કાશ્મીરમાં શાંતિ ડહોળવા હજી પણ કેટલાક લોકોને રસ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • કાશ્મીરમાં શાંતિ ડહોળવા હજી પણ કેટલાક લોકોને રસ

કાશ્મીરમાં શાંતિ ડહોળવા હજી પણ કેટલાક લોકોને રસ

 | 2:37 am IST
  • Share

ઓવર વ્યૂ

પૃથ્વી પરનાં સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં કલમ ૩૭૦ અને ૩૫છ રદ કરવામાં આવ્યા પછી ભારત સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાંને કારણે જનજીવન સામાન્ય બની રહ્યું છે ત્યારે અલગતાવાદીઓ અને ભાગલાવાદી તત્ત્વો દ્વારા શાંતિ અને સ્થિરતાને ડહોળવા ધમપછાડા કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા જ્યારે જ્યારે પ્રગતિ, વિકાસ અને ખુશાલીનાં પગલાં લેવામાં આવે છે ત્યારે આવા અસામાજિક અને અસંતુષ્ટ તત્ત્વો તેમાં રોડા નાખવા સક્રિય બની જાય છે. આને કારણે સ્થિતિની સમીક્ષા કરવા વિદેશી રાજદ્વારીઓનું પ્રતિનિધિમંડળ કાશ્મીર આવ્યું ત્યારે આતંકીઓએ બે હુમલા કરીને શાંત પાણીમાં પથરા ફેંકવાનું કામ કર્યું હતું. જે વિસ્તારમાં રાજદ્વારીઓ હતા ત્યાંથી થોડે દૂર આવેલી રેસ્ટોરાંના માલિક અને તેના પુત્ર પર ફાયરિંગ કરીને તેમને ઘાયલ કરવામાં આવ્યા. બીજી આવી જ ઘટનામાં આતંકીએ પોલીસ જવાનોની પીઠ પાછળ હુમલો કરીને અંધાધૂંધ ફાયરિંગ કરતા બે પોલીસ જવાનો શહીદ થઈ ગયા હતા.

આ પછી શોપિયાંમાં સુરક્ષાદળો સાથે લશ્કર એ તોયબાના આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આતંકી સંગઠનો કાશ્મીરમાં હજી તેમનું અસ્તિત્વ છે અને તેઓ આતંક ફેલાવી રહ્યા છે તેવું દર્શાવવા આવા હુમલાઓ કરી રહ્યા છે. હકીકતમાં જ્યારથી કલમ ૩૭૦ હટાવવામાં આવી તે પછી કાશ્મીરના યુવાનોને ગુમરાહ કરીને ભારત વિરુદ્ધ જેહાદ જગાવવા ઉશ્કેરવામાં આવી રહ્યા છે. અગાઉ અનેક શહેરોમાં શુક્રવારની નમાજ પછી પથ્થરબાજી કરવામાં આવતી હતી. પોલીસ અને સુરક્ષાદળોએ પથ્થરબાજો પર ગાળીઓ કસતા આવી ઘટનાઓ તો બંધ થઈ ગઈ છે. અન્ય દેશોમાંથી મળતું ટેરર ફંડિંગ પણ બંધ થઈ ગયું છે. આમ છતાં ગણ્યાગાંઠયા આતંકીઓ હજી તેમનું અસ્તિત્વ ટકાવવા હવાતિયાં મારી રહ્યા છે. તાજેતરમાં કાશ્મીરમાં સ્થિતિ કેવી છે તે જોવા આવેલા વિદેશી રાજદ્વારી પ્રતિનિધિઓએ કબૂલ્યું છે કે કલમ ૩૭૦ હટાવ્યા પછી આતંકી ઘટનાઓ ઘણી ઓછી થઈ ગઈ છે. નિર્દોષ નાગરિકોની હત્યા કરવાની ઘટનાઓ પણ ઘટી ગઈ છે. શાંતિ બહાલ થઈ રહી છે. ચેન અને અમન પાછા આવી રહ્યાં છે. કાશ્મીરીઓ હવે વિકાસ અને પ્રગતિની ક્ષિતિજો ખૂલવાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.

કેન્દ્રનાં ગૃહપ્રધાન અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા વહેલામાં વહેલી તકે વિચારવામાં આવશે. હવે ત્યાં ટેલિફોન, મોબાઇલ ફોન સેવા તેમજ ઇન્ટરનેટ સર્વિસિસ ચાલુ કરવામાં આવી છે. અન્ય સેવાઓ પણ ધીમધીમે પૂર્વવત થઈ રહી છે. જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. કલમ ૩૭૦ હટાવવાનો વિરોધ પણ શમી રહ્યો છે. આ બધું અલગતાવાદીઓ અને ભાગલાવાદીઓને ખટકી રહ્યું છે, આથી તેઓ તક મળે ત્યારે આતંકી હુમલાઓ કરી રહ્યા છે.

કાશ્મીરમાં હિંસા અને અશાંતિનું મુખ્ય કારણ પાકિસ્તાન દ્વારા કાશ્મીર પર વારંવાર કરાઈ રહેલો દાવો છે. કાશ્મીરની ગુપ્તચર સંસ્થા ISI આતંકી સંગઠનો અને આતંકીઓને આશરો આપીને ભારત વિરુદ્ધ ભડકાવી રહ્યા છે અને કાશ્મીરમાં અશાંતિ સર્જવા ઉશ્કેરણી કરી રહ્યા છે. ભારતમાં આતંકીઓને ઘુસાડવામાં આવી રહ્યા છે. જોકે ભારત રાજદ્વારી રીતે આંતરરાષ્ટ્રીય મંચ પર પાક્સ્તિાનના આ નાપાક ઈરાદાઓ પરનો મુખવટો ખોલીને તેને ખુલ્લું પાડી રહ્યું છે. ભારત સરકારે અલગતાવાદી નેતાઓને નજરકેદ કરીને તેમની મેલી મુરાદ પાર પાડવાના રસ્તા બંધ કરી દીધા છે, તેમને વિદેશથી મળતું ટેરર ફંડિંગ બંધ થઈ ગયું છે. તેમના બે નંબરના વેપારધંધા બંધ કરી દેવાયા છે. આમ પાકિસ્તાનને દરેક મોરચે ઊંધા મોંએ પછડાટ ખાવી પડી છે. તમામ મોરચે પીછેહઠ અનુભવવી પડતી હોવાથી પાકિસ્તાન હવે ભુરાટું થયું છે અને સરહદી વિસ્તારોમાં વારંવાર યુદ્ધવિરામ ભંગ કરીને ભારતને ઉશ્કેરવાના પ્રયાસો કરે છે. ભારતીય આર્મીની સજાગતાને કારણે તેમાં પણ પાકિસ્તાનને શિકસ્ત વહોરવી પડી છે. રડયાખળ્યા આતંકી સંગઠનો વેરણછેરણ થઈ ગયાં છે. સ્થાનિક નાગરિકોની મદદ મળતી બંધ થઈ ગઈ છે. આથી પોતાની ગભરામણ છુપાવવા હવે કાશ્મીરમાં અશાંતિ અને હિંસાનો પલિતો ચાંપવા હવાતિયાં મારવામાં આવી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન