મગફળી ન તો ખેડૂતોને ફળી કે ન તો સરકારને ફળી - Sandesh
NIFTY 10,553.00 +13.25  |  SENSEX 34,331.24 +30.77  |  USD 64.1650 -0.14
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • મગફળી ન તો ખેડૂતોને ફળી કે ન તો સરકારને ફળી

મગફળી ન તો ખેડૂતોને ફળી કે ન તો સરકારને ફળી

 | 3:19 am IST

ઘટના અને ઘટન :- મણિલાલ એમ. પટેલ

ગોંડલ અને ગાંધીધામ બંને જગ્યાએ મગફળીનાં ગોદામમાં આગ લાગવાથી તાજેતરમાં લાખો ટન ને કરોડો રૂપિયાની મગફળી બળી ગઈ. સફાળી જાગેલી સરકારે સીઆઈડી ક્રાઇમ બ્રાંચને રાબેતા મુજબ તપાસ સોંપી દીધી છે અને તપાસાર્થે સીટની રચના થઈ છે. આગના તાણાવાણા તપાસવા તપાસનો દોર શરૂ થયો છે. કોઈ ચમરબંધીને પણ છોડાશે નહીં તેવું સરકારી આશ્વાસન પ્રજાને મળ્યું છે.

એક દાણો મગફળી કે અન્ય ખેતપેદાશ કેમ પાકે છે તેનો જેણે ખેતી નથી કરી તેને ખ્યાલ નહીં આવે. ખેડૂત માટે એક સિંગદાણો હૃદયનો ટુકડો છે, પરસેવો પાડીને પકવેલી લાખો ટન મગફળી(જો ગોદામમાં મગફળી જ હોય તો) બળી જાય તેનાથી વધુ કમનસીબી શું કહેવાય? એક બાજુ કૃષિઉત્પાદન વધારવાની ખેડૂતોને મોટી મોટી અપીલો કે અનુરોધ કરાય અને બીજી બાજુ લાખો ટન કરોડો રૂપિયાની મગફળી સ્વાહા થઈ જાય તેનાથી માત્ર મગફળી ભસ્મીભૂત નથી થતી પણ મગફળી પકવતા ખેડૂતનાં દિલ બળી જાય તેવી દુઃખદ ઘટના છે. લોકોને શંકા છે કે આગ લાગી હતી કે લગાવાઈ હતી, કેમ કે મગફળીનાં બે ગોદામમાં આગ લાગી છે. ઘણાબધા પ્રશ્નો મગફળીની આગમાંથી ઉદ્ભવે છે. એક તો ખેડૂતને મગફળીની ખેતીમાં કસ નથી એમ લાગતાં તે કપાસ કે અન્ય પાકો તરફ વળ્યો છે, કેમ કે મણના અંદાજે રૂ. ૧,૨૦૦થી ૧,૫૦૦ સુધીનું ઉત્પાદનખર્ચ ખેડૂતને આવે છે તેની સામે તેને બજારમાં રૂ. ૭૦૦માં વેચવી પડે છે અને સરકાર ટેકાના ભાવે ખરીદે તો રૂ. ૯૦૦ મળે છે. આમ ટેકાના ભાવ છતાં તેને કોઈ ટેકો મળતો નથી. ઉત્પાદનખર્ચ જ ન મળતું હોય તો પછી નફાનો તો પ્રશ્ન જ ક્યાં રહ્યો? એમાંયે ખેડૂતો સસ્તા ભાવે મગફળી વેચી મારે પછી સરકાર ટેકાના ભાવ જાહેર કરે અને પછી ખરીદવાનું શરૂ કરે. આમ આખી પ્રક્રિયામાં ઘણો વિલંબ થતો હોય છે ત્યારે ખેડૂત લાંબો સમય મગફળી સંઘરી રાખે તેવી તેની આર્થિક સ્થિતિ હોતી નથી, એટલે જે મળે તે ભાવે વેચીને જે મળે તે ઘરભેગું કરી લે છે, કેમ કે તેની મજબૂરી છે. એક બાજુ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની મોટી વાતો થાય છે તો બીજી બાજુ મગફળી બળી જાય છે અને ખેડૂતોને નર્મદામાંથી સિંચાઈનું પાણી મળવાનું નથી તેવી સરકાર ખુદ વિધિવત્ સત્તાવાર જાહેરાત કરે છે, તો ખેતી કેવી રીતે થશે તે પ્રશ્ન છે. મગફળી બળે છે અને નર્મદાનું પાણી ગુમ થઈ જાય છે. નર્મદાનું પાણી કોને મળે છે અને મગફળી કોને ફળે છે તે સૌને મૂંઝવતો પ્રશ્ન છે. મગફળીની આગ કોને ફળી એ તપાસનો વિષય છે પણ મગફળીની આગથી નથી ખેડૂતોને ફાયદો થયો કે નથી સરકારને ફાયદો થયો. બંનેનાં લલાટે તો નુકસાન જ લખાયેલું છે. સરકારને તો બેવડું નુકસાન છે. એક તો કરોડો રૂપિયા ચૂકવ્યા છતાં દાણો પણ મગફળી મળી નહીં, તો ખેડૂતને સસ્તા ભાવે બજારમાં વેચવી પડે છે અને ટેકાના ભાવ પૂરતા હોતા નથી. મગફળીને કોણે ફોલી ખાધી તે પ્રશ્ન મૂંઝવે તેવો છે, સાથે સાથે માગફળી બળી કે ફોતરાં ને ધૂળ તે પ્રશ્ન પણ ઉદ્ભવે છે.

પ્લાસ્ટિકના કે ભંગારનાં ગોદામમાં કે કોઈ કારખાનામાં આગ લાગે તે સમજી શકાય પણ કૃષિપેદાશો પડી છે ત્યાં આગ લાગે તે ન સમજી શકાય તેવી ઘટના છે. વળી, કહેવાય છે કે આવાં ગોદામોમાં વીજકનેક્શન પણ હોતું નથી તો પછી આગ કેવી રીતે લાગે? આગ પણ કેવી-સામાન્ય નહીં. તેને બુઝાવતાં ત્રણ-ચાર દિવસ લાગ્યા. આવડી મોટી આગ કેવી રીતે લાગી? આજે જાહેર રસ્તા પર પણ સીસીટીવી કેમેરા હોય છે તો જ્યાં કરોડો રૂપિયાની કૃષિપેદાશ પડી છે ત્યાં સીસીટીવી કેમેરા ન હતા, યા હતા તો ચાલુ સ્થિતિમાં હતા કે નહીં? અહેવાલો એવું કહે છે કે મગફળી નથી બળી ફોતરાં, માટી ને ગૂણી બળી છે! કેમ કે કહેવાય છે કે ગુણોમાં મગફળી હતી જ નહીં, તો ખરીદાયેલી મગફળી ક્યાં ગઈ? સરકારને પણ ગંધ આવી ગઈ હતી એટલે ટેકાના ભાવે મગફળીની ખરીદી સ્થગિત કરી દીધી હતી અને પુનઃ ખેડૂતોની માગ આવતાં ચાલુ કરવી પડી, કેમ કે ઘણા અસલી ખેડૂતોને મગફળી વેચવાની બાકી હતી. આ તો ખેડૂતો પાસેથી સસ્તામાં ખરીદીને ટેકાના ભાવે સરકારને વચેટિયાઓએ પધરાવેલી મગફળી હતી તેવા પણ આક્ષેપો વિપક્ષ તરફથી થયા છે. મગફળીમાં ધૂળ, માટી કે ફોતરાં હતાં તો શું ખરીદતી વખતે ચકાસણીની કોઈ વ્યવસ્થા જ ન હતી તેવો પ્રશ્ન થાય છે. આગ બુઝાવવા ત્યાં પૂરતાં પાણીની કાયમી વ્યવસ્થા છે કે નહીં? આ બધા પ્રશ્નો આપણું તંત્ર પાયાથી ટોચ સુધી કેવું સડેલું છે તેની પ્રતીતિ કરાવે છે.

ઘોડો તબેલેથી છૂટી ગયા પછી તબેલે તાળું મારવા જેવી તપાસની વાતો હવે થાય છે. આગની અગાઉ ચેતવણી અપાઈ હોવા છતાં તે પ્રશ્ને ઉપેક્ષા સેવાઈ હોવાની વાતો બહાર આવી છે. બધી તપાસની પેઠે ચોકિયાત, સ્ટોરકીપર કે વેલ્ડિંગ કરનાર જેવાં નાનાં માછલાંને કસૂરવાર ઠેરવીને મોટા મગરમચ્છો છટકી જશે તેવી પણ પ્રજાકીય ભીતિ વ્યક્ત થઈ રહી છે, કેમ કે હવે સરકારી તપાસમાં પ્રજાને ઝાઝો વિશ્વાસ રહ્યો નથી. આવી તપાસ સત્ય શોધવા કરતાં કસૂરવારોને બચાવવામાં વધુ મદદરૂપ થતી હોય તેવી લોકલાગણી પ્રવર્તે છે. સસ્તા ભાવે ખરીદેલી મગફળી ટેકાના ભાવે સરકારને પધરાવી દેવાનું કૌભાંડ હોવાની શંકા પ્રજાને જાય છે, જેથી સમગ્ર કૌભાંડ પર પડદો પડી જાય. એક બાજુ દેશભરમાં ખેડૂતોનો આક્રોશ વધી રહ્યો છે. ખેડૂતોની સ્થિતિ કથળી રહી છે. અંદાજપત્રમાં પણ સરકારે ખેડૂતોને દોઢા ખેતપેદાશના ભાવો મળે તેવો વાયદો કર્યો છે. પોષણક્ષમ ભાવોના અભાવે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે ત્યારે આવી આગ સરકારની આંખ ઉઘાડનારી અને તંત્રનાં દિલમાં આગ લગાડનારી બોધક બની રહેવી જોઈએ. મગફળીની આગ અને નર્મદાનું પાણી ખેડૂતોનાં દિલને દઝાડે તેવી ઘટનાઓ છે તે સરકાર માટે ચિંતા અને ચિંતનનો વિષય બનવો જોઈએ ને બંને ઘટનાઓની તલસ્પર્શી તપાસ થકી કસૂરવારોને કડક સજા થવી જોઈએ ને મોટો મગર કે માથું છટકી ન જવા જોઈએ.