હવે Paytm વોલેટ થશે બંધ , પેટીએમ બેન્ક શરૂ કરવાની તૈયારીમાં !

1535

પેટીએમ વોલેટ હવે પેટીએમ પેમેન્ટ બેન્ક બનવાની તૈયારી થઇ કરી રહી છે. એક અખબારમાં જાહેર નોટિસ દ્વારા કંપનીએ પોતાના ગ્રાહકોને આ સત્તાવાર જાણકારી આપી છે. કંપનીએ પોતાની નોટિસમાં કહ્યું છે કે અમને એ કહેતા ખુશી થાય છે કે આરબીઆઇ પાસેથી નવી પેમેન્ટ બેન્કની મંજૂરી મળ્યા બાદ કંપની પોતાના વોલેટ બિઝનેસને ટ્રાન્સફર કરી રહી છે. પેમેન્ટ બેન્કનું લાઈસન્સ વિજય શેખર ઝાને અપાયું છે, જે ભારતીય છે.

રિઝર્વ બેન્કની મંજૂરી મળતા બેન્ક શરૂ કરવાની દિશામાં પગરણ

નોટિસમાં કહેવાયું છે કે જો ગ્રાહક પેટીએમ વોલેટનો હવે પછી ઉપયોગ કરવા નહીં ઇચ્છતા હોય તો તેઓએ એ પોતાની પસંદગી જણાવીને પોતાનું બેલેન્સ એક વખત પોતાના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી શકે છે. એ માટે ગ્રાહકે જે ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવવા હોય એ એકાઉન્ટ ધારકનું નામ, એકાઉન્ટ નંબર અને એ બેન્કનો આઇએફએસસી કોડ જણાવવો પડશે. નાણાં પંદર દિવસમાં ગ્રાહકોના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી દેવાશે.

જો ગ્રાહક 15 જાન્યુઆરી પહેલાં આ અંગે કોઇ જાણકારી નહીં આપે તો તેમના વોલેટના નાણાં પેટીએમ પેમેન્ટ બેન્ક લિમિટેડના એક ખાસ એકાઉન્ટમાં જમા થઇ જશે. જ્યાં સુધી ગ્રાહક પોતાના બેન્કની માહિતી નહીં આપે ત્યાં સુધી એ નાણાંનો ઉપયોગ કરી શકશે નહીં.

આ ઉપરાંત જો ગ્રાહકોનું વોલેટ છેલ્લા છ મહિનાથી નિષ્ક્રિય હોય અને તેમાં ઝીરો બેલેન્સ હશે, તો એ પેટીએમ પેમેન્ટસ બેન્ક લિમિટેડમાં ત્યાં સુધી ટ્રાન્સફર નહીં થાય, જ્યાં સુધી એ ગ્રાહક એ માટે ખાસ મંજૂરી નહીં આપે.ગ્રાહાકો એપ કે વેબસાઇટનો ઉપયોગ કરી લોગ ઇન કરી માહિતી આપી શકે છે.

15 જાન્યુઆરી સુધીમાં ગ્રાહકે પોતાની પસંદગી જણાવવાની રહેશે

નોટિસમાં કહેવાયું છે કે પેટીએમ પેમેન્ટ બેન્ક લિમિટેડને આરબીઆઇ તરફથી મંજૂરી મળી ગઇ છે અને બહુ જલદી કંપની પોતાની બેન્ક ચાલુ કરી દેશે. કંપનીએ કહ્યું છે કે જો ગ્રાહક કંપનીથી હવે પછી જોડાયેલા રહેવું કે નહીં એ અંગેની અરજી 15 જાન્યુઆરી પહેલાં આપવાની રહેશે,એમ નહીં થાય તો તેમનું પેટીએમ વોલેટ તેટલી જ રકમમાં પેટીએમ પેમેન્ટ બેન્કમાં ટ્રાન્સફર થઇ જશે.