'ગુજરાતીઓ UP છોડો', PMના મતક્ષેત્ર વારાણસીમાં લાગ્યા પોસ્ટરો - Sandesh
  • Home
  • India
  • ‘ગુજરાતીઓ UP છોડો’, PMના મતક્ષેત્ર વારાણસીમાં લાગ્યા પોસ્ટરો

‘ગુજરાતીઓ UP છોડો’, PMના મતક્ષેત્ર વારાણસીમાં લાગ્યા પોસ્ટરો

 | 8:23 pm IST

ગુજરાતમાં દુષ્ક્રર્મની ઘટનાનો હવાલો આગળ ધરી પરપ્રાંતિયો અને ખાસ કરીને ઉત્તર ભારતીયો પર થઇ રહેલ હુમલાની વકરતી આગનાં ધુમાડા પ્રધાનમંત્રીનાં મતક્ષેત્ર વારાણસીમાં જોવા મળી રહ્યા છે. વારાણસીમાં લાગેલા વડાપ્રધાન અને મહારાષ્ટ્રીયનને UP છોડવાનાં આલ્ટીમેટમ આપતા પાસ્ટરોએ રાજકીય ગરમાવા સાથે-સાથે ગુજરાત પ્રત્યે ઉત્તર ભારતીયોનાં મનમાં પાંગરતી નફરત પણ ઉજાગર થઇ રહી છે.

ગુજરાતમાં ઘટી રહેલ પ્રાંતવાદી વારદાતોએ દેશભરમાં રાજકીય ઉત્તેજનાને જન્મ તો આપ્યો જ છે, પરંતુ UP અને બિહારમાં આ બનાવોનાં ઉંડા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. વારાણસીમાં વસતા સમસ્ત ગુજરાતી અને મહારાષ્ટ્રીયનને એક અઠવાડીયામાં વારાણસી છોડવાની અપીલ કરતા આ પોસ્ટરો યુપી-બિહાર એકતા મંચ દ્રારા લગાવવામાં આવ્યા છે. યુપી-બિહાર એકતા મંચ દ્રારા ગુજરાતમાં થઇ રહેલ ઉત્તર ભારતીયો પરનાં હુમલા મામલે કડક વિરોધ વ્યક્ત કરવામાં આવવાની સાથે સાથે ગર્ભીત ધમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો એક અઠવાડીયામાં વારાણસી નહીં છોડવામાં આવે તો માંઠા પરીણામો ભોગવવા માટે તૈયાર રહેવું.

આપને જણાવી દઇએ કે ગુજરાતનાં સાબરકાંઠા જીલ્લામાં એક બીન-ગુજરાતી દ્રારા 14 વર્ષની માસુમ બાળકી પાશવી દુષ્કર્મ કરવાની ઘટના બાદ આ મામલો ગરમાયો હતો. ભોગ બનનારી બાળકી ગુજરાતનાં ઠાકોર સમાજની છે એટલા માટે હુમલામાં ઠાકોર સેનાનું નામ જોડાય રહ્યું છે. વધતા હુમલાનાં કારણે ગુજરાતમાં રોજીરોટીની ખેવનામાં વસેલા હજારો બીન-ગુજરાતી અને ખાસ કરીને યુપી, બિહાર અને મધ્યપ્રદેશનાં લોકો હિજરત કરવા મજબુર બન્યા છે.

એક અંદાજ મુજબ હુમલાનાં ભયથી લગભગ 20 હજાર કરતા વધુ બીન-ગુજરાતી ગુજરાત છોડી ચૂક્યા છે. ત્યારે ગુજરાત પોલીસ દ્રારા બીન-ગુજરાતીઓને નિશાન બનાવનારા આશરે સાડા પાંચસૌ થી વધારે લોકોને ઝડપી જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. તો 29થી વધુ લોકોની સામે કડક પગલા પણ ભરવામાં આવ્યા છે. ત્યારે ક્યાંક સામાન્ય ભારતીયમાં “પાડાના વાંકે પખાલીને ડામ જેવી” ભાવના જન્મી રહી છે.