peninsular-india-recorded-the-highest-rainfall-since-november-1901
  • Home
  • India
  • દ્વીપકલ્પીય ભારતમાં નવેમ્બરમાં 1901 પછીનો સૌથી વધુ વરસાદ નોંધાયો

દ્વીપકલ્પીય ભારતમાં નવેમ્બરમાં 1901 પછીનો સૌથી વધુ વરસાદ નોંધાયો

 | 11:49 pm IST
  • Share

  • દેશમાં નવેમ્બરમાં 645 વાર ભારે વરસાદ અને 168 વાર અત્યંત ભારે વરસાદ નોંધાયો જે પાંચ વર્ષમાં સર્વાધિક

  • આંધ્રપ્રદેશ, તામિલનાડુ, પોંડિચેરી, કેરળ અને કર્ણાટકમાં પાછલા મહિને 169 ટકા વધારાનો વરસાદ પડયો

ભારતના દ્વીપકલ્પીય રિજનમાં નવેમ્બર મહિના દરમિયાન 1901 પછીનો સૌથી વધારે વરસાદ નોંધાયો છે, જેમાં આંધ્રપ્રદેશ, તામિલનાડુ, પોંડિચેરી, કેરળ અને દક્ષિણના ઇન્ટિરિયર કર્ણાટકમાં પાછલા મહિને 169 ટકા વધારાનો વરસાદ નોંધાયો હતો તેમ ભારતીય હવામાન ખાતાએ બુધવારે જણાવ્યું હતું.

સમગ્ર દેશની વાત કરીએ તો આઈએમડી અનુસાર દેશમાં નવેમ્બર મહિના દરમિયાન 645 વાર ભારે વરસાદ નોંધાયો હતો અને 168 વાર અત્યંત ભારે વરસાદ નોંધાયો હતો, કે જે પાછલા પાંચ વર્ષમાં સર્વાધિક છે. નવેમ્બર મહિનામાં 11 વાર અત્યાધિક વરસાદ નોંધાયો હતો કે જે પાછલા વર્ષના સમાનગાળાના આંકડાને સમકક્ષ છે.

આઈએમડી અનુસાર ભારે વરસાદનો અર્થ 64.5 એમએમથી 115.5 એમએમ, અત્યંત ભારે વરસાદનો અર્થ 115.6 એમએમથી 204.5 એમએમ થાય છે. નોંધનીય છે કે ભારે વરસાદને પગલે આંધ્રપ્રદેશમાં 44, તામિલનાડુમાં 16, કર્ણાટકમાં 15 અને કેરળમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં.

નવેમ્બર મહિનામાં સામાન્ય રીતે 30.5 એમએમ વરસાદ પડતો હોય છે તેને બદલે આ વર્ષે 56.5 એમએમ વરસાદ નોંધાયો હતો એટલે કે સામાન્યની તુલનાએ 85.4 ટકા વધારે વરસાદ પડયો હતો.

ડિસેમ્બરમાં પણ આશરે 132% વરસાદ થશે

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ભારતના દ્વીપકલ્પીય રિજનમાં ડિસેમ્બર દરમિયાન પણ પરિસ્થિતિ હળવી થવાની શક્યતા નથી. ડિસેમ્બરમાં લાંબાગાળાની સરેરાશના 132 ટકાની આસપાસ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. નોર્થ આંધ્રપ્રદેશ અને ઓડિશાના કિનારાના ભાગો માટે સાઇક્લોન વોચ પણ ઇશ્યૂ કરવામાં આવી છે. સાઉથ ઈસ્ટ અને તેની સાથે સંકળાયેલા રિજનમાં ગુરુવારે ડિપ્રેશન સર્જાય તેવી સંભાવના છે અને બંગાળની મધ્ય ખાડી ઉપર ગુરુવાર સુધીમાં સાઇક્લોનિક સ્ટોર્મ ઉગ્ર બને તેવી સંભાવના છે.

તોફાન જોવાડની અસર જોવા મળશે

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર તોફાન જોવાડની અસરરૂપે ઓડિશા અને પશ્ચિમ બંગાળના સમુદ્ર કાંઠાના જિલ્લાઓ, આંધ્ર પ્રદેશના ઉત્તરિય તટવર્તી વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર-પૂર્વિય રાજ્યોમાં પાંચથી છ ડિસેમ્બરે ભારે વરસાદ થશે. આ તરફ દક્ષિણ પુર્વિય અરબ સાગર પર પણ એક ઓછા દબાવનું ક્ષેત્ર બનેલું છે. તેની અસરરુપે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને આસપાસના ક્ષેત્રોમાં વરસાદ પડશે તેમ હવામાન ખાતાએ જણાવ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો