Peanuts Best Farming At Success Farmers in Gujarat
  • Home
  • Agro Sandesh
  • મગફળી-ચણાના લીલા ઓળાની ખેતીમાં કોઠાસૂઝથી કમાણી કરતા ગુંદાસરના ખેડૂત  

મગફળી-ચણાના લીલા ઓળાની ખેતીમાં કોઠાસૂઝથી કમાણી કરતા ગુંદાસરના ખેડૂત  

 | 12:00 pm IST

મારું ગામ : નાગજીભાઈ વઘાસિયા

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામના વડીલ ખેડૂત કોઠાસૂઝથી ટૂંકાગાળામાં જ ત્રણ-ત્રણ પાકની ખેતીમાં સારી કમાણી કરી રહ્યા છે. મગનભાઈ પોપટભાઈ બારસિયાએ મગફળીના લીલા ઓળાની ખેતી અપનાવેલ છે. તેમની વાડી પર રૂબરૂ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન તેમને ટૂંકી જમીન છતાં ત્રણ પાક લેવાનો વિચાર કેવી રીતે આવ્યો તેમ પૂછતાં મગનભાઈએ જણાવેલ કે બજાર અને ગ્રાહકની માંગને ધ્યાનમાં રાખીને વાડીએ બેઠા સારામાં સારા ભાવ મળે અને ફટાફટ વેચાણ થાય વળી ખેતરમાં કયો પાક લેવો જેથી વધુમાં વધુ ઉત્પાદન મળે એવો વિચાર કરી મગફળીના ઓળાનો પાક લીધા બાદ કાબુલી મોટા ચણાના ઓળાની ખેતી કરી છે.તેમાં એક પાક લીધા બાદ તુરત જ ફરીથી કાબુલી મોટા ઓળાના ચણાનું વાવેતર કર્યું. અમારે પાણીની સારી વ્યવસ્થા હોવાથી મગફળીના લીલા ઓળા અને બે કાબુલી મોટા ઓળાના ચણા એમ એક પછી એક કુલ ત્રણ પાકનું વાવેતર કર્યુ અને માત્ર ૭થી ૭।। માસમાં ત્રણે પાકની કમાણી કરી

વધુમાં ખેડૂતે જણાવેલ કે મગફળી-ચણા મોટા કાબુલી લીલા ઓળાની ખેતીમાં કાવડિયાં સારાં મળે અને મોંમાંગ્યા ભાવ મળે. ખાસ મોટો પોપટો અને દાણો મોટો હોય એટલે બજારભાવ સારા મળે વળી લીલા વેચાણ થાય એટલે મણુકા પણ વધુ નીકળે અને જો ઉધડ વેચાણ આપો તો રોકડાં નાણાં જ લેવાનાં રહે. ત્રણ પાક માટે જમીનની કેવી તૈયારી કરી હતી એવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે ચાલુ વર્ષે ૧૬ વીઘામાં સાદી ખેડ કરી પાયાનું ખાતર એનપી વીઘે ૧૦/૧૨ કિલો નાખ્યું હતું. બીજ ચોપણી અંગે કહ્યું કે મોટા દાણામાં વીઘે ૩૫/૪૦ અને નાના દાણામાં વીઘે ૩૦ કિલો નાખ્યા હતા.વૈશાખ માસના છેલ્લા ૪/૫ દિવસ હતા ત્યારે ક્યારા બનાવી કોરામાં બે હાર વચ્ચે ૧૮ ઈંચના અંતરે વાવેતર કર્યું હતું. લીલા ઓળાની પાક મુદત ૭૦/૮૦ દિવસ. વધુ ઉત્પાદન માટેના ઉપાય અંગે મગનભાઈએ જણાવ્યું કે કમાણી કરવી હોય તો જમીન પોષકતત્ત્વોથી ભરેલી હોવી જોઈએ તેની સામે રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડવો જેથી ઉત્પાદન પણ વધુ મળે છે. આ માટે ખાસ ઉનાળે ચાસમાં ગળતિયું છાણિયું ખાતર અચૂક ભરવાનું. કોરામાં મગફળીના દાણાનું વાવેતર કર્યા બાદ તુરત જ પિયત આપવું. બીજું પિયત ચોથા દિવસે અને ત્રીજું વાવેતર કર્યા બાદ ૧૦મા દિવસે આપવું. બાકી જમીનની પરત મુજબ પિયત આપવું.વરસાદ ખેંચાય તો એકાદ પિયત આપો ત્યાં ઓળા તૈયાર થઈ જાય.

મગફળીમાં વાવેતર કર્યા બાદ ૨૫/૩૦ દિવસે ફૂલ બેસે છે. જ્યારે ફૂલ બેસવા માંડે ત્યારે એક દાઢાવાળી રાપડીમાં નાના પતરાં બાંધી દેવાનાં પછી સાતી ચલાવવું એટલે મગફળીના માળા ચડી જાય જેથી સુયા સારા બેસે અને ડોડવાનું બંધારણ પણ સારું થાય.

મગફળીમાં વાવેતર કર્યા બાદ ૨૫ દિવસે પૂરક ખાતર વીઘે ૧૨/૧૫ કિલો માત્ર એક જ વખત ડીએપી નાખવાનું પછી કોઈ ખાતરની જરૂર નહીં, કારણ કે શરૂઆતમાં જ છાણિયું ખાતર ભરેલું છે.

ઓળાની મગફળીમાં રોગ આવે તેવી રાહ નહીં જોવાની ૨થી ત્રણ વખત દવાનો છંટકાવ અચૂક કરવો.

મગફળીના લીલા ઓળાનું ઉત્પાદન એક વીઘામાં ૫૦ મણનું આવે અને વેચાણ વાડીએ બેઠા એક વીઘાના ઉધડ ૨૫/૩૦ હજાર રૂપિયા મળે છે. બીજ, દવા, ખાતર કુલ રૂ.૫થી ૬ હજાર માંડ ખર્ચ થાય. ઉધડમાં ફાયદો એ કે વરસાદ ન હોય તો મગફળીની ઠાલ (પશુચારો) ગૌશાળામાં કે જરૂર હોય તો વેચાણ પણ આપી શકાય. છેલ્લાં ૩૦ વર્ષથી મગફળીના લીલા ઓળાની ખેતી અપનાવેલ વડીલ ખેડૂતે મગફળીના લીલા ઓળામાં ટૂંકાગાળામાં ત્રણ પાકની ખેતીમાં રોકડ અને સારી કમાણી મળતી હોવાનું જણાવ્યું હતું.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન