મગફળીનો બમ્પર પાક, પણ એક્સ્પોર્ટ માર્કેટ નરમ   - Sandesh
  • Home
  • Business
  • મગફળીનો બમ્પર પાક, પણ એક્સ્પોર્ટ માર્કેટ નરમ  

મગફળીનો બમ્પર પાક, પણ એક્સ્પોર્ટ માર્કેટ નરમ  

 | 4:26 am IST

રાજકોટ :

ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં સમયસર અને સારો વરસાદ થતા મગફળીનો આ વર્ષે બમ્પર પાક થયો છે અને તેની સામે માગ નહીંવત રહેતા સિંગદાણાનો વેપાર કરતા લોકોને જોઈએ તેવો ફાયદો મળતો નથી.ડોમેસ્ટિક માર્કેટની સાથે ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ માગ નહીંવત રહેતા સિંગદાણા નિકાસ કરતા લોકોની સ્થિતિ કફોડી બની છે તેવા સમયે સૌરાષ્ટ્રમાંથી એપ્રિલથી સપ્ટે.માસના સમયગાળા દરમિયાન રૂ. ૪ હજાર કરોડની નિકાસ થવા પામી છે.જોકે ઓવરઓલ નિકાસ રૂ.૫ હજાર કરોડ છે તેમાંથી ૮૦ ટકા નિકાસ એકલા સૌરાષ્ટ્રમાં થઈ છે.

સારા કાઉન્ટના સિંગદાણાની વિદેશમાં હંમેશને માટે માગ રહેતી હોય છે અને આ વર્ષે સિંગદાણાનો જે પાક થયો છેએ તે સારી કવોલિટીનો જ થવા પામ્યો છે ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે તે સારી વાત છે પણ હાલ લાખો ટન જથ્થો બ્લોક થઈ જવા પામ્યો છે.તેને કારણે ડોમેસ્ટિક ક્ષેત્ર મિલરોને પૂરતા પ્રમાણમાં મગફળી મળી શકતી નથી, સામે નિકાસ માર્કેટ પણ ગત વર્ષની સરખામાણીએ ઠંડી છે કેમકે પાછલા વર્ષે જે ડિમાન્ડ હતી તેની સામે આ વર્ષે ડિમાન્ડ ઓછી જોવા મળે છે. આવી સ્થિતિમાં પણ સૌરાષ્ટ્રમાંથી છ માસના સમયગાળામાં રૂ.૪ હજાર કરોડના સિંગદાણા વિશ્વના જુદાજુદા દેશોમાં નિકાસ કરવામાં આવ્યા છે.સિરામિક, સી-ફૂડ, બ્રાસ સહિતની કોમોડિટીમાં સરકાર દ્વારા એમ.ઈ.આઈ.એસ કે ડ્રો-બેક નિકાસકારોને આપવામાં આવે છે પણ સૌરાષ્ટ્રની મુખ્ય ખેતપેદાશ ગણાતી મગફળી પર કોઈ પ્રોત્સાહક જાહેરાતો કરવામાં આવી નથી. કમ-સે-કમ એમ.ઈ.આઈ.એસના બેનિફિટ સિંગદાણા નિકાસકારોને આપવા જરૂરી છે. મગફળીની સાથોસાથ કોટન કે કોટન યાર્નના નિકાસ સામે પણ કોઈ બેનિફિટ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા આપવામાં આવતા નથી. જો સરકાર દ્વારા બેનિફિટ આપવામાં આવે તો સિંગદાણાનો નિકાસ વેપાર હજુ પણ હરણફાળ પ્રગતિ સાંધી શકે તેમ છે તેમ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

કયા દેશમાં સૌથી વધુ નિકાસ (રૂપિયા લાખમાં)  

ઈન્ડોનેશિયા    ૬૧૬૯૩.૨૬

અલ્જિરિયા      ૨૮૪૩.૩૬

મલેશિયા       ૧૬૨૯૬.૯૨

નેધરલેન્ડ      ૩૧૭૬.૦૯

ફિલિપીન્સ      ૧૧૫૪૬.૬૯

ઈરાક           ૧૦૯૪.૩૦

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ડિમાન્ડની સાથે ભાવમાં ઘટાડો  

સૌરાષ્ટ્રમાં જંગી માત્રામાં મગફળીનો પાક થયો છે પણ સામે આંતરરાષ્ટ્રીય બજારમાં ડિમાન્ડની સામે ભાવ પણ ઓછા મળી રહ્યા છે.ગત વર્ષની તુલનાએ સારી કવોલિટીના સિંગદાણાના ભાવમાં ૨૦ થી ૨૫ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને અન્ય દેશના આયાતકારો દ્વારા ઓછા ભાવે ખરીદી કરી રહ્યા છે તેથી નિકાસકારોને ફટકો પડી રહ્યો છે. આ તકે કેન્દ્ર સરકાર દ્વારા પ્રોત્સાહન જરૂરી છે.

તલની નિકાસ પર ૫ ટકા ડ્રો-બેક અપાય છે 

મગફળીની સાથોસાથ તલની પણ સૌરાષ્ટ્રમાંથી મોટાભાગે નિકાસ દક્ષિણ કોરિયામાં કરવામાં આવે છે અને તેના થકી પણ વિદેશી હૂંડિયામણ દેશને મળી રહ્યું છે.તલની નિકાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ૫ ટકા ડ્રો-બેક આપવામાં આવે છે તેના કારણે નિકાસકારોને આર્થિક ફાયદો થઈ રહ્યો છે. સિંગદાણાની સાથે તલનો પાક પણ સૌરાષ્ટ્રમાં મોટી માત્રામાં લેવામાં આવે છે.

;