મગફળી કાંડ : વચેટિયાઓના બાર હજારના લાખ... સરકારના લાખના... બાર હજાર જેવો ઘાટ - Sandesh
NIFTY 10,988.05 -30.85  |  SENSEX 36,492.01 +-49.62  |  USD 68.6550 +0.14
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • મગફળી કાંડ : વચેટિયાઓના બાર હજારના લાખ… સરકારના લાખના… બાર હજાર જેવો ઘાટ

મગફળી કાંડ : વચેટિયાઓના બાર હજારના લાખ… સરકારના લાખના… બાર હજાર જેવો ઘાટ

 | 1:29 am IST

કોમોડિટી વોચઃ મિનિતા દવે

ગુજરાતમાં ચૂંટણીલક્ષી કૃષિ પાકોની ખરીદીમાં અનેક ગપગોટાળાઓ બહાર આવવા લાગ્યા છે. ખાસ કરીને તાજેતરમાં જ સરકારે ટેકાના ભાવથી ખરીદેલ મગફળીનો મોટો જથ્થો ગોંડલ સ્થિત ગોડાઉનમાં આગ લાગતા ખાખ થઇ ચૂકયો છે. અંદાજે ગોડાઉનમાં ૩૬ કરોડથી વધુની મગફળી હતી જેનો ૮૦ ટકાથી વધુ જથ્થો આગમાં ઓલવાઇ ગયો. અત્યારે ચોરે ને ચૌટે એક જ વાત ચાલી રહી છે મગફળીના ગોડાઉનમાં આગ લાગી છે કે પછી લગાડવામાં આવી છે. કેમકે સરકારી ખરીદીમાં સૌથી વધુ માલ વચેટિયાનો હતો આ ઉપરાંત મગફળીની ખરીદીમાં ગુણવત્તાની પણ ચકાસણી કરવામાં આવી ન હતી તે પણ હકીકત છે. એટલું જ નહીં ખરીદી સમયે એવું પણ બહાર આવ્યું હતું કે મગફળીનું વજન વધારવા માટે પાણીમાં પલાળીને સરકારી ખરીદીમાં માલો પહોંચાડાતા હતા. આ ઉપરાંત માટીવાળા માલો પણ જતા હતા આવા અનેક કારણો બાદ ખરીદીનો પર્દાફાશ ગમે ત્યારે થશે તેવા અહેવાલને ધ્યાનમાં રાખીને અને કોકડું ભીનું સંકેલી લેવા માટે ગોડાઉનમાં આગ લગાડાઇ હોવાનું બહાર આવી રહ્યું છે. આગ લાગી હોવાને અંદાજે દશેક દિવસનો સમય વીતી ચૂકયો છતાં હજુ કોઇ નક્કર વાસ્તવિકતા બહાર આવી નથી. અને આવે તેવું પણ જણાતું નથી.

ગુજરાતના ખેડૂતોની સાથે વચેટીઆને ચૂંટણી ફળી છે તેમ કહેવું ખોટું નથી છેલ્લા પાંચ વર્ષથી ખેડૂત વર્ગ રાજ્ય સરકારથી નારાજ હતો તેને રિઝવવા માટે સરકારે ટેકાના ભાવ ઉપરાંત વધારાનું બોનસ જાહેર કરવા ઉપરાંત મોટા પાયે ખરીદી પણ કરી છે જેના કારણે ખેડૂતોને ચાલુ વર્ષે મબલખ કમાણી થઇ છે મગફળી ઉત્પાદક ખેડૂતોની સાથે ટ્રેડરો-વચેટિયાઓ માલામાલ થઇ ગયા છે. રાજ્ય સરકારે પ્રતિ મણ ૯૦૦ના ભાવથી ૮ લાખ ટનથી વધુની ખરીદી કરી છે. સરકારે વિવિધ એજન્સીઓ મારફત મોટા પાયે ખરીદી કર્યા બાદ પખવાડિયાથી ખરીદી અટકાવી છે છતાં હજુ ખરીદી કરવામાં આવે તેવી જોરશોરથી માગ છે. પરંતુ તાજેતરમાં થયેલા બનાવને ધ્યાનમાં રાખીને હવે ખરીદીની શકયતા નહિવત્ છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને રાજી રાખવા માટે આ વર્ષે મોટા પાયે ખરીદી તો કરી પરંતુ સરકારને તેનું ધારણા મુજબનું ફળ મળ્યું નથી. ખરીફ મગફળીનું ઉત્પાદન ગુજરાતમાં જ ૩૦-૩૨ લાખ ટનથી વધુ રહેશે તે નક્કી છે. મોટા પાકના કારણે ટેકાના ભાવથી વધુ માત્રામાં ખરીદી કરાઇ છે. મગફળીની કિંમત ઊંચી રહેવાના કારણે ખાદ્યતેલ ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાદ્યતેલોમાં પેરિટી ન બેસવાના કારણે ખાદ્યતેલોના ભાવ ઊંચા રહ્યાં છે. ખાસ કરીને સિંગતેલ ડબ્બો નવી સિઝનની શરૂમાં ઘટીને ૧૫૦૦ અંદર પહોંચી ગયો હતો તે ઊંચકાઇને ફરી ૧,૬૦૦ આસપાસ બોલાઇ ગયો છે. માત્ર સિંગતેલમાં જ નહીં અન્ય સાઇડ તેલોમાં પણ મજબૂતી રહી છે. કપાસના ઉત્પાદનમાં પણ વધારો થવાનું અનુમાન છે પરંતુ કપાસ-રૂ તથા કપાસિયા-ખોળના ઊંચા ભાવના કારણે કપાસિયા તેલમાં પણ મજબૂતી રહી છે. આગળ જતા પણ સિંગતેલ તથા કપાસિયા તેલમાં મોટા ઘટાડાની શકયતાઓ નહિવત્ છે કેમ કે સરકારે બજેટમાં ખાદ્યતેલો પરની આયાત ડયૂટીમાં બમણો વધારો કર્યો છે જેના કારણે દેશમાં આયાત ઘટશે જેના કારણે સ્થાનિકમાં ભાવ સપાટી ઉંચી રહેશે તે નક્કી છે. વૈશ્વિક સ્તરે તેલીબિયાંના જંગી ઉત્પાદનથી ખાદ્યતેલોના ભાવ તળિયે પહોંચતા અને દેશમાં આયાત સર્વોચ્ચ સપાટી પર૧૪૬ લાખ ટનને વટાવી ગઇ હતી. જોકે, દેશમાં ખાદ્યતેલોની માગ વધીને ૨૨૫ લાખ ટનને આંબી ગઇ છે સામે ખાદ્યતેલોનું ઉત્પાદન ૮૫-૯૦ લાખટન આસપાસ જ છે જેથી આયાતી ખાદ્યતેલો પર સૌથી મોટો આધાર રાખવો પડી રહ્યો છે. તેલીબિયાંના ઉત્પાદન મુદ્દે સરકાર સંસ્થાઓ દ્વારા ભિન્ન-ભિન્ન અહેવાલો મળી રહ્યાં છે. વૈશ્વિક બજારોમાં અત્યારે ખાદ્યતેલોમાં ઘટાડાનો ટ્રેન્ડ છે, દેશમાં આયાત ડયૂટીમાં જંગી વધારો કરવામાં આવ્યો તેની સામે મલેશિયા અને ઇન્ડોનેશિયા દ્વારા નિકાસ પરની ડયૂટી ઘટાડાઇ જેના કારણે આયાતમાં મોટા કાપની શકયતા નથી. આગળ જતા કરન્સી ફેક્ટર કેવું કામ કરે છે તેના પર આધાર રહેલો છે. વૈશ્વિક બજારમાં ભાવ વધુ ઘટે અને કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો સતત મજબૂત બની ૬૪ અંદર બોલાઇ જાય તો આયાતમાં મોટો ઘટાડો થાય તેવું પણ જણાતું નથી. ખાદ્યતેલોની આયાત ડયૂટીમાં વધારો કરવાના કારણે આગામી સિઝનમાં ખેડૂતો તથા રિફાઇનરી ઉદ્યોગકારોને રાહત મળશે.પરંતુ અત્યારે સ્થિતિ એવી સર્જાઇ છે કે દેશમાં તેલીબિયાંના ભાવ ઊંચા આવી ગયા છે સામે ખાદ્યતેલોમાં પણ મજબૂતી છે પરંતુ જો હવે ખાદ્યતેલોમાં વધુ તેજી થાય તો ફરી મોટા પાયે આયાત થવાની શકયતાઓ વધુ રહેલી છે. બીજી તરફ ફુગાવાનો દર પણ અંદાજો કરતા ઘણો ઊંચો છે જેના કારણે મોટી તેજી પણ સરકાર માટે મોટી મુશ્કેલી સર્જશે.

ટેકાના ભાવથી ખરીદી સામે ભાવાંતર યોજના શરૂ કરવા ખાદ્યતેલ ઇન્ડ.ની માગ

કૃષિ પાકોમાં ટેકાના ભાવથી ખરીદીના બદલે ભાવાંતર યોજના શરૂ કરવી હિતાવહ છે. ખાસ કરીને મગફળીમાં સરકારે ૮ લાખ ટનથી વધુનો માલ ખરીદ કર્યો છે જેમાં ગુણવત્તાથી માંડીને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે તે હકીકત છે આ ઉપરાંત ખેડૂતની બદલે વચેટિયાઓ કમાણી કરી લે છે આવા સંજોગોમાં અત્યારે મધ્ય પ્રદેશમાં ભાવાંતર યોજના ચાલી રહી છે તે મુજબ ગુજરાત સરકાર પણ આવી રીતે યોજના શરૂ કરે અને ટેકાના ભાવ તથા બજાર ભાવ વચ્ચેનો તફાવત સીધા ખેડૂતના ખાતામાં જમા કરે તો ખેડૂત પણ રાજી થવા સાથે સરકારને માલનો બોજો ન પડે, સંગ્રહનો પ્રશ્ન ન સર્જાઇ તેમજ અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે તે વાસ્તવિક છે.

બજેટમાં ખાદ્યતેલોની આયાત ડયૂટી ફરી વધારાતા મંદીની શકયતા નહિવત્

બજેટમાં સરકારે મોટા ભાગના ખાદ્યતેલોની આયાત ડયૂટીમાં જંગી વધારો કર્યો છે જેના કારણે આયાતમાં ઘટાડો થશે તે નક્કી છે. ડયૂટીમાં વધારો થતા મોટા ભાગના તેલીબિયાં પાકોના ભાવમાં મજબૂતી આવી છે જેના કારણે ખાદ્યતેલોની કિંમતો સુધારા તરફી રહી છે. હાલના સંજોગો જોતા જ્યાં સુધી તેલીબિયાંના ભાવ નીચા નહીં આવે ત્યાં સુધી ખાદ્યતેલોમાં હવે મોટી મંદીની શકયતા અગ્રણીઓ નકારી રહ્યાં છે. ખાસ કરીને સિંગતેલ ડબ્બો ૧,૫૫૦, જ્યારે કપાસિયા તેલ ૧,૧૫૦ની અંદર જશે તેવી સંભાવના નહિવત્ છે.

  • મગફળીની સરકારી ખરીદી બાદ ગોડાઉનમાં આગ લાગતા ૩૬ કરોડથી વધુનો માલ ખાખ થયો
  • ખરીદીમાં ક્વોલિટી નહીં પરંતુ ગમે તેવા માલો ચૂંટણીને ધ્યાનમાં રાખી ખરીદાયા હોવાની અટકળો
  • મગફળીમાં પ્રતિ મણ ૯૦૦ ટેકાના ભાવમાં વચેટિયાઓ માલામાલ થયા, ગમે તેવો માલ આપી બાર હજારના લાખ કર્યા, જ્યારે સરકારે લાખના બાર હજાર કર્યા જેવો ઘાટ
  • ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન ૩૦-૩૨ લાખ ટન રહેવાના કારણે સરકારે ટેકાના ભાવ ઉપરાંત બોનસ જાહેર કરી ૮ લાખ ટનથી વધુની ખરીદી કરી
  • વિવિધ એજન્સીઓ દ્વારા સરકારે પ્રતિ મણ ૯૦૦ના ભાવે ૮ લાખ ટન ખરીદી સંપન્ન છતાં વધુ ખરીદીની માગ
  • સિંગતેલ ઉત્પાદકોની માગ : હવે સરકારી ખરીદીને બદલે ભાવાંતર યોજના શરૂ થાય તે અત્યંત જરૂરી