરીકે રહેનારાઓની હાલત કફોડી બની

 | 8:20 am IST

કોરોનાનો ભય તો ખરો જ પણ ત્રણ સપ્તાહના લોકડાઉનને કારણે સામાન્ય પરિવારોની બીજી તરફ નોકરી-ધંધા કે ભણવા આવીને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં ફ્લેટ કે સોસાયટીઓમાં રહેતા અસંખ્ય પેઇંગગેસ્ટો (પી.જી.) સવારના ચા-નાસ્તાથી બપોરના ભોજન રાતના ભોજન માટે પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. કેમ કે, રેસ્ટોરન્ટ બંધ સાથે ટિફિન સેવા બંધ સાથે તેમને ત્યાં રસોઈ કરવા આવનાર રસોયણ મહિલા અને મહારાજ કોરોનાની દહેશતથી આવતા બંધ થઈ ગયા છે. પરિણામે પેઇંગ ગેસ્ટો વતન જવા મજબૂર બન્યા છે.

દેખીતી રીતે જ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પી.જી.ની સંખ્યા સૌથી વધુ છે એ પછી પૂર્વના વિસ્તારો અને કોટ વિસ્તારની પોળોનો સમાવેશ થવા જાય છે. પશ્ચિમના નવરંગપુરા, આંબાવાડી, વસ્ત્રાપુર અને નારણપુરા તથા સાબરમતીમાં તો ફ્લેટના તમામ એપાર્ટમેન્ટ પેઇંગ ગેસ્ટોએ રોકી લીધા છે અને કોઈ બે ત્રણ કે ચારના સમૂહમાં રહે છે એમાંય નવરંગપુરા ટેલિફોન એક્સ્ચેન્જ પાછળના ભાગમાં તો આલિશાન ફ્લેટો આ પી.જી. કહો કે, પેઇંગગેસ્ટોએ ભાડે રાખી લીધા છે. એમ એલ.ડી. આર્ટ્સ અને કોમર્સ કોલેજ વિસ્તામાં તો કોર્મિશયલ બિલ્ડિંગોમાં પણ પેઇંગગેસ્ટોએ ધામા નાખ્યા છે. જ્યારે શહેરની અનેક સોસાયટીઓ, ફ્લેટોમાં પણ પેઇંગગેસ્ટોની સંખ્યા ઓછી નથી.

જો કે, ચોરી, પ્રેમપ્રકરણ અને અન્ય કારણોસર કેટલીયે સોસાયટીઓ-ફ્લેટોના એપાર્ટમેન્ટોએ પી.જી.ને ફ્લેટ કે રૂમ આપવાની પાબંદી ફરમાવી છે પરંતુ આર્થિક મંદીના કારણે મધ્યમવર્ગના પરિવારો પી.જી.ને મકાન ભાડે આપી રહ્યા છે.

આ તમામ પેઇંગ ગેસ્ટો ત્રણ સપ્તાહના લોકડાઉનને કારણે ચા-નાસ્તા ભોજન માટે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જ્યાં રોજ બપોર અને સાંજે ભોજન લેવા જતા હતા તે તમામ રેસ્ટોરન્ટ બંધ છે. ઓનલાઇન નાસ્તા, પિત્ઝા, ઢોંસા કે પછી તૈયાર ભોજન મંગાવતા હતા તે ઓનલાઇન બંધ છે. ટિફિન સર્વિસ બંધ થઈ ગઈ છે. જ્યાં ચાલુ છે ત્યાં આ પી.જી. જઈ શકતા નથી, જાય છે રસ્તામાં પોલીસ પરેશાન કરે છે.

હા… ઘણા બધા પેઇંગ ગેસ્ટોએ ભોજન-નાસ્તા તૈયાર કરવા માટે મહારાજ તથા રસોયણ મહિલાને કામ પર રાખીને કાયમી વ્યવસ્થા ઊભી કરી હતી, પરંતુ કોરોનાના ખોફના કારણે તેઓએ પણ કામ પર આવવાનું બંધ કરી દેતા પી.જી.ઓની મુશ્કેલી ઓર વધી ગઈ છે. ૨૨મી માર્ચથી શરૂ થયેલા લોકડાઉનના થોડાક દિવસ નાસ્તાથી ચલાવ્યું પરંતુ હવે ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે.

આ સ્થિતિમાં કેટલીક સામાજિક સંસ્થાઓ મદદે આવી હતી, પરંતુ લોકડાઉન ત્રણ સપ્તાહનું થતા તેમણેય હાથ ઊંચા કરી લીધા છે. પરિણામે પ્રતિષ્ઠા અને વિશ્વાસ જમાવી ચૂકેલા કેટલાંક પેઇંગ ગેસ્ટોેને તેમના પડોશીઓ એક ટાઇમનું ભોજન જમાડી રહ્યા છે. પણ તેની સંખ્યા આંગળીના વેઢે ગણાય તેટલી છે. આ પરેશાનીને ગુજરાતના શહેરો- ગામડાઓમાં રહેતા પેઇંગ ગેસ્ટો સુવિધા મળે તેમ પોતાના વતનમાં જવા તૈયારી કરી રહ્યા છે. કેટલાંક તો વતન પહોંચી પણ ગયા છે. પરંતુ ગુજરાત સિવાયના દેશના અન્ય રાજ્યોમાંથી આવેલા પેઇંગ ગેસ્ટો વતન જઈ શકે તેમ ન હોવાથી વર્તમાન સ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેમની હાલત જાયે તો જાયે કહાં જેવી છે. મહારાષ્ટ્ર, કેરાલા, તામિલનાડું ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાનો ખોફ છે અને લોકડાઉનનો અમલ કડકમાં કડક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન