People congratulate Hydrabad Police and Some other raised question
  • Home
  • Featured
  • હૈદરાબાદ એન્કાઉન્ટર: દેશમાં જશ્નનો માહોલ તો આ જાણીતી હસ્તીઓએ ઉઠાવ્યા સવાલ, કહ્યું- યોગ્ય નથી

હૈદરાબાદ એન્કાઉન્ટર: દેશમાં જશ્નનો માહોલ તો આ જાણીતી હસ્તીઓએ ઉઠાવ્યા સવાલ, કહ્યું- યોગ્ય નથી

 | 1:09 pm IST

હૈદરાબાદમાં પશુ ચિકિત્સક સાથે દુષ્કર્મ અને ક્રૂર હત્યા મામલે ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. પોલીસની આ કામગીરીને આખા દેશમાં સામાન્ય જનતા દ્વારા બિરદાવવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ જાણીતી હસ્તીઓમાં આ કાર્યવાહીને લઈ મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

તેલંગાનાના કાયદામંત્રી આને ભગવાનનો ન્યાય તો પીડિતાના પિતા આ કાર્યવાહી માટે પોલીસનો આભાર માની રહ્યા છે. જ્યારે દિલ્હી ગેંગરેપ પીડિતા નિર્ભયાની માતાએ આ પોલીસ કાર્યવાહીને યોગ્ય ગણાવી છે.

તેલંગાણાના કાયદામંત્રી, ઇન્દ્રકરણ રેડ્ડી:

કાયદાકીય પ્રક્રિયા પહેલા જ ભગવાને તેમને સજા આપી છે. આરોપીઓએ ભાગવાની કોશિશ કરી હતી અને માર્યા ગયા. આ કારણે હૈદરાબાદ સહિત આખા દેશમાં ખુશીનો માહોલ છે.

દિલ્હી ગેંગરેપ પીડિતા નિર્ભયાની માતા:

હૈદરાબાદ પોલીસને ધન્યવાદ, આનાથી મોટો ન્યાય હોઈ જ ના શકે. હવે જલ્દી નિર્ભયાના આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ. સજામાં મોડું થતા કાયદાકીય વ્યવસ્થા પર સવાલ ઉભા થાય છે.

હૈદરાબાદ રેપ પીડિતાના પિતા:

મારી દીકરીના મોતને 10 દિવસ થયા છે. હું સરકાર અને પોલીસનો આભાર માનું છું. મારી દીકરીની આત્માને શાંતિ મળશે.

હૈદરાબાદ ગેંગરેપ વિક્ટિમની બહેન:

આરોપીઓનું એન્કાઉન્ટર થયું છે. હું આ સાંભળીને ખુશ છું. આ એક ઉદાહરણ છે. રેકોર્ડ ટાઇમમાં ન્યાય મળ્યો છે. હું એવા લોકોનું આભાર માનું છું જે મુશ્કેલ સમયમાં મારી સાથે ઉભા રહ્યા.

ઉમા ભારતી, બીજેપી ઉપપ્રમુખ:

એન્કાઉન્ટરની ઘટનાને અંજામ આપનારા બધા પોલીસ અધિકારી શુભેચ્છાના પાત્ર છે. હું હવે વિશ્વાસ કરી શકું છું કે બીજા રાજ્યોમાં સત્તા પર બેઠા લોકો આરોપીઓને જલ્દી સજા કરશે.

અનુપમ ખેર, અભિનેતા:

ચાલો, હવે જેટલા લોકોએ આવું જઘન્ય અપરાધ કરનારાઓ સામે આવાજ ઉઠાવ્યો હતો અને કડક સજા કરવાની માગ કરી હતી. એવા બધા મારી સાથે બોલો ‘જય હો’.

યોગગુરુ, રામદેવ:

પોલીસે જે પણ કર્યું તે સાહસપૂર્ણ કામ છે. મને લાગે છે કે ન્યાય થયો છે અને જે કાયદાકીય સવાલ ઉભા થઈ રહ્યા છે તે અલગ વાત છે. મને લાગે છે કે દેશની જનતાને હવે સંતોષ મળશે.

માયાવતી, યુપીની ભૂતપૂર્વ મુખ્યમંત્રી:

યુપીમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ વધી રહ્યા છે. પરંતુ પ્રદેશ સરકાર ઊંઘી રહી છે. યુપી અને દિલ્હી પોલીસે હૈદરાબાદ પોલીસથી શીખવાની જરૂર છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે અહિં આરોપીઓને મહેમાનોની જેમ જોવામાં આવે છે. કારણ કે યુપીમાં હાલ જંગલરાજ છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર:

કાયદાકીય વ્યવસ્થાની હટીને આ પ્રકારના એન્કાઉન્ટર યોગ્ય નથી. આપણે વધુ જાણવાની જરૂર છે. જો ક્રિમિનલ્સ પાસે હથિયાર હતા તો પોલીસ પોતાની કાર્યવાહીને યોગ્ય ગણાવી શકે છે. જ્યાં સુધી સંપૂર્ણ વાત સામે ના આવે ત્યાં સુધી આપણે ટીકા ના કરવી જોઈએ. પરંતુ કાયદાથી ચાલતા સમાજમાં આ પ્રકારની ગેરકાયદાકીય હત્યાઓને યોગ્ય ના ગણાવી શકાય.

મેનકા ગાંધી, બીજેપી સાંસદ:

જે પણ ઘટના બની એ ખૂબ જ ભયાનક છે દેશ માટે. તમે કોઈને એટલા માટે નથી મારી શકતા કારણ કે તમે એને મારવા માંગો છો. તમે કાયદાનું ઉલ્લંઘન ના કરી શકો. એ લોકો(આરોપી) ને ક્યારેક તો ફાંસીની સજા જરૂર થઈ હોત.

અરવિંદ કેજરીવાલ, દિલ્હી સીએમ:

એન્કાઉન્ટર પર લોકો ખુશી અને સંતોષ જાહેર કરી રહ્યા છે. પરંતુ ચિંતાની વાત છે કે લોકોનું ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમથી વિશ્વાસ ઉઠી ગયો છે. આ અંગે દરેક સરકારે મળીને વિચાર કરવાની જરૂર છે. ઉપરાંત એન્કાઉન્ટર પર સમાજવાદી પાર્ટી સાંસદ જયા બચ્ચને કહ્યું કે ‘દેર આએ, દુરુસ્ત આએ’

આ વીડિયો પણ જુઓ: હૈદરાબાદ એન્કાઉન્ટર મુદ્દે રાજકોટની યુવતીઓની પ્રતિક્રિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન