People are terrified of the fracture gangsters in Ahmedabad
  • Home
  • Ahmedabad
  • ફ્રેકચર ગેંગના ગુંડાઓ દીપક કાઠી, અશોક, જયસિંહ, હરિન્દરની દહેશતથી લોકો ત્રાહિમામ્

ફ્રેકચર ગેંગના ગુંડાઓ દીપક કાઠી, અશોક, જયસિંહ, હરિન્દરની દહેશતથી લોકો ત્રાહિમામ્

 | 7:30 am IST
  • Share

  • એક દાયકા બાદ ફ્રેકચર ગેંગ પૂર્વ વિસ્તારમાં ફરીથી બેફામ સક્રિય થતાં ચોતરફ ભયનો માહોલ

  • ફ્રેકચર ગેંગના 16 સભ્યો વિરૂદ્ધ પોલીસ ચોપડે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. 

  • રાજકારણી, બિલ્ડરો, ભૂમાફિયા અને માથાભારે શખ્સો સાથે હાથ મિલાવી ફરી માથું ઊંચક્યું

     

પૂર્વ વિસ્તારમાં ફ્રેકચર ગેંગના સભ્યોએ એક દસકા બાદ ફરી માછું ઉચંકી આતંકનો દોર શરૂ કરતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ફ્રેકચર ગેંગના દિપક કાઠી, અશોક ગોસ્વામી, જયસિંગ અને હરેન્દ્ર ઉર્ફ લાભુ સહીતના 16 જેટલા સભ્યોને ક્રાઈમબ્રાંચ અને સ્થાનિક પોલીસે એક દસકા અગાઉ કડક કાર્યવાહી કરી જેલ હવાલે કર્યા હતા. ફ્રેકચર ગેંગની દહેશત સમાપ્ત થતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો ત્યાં જ ફરી રાજકીય છત્રછાયા, ભુમાફીયાઓ સાથે ઘરોબો કરી ફ્રેકચર ગેંગએ માથું ઊચક્યું છે. છેલ્લા અઠવાડીયામાં ફ્રેકચર ગેંગના લિડરો વિરૂદ્ધ ચાર ફરિયાદો નોંધાઈ છે. જેમાં યુવકે ગેંગના સભ્યોના ત્રાસથી આત્મહત્યા કરી, મારામારી, ધાકધમકી અને એટ્રોસિટી એક્ટ જેવા ગુનાનો સમાવેશ થાય છે. પૂર્વ વિસ્તારમાં દહેશત ફેલાવનાર ફ્રેકચર પાછળ કયા રાજકીય વ્યક્તીઓનો હાથ છે તેની પણ વિસ્તારમાં જોરશોરથી ચર્ચા શરૂ થઈ છે.

ફ્રેકચર ગેંગના 16 સભ્યો વિરૂદ્ધ પોલીસ ચોપડે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. નિકોલ અને ઓઢવ પોલીસ સ્ટેશનના આ ગેંગના સભ્યો વિરૂદ્ધ અનેક ગુના નોંધાયેલા છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ ફ્રેકચર ગેંગનો એક દસકા પહેલા મુખ્ય સૂત્રધાર હરેન્દ્ર ઉર્ફ હરિન્દર અને દિપક કાઠી હતા. આ બન્નેના સંચાલનમાં સમગ્ર ગેગના સભ્યો એક્ટીવ હતા જો કે, છેલ્લા કેટલાક સમયથી આ સંચાલન અશોક ગોસ્વામી અને જયસિંહે હાથમાં લીધું છે. આ ગેંગના સભ્યોના માથે ખૂન, ખુનની કોશિષ, મારામારી, ખંડણી, ફાયરિંગ જેવા અનેક ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે. ફ્રેકચર ગેંગના અશોક ગોસ્વામી અને જયસિંહ પોતાના રાજકીય અને પોલીસના સંપર્કોનો ઉપયોગ કરી ગેંગના સભ્યોને છોડાવવા સાથેનું આયોજન કરે છે. આ ઉપરાંત પ્રોહીબીશનના ગુનામાં પણ જયસિંહે પોતાનું કદ અલગથી ઉભું કર્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ જયસિંહનો બંશી નામના બુટલેગર સાથે ઘરોબો છે. બંશી અને જયસિંહે અમદાવાદ શહેરમાં પોતાના દારૂના ધંધાનો મોટા પાયે વિસ્તાર કર્યો છે. આ માટે પોલીસ સાથે ગાઢ સંપર્કો ધરાવનાર બંશીને રાજકીય છત્રછાયા જયસિંહને કારણે મળી હોવાની પણ ચર્ચા છે. ફ્રેકચર ગેંગના માથે રાજકીય નેતાઓના હાથ પડતાં પોલીસ પણ આ ગેંગના સભ્યો વિરૂદ્ધ ફરિયાદ લેવાનું ટાળતી હતી. જો કે, પૂર્વ વિસ્તારના એક આઈપીએસ અધિકારીએ આ ગેંગની કમર તોડવાનો નિર્ણય લીધો છે પરંતુ તેઓના આ શુભ કાર્યમાં રાજકારણીઓ અને અમુક આઈપીએસ અધિકારીઓ રોડા ના નાંખે તો સારૂ તેવી લોકોમાં ચર્ચા છે.

ફ્રેકચર ગેંગ મુદ્દે સેક્ટર-2ના જેસીપી ગૌતમ પરમારએ જણાવ્યું હતું કે, *ફ્રેક્ચર ગેંગના સભ્યો અંગે વિગતો એકત્ર કરી કાર્યવાહી કરવા માટે ઝોન-5 ડીસીપી અચલ ત્યાગીને સૂચના અપાઈ છે. આ ઉપરાંત ફ્રેકચર ગેંગ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે અમે તેઓનો ગુનાઈત ઈતિહાસ ચેક કરીએ છીએ. ફેક્ચર ગેંગના સભ્યોએ આચરેલા ગેરકાયદે કૃત્ય અંગે અમે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. આ ગુનાઓમાં અમુક આરોપીઓ ની ધરપકડ પણ કરવામાં આવી તેમજ અન્યોની શોધખોળ ચાલી રહી છે.*

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો