હોંગકોંગમાં સડકો પર લોકોનું ઘોડાપૂર - Sandesh
  • Home
  • World
  • હોંગકોંગમાં સડકો પર લોકોનું ઘોડાપૂર

હોંગકોંગમાં સડકો પર લોકોનું ઘોડાપૂર

 | 3:06 am IST

। હોંગકોંગ ।

હોંગકોંગની સંસદમાં લવાયેલા નવા પ્રત્યર્પણ ખરડાના વિરોધમાં બુધવારે હજારો હોંગકોંગવાસીઓએ સડકો પર ઊતરીને સરકાર તથા ચીન વિરોધી દેખાવો કર્યા હતા. એક તરફ સંસદમાં આ વિવાદાસ્પદ ખરડા પર ચર્ચા હાથ ધરાઇ રહી હતી ત્યારે જ હજારો લોકોએ સરકારી કચેરીઓની આસપાસની સડકો પર ઉતરીને ચક્કાજામ સર્જી ઉગ્ર દેખાવો કર્યો હતો. આ વિવાદાસ્પદ ખરડો હોંગકોગના નાગરિક પર ચીનમાં ખટલો ચલાવવા અને ચીનમાં પ્રત્યર્પણ કરવાની પરવાનગી આપે છે. બુધવારે હજારો હોંગકોંગવાસીઓ ચીફ એક્ઝિક્યુટિવ કેરી લેમની કચેરીઓ નજીકથી પસાર થતા મહત્ત્વના લુંગ વોંગ રોડ પર ઉતરી આવ્યા હતા અને કૂચ શરૂ કરી હતી. સડકો પર ખડકી દેવાયેલા સેંકડો રાયોટ પોલીસે કૂચ કરી રહેલા દેખાવકારોને આગળ નહીં વધવાની ચેતવણીઓ જારી કરી હતી. જેના પગલે દેખાવકારો અને પોલીસ વચ્ચે અથડામણો સર્જાઇ હતી. કેટલાક દેખાવકારોએ ટ્રાફિક અટકાવવા સડકો પર અવરોધો મૂકી દીધાં હતાં. રવિવારે પણ હોંગકોંગમાં મોટા પાયે દેખાવો યોજાયાં હતાં. લગભગ ૧૦ લાખ લોકોએ સડકો પર ઊતરીને વિરોધ પ્રદર્શનો કર્યાં હતા. બુધવારે હોંગકોંગમાં બજારો અને વ્યાવસાયિક સંસ્થાનોએ બંધ પાળીને આંદોલનને સમર્થન આપ્યું હતું.

હોંગકોગના બિઝનેસ લીડર્સ પણ સરકારની વિરુદ્ધ

હોંગકોંગની સંસદમાં ચીન તરફી સાંસદોની બહુમતી છે. હોંગકોંગના અગ્રણી બિઝનેસ લીડર્સે પણ સરકારને ચેતવણી જારી કરી છે કે જો આ પ્રત્યર્પણ કાયદાને પસાર કરાશે તો રોકાણકારોનો હોંગકોંગ પરનો વિશ્વાસ ડગી જશે અને હોંગકોંગને મોટુ નુકસાન ઉઠાવવું પડશે.

પ્રત્યર્પણ ખરડો

ચીનની ચાલ કે હોંગકોંગની મજબૂરી

હોંગકોંગની સંસદમાં લવાયેલા નવા પ્રત્યર્પણ ખરડાના  વિરોધમાં બુધવારે હજારો હોંગકોંગવાસીઓએ સડકો પર ઉતરીને  સરકાર તથા ચીન વિરોધી દેખાવો કર્યા હતા. એક તરફ સંસદમાં  આ વિવાદાસ્પદ ખરડા પર ચર્ચા હાથ ધરાઇ રહી હતી ત્યારે જ હજારો  લોકોએ સરકારી કચેરીઓની આસપાસની સડકો પર ઉતરીને ચક્કાજામ  સર્જી ઉગ્ર દેખાવો કર્યો હતો. આ વિવાદાસ્પદ ખરડો હોંગકોગના  નાગરિક પર ચીનમાં ખટલો ચલાવવા અને ચીનમાં પ્રત્યર્પણ  કરવાની પરવાનગી આપે છે.

રિકોલ ૧૯૯૭ની ટ્રિટી પ્રમાણે ચીને હોંગકોંગના વિકાસ, વિસ્તાર માટે ૫૦ વર્ષના કરાર કર્યા છે

જાણકારોના મતે બ્રિટન સાથે ૧૯૯૭ની ટ્રિટી પ્રમાણે ચીને હોંગકોંગના વિકાસ અને વિસ્તાર માટે ૫૦ વર્ષના કરાર કર્યા છે. તેમાં તેને વાણી સ્વાતંત્ર્ય અને સ્વતંત્ર ન્યાયવ્યવસ્થાની ખાતરી આપી હતી. ચીન હવે હોંગકોંગની સંસદમાં નવા નવા ખરડા પસાર કરાવીને આડકતરી રીતે તેને પોતાના તાબા હેઠળ લાવવા માગે છે. મહત્ત્વની વાત એવી પણ છે કે, બ્રિટિશ કાયદા પ્રમાણે હોંગકોંગમાં કાયદો અને વ્યવસ્થા ગોઠવાયા હોવાથી અહીંયા કામની અને વિકાસની વિશાળ તક છે. તેના કારણે જ તે ફાઈનાશિયલ હબ બની ગયું છે.

પાંચ પ્રશ્ન

શું છે વિવાદાસ્પદ ખરડો ?

આ ખરડા અનુસાર હોંગકોગમાં રહેતા કોઇપણ વ્યક્તિને  અપરાધની શંકામાં ખટલાની સુનાવણી માટે ચીન મોકલવાની  પરવાનગી આપવામાં આવી છે. આ માટે સરકાર એમ કહી રહી છે કે  હોંગકોંગ સાથે પ્રત્યર્પણ સંધિ ન ધરાવતા દેશોમાંથી અપરાધ  કરીને આવેલા લોકો સામે પ્રત્યર્પણ સહિતની કોઇ કાર્યવાહી કરી  શકાતી નથી. સરકારનો દાવો છે કે, આ ખરડા દ્વારા હોંગકોંગને  સારી રીતે ન્યાય અપાવવામાં મદદ મળશે.

કાયદો લાવવાની ઉતાવળ શું છે?

હોંગકોંગમાં આવો કાયદો લાવવાની કે સુધારા કરવાની જરૂર નથી પણ તાજેતરમાં એવી ઘટના બની છે જેના કારણે આ સુધારા કરવાની સ્થિતિ આવી છે. હોંગકોંગના એક યુવકે તાઈવાનમાં પોતાની ગર્લફ્રેન્ડની હત્યા કરી અને પછી હોંગકોંગ પાછો આવી ગયો. સ્થાનિક પોલીસ હવે કેસ ક્યાં ચલાવવો અને કાયદા કયા લાગુ કરવા તે મુદ્દે અટવાઈ છે. મહત્ત્વની વાત એવી છે કે, જ્યાં ગુનો બન્યો છે ત્યાં હોંગકોંગના કાયદા લાગુ થતા નથી.  હોંગકોંગ દ્વારા જે સુધારા કરાયા છે તે તાઈવાનમાં બનતી ઘટનાને પણ કાયદા હેઠળ લાવશે.

લોકોની આઝાદી છિનવાઈ જશે?

ચીનનો વિરોધ કરનારા લોકો જણાવે છે કે, ૨૦૧૨માં ચીનમાં રાષ્ટ્રપતિ જિનપિંગની જ સત્તા યથાવત્ રહ્યા બાદ હોંગકોંગમાં લોકો ઉપર દબાણ વધી ગયું છે. ૨૦૧૫માં હોંગકોંગના ઘણા પુસ્તક વિક્રેતાઓને નજરકેદ કરવામાં આવ્યા બાદ લોકોમાં ચિંતા વધી ગઈ છે. તે ઉપરાંત ૨૦૧૪માં લોકશાહીનું સમર્થન કરનારા ‘અંબ્રેલા મુવમેન્ટ’ સાથે જોડાયેલા નવ નેતાઓને રાયોટિંગ અને અન્ય કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. આ આંદોલન દરમિયાન પણ ચીન કોઈ સહમતી સાધી શક્યું નહોતું. મે ૨૦૧૯માં જર્મનીએ હોંગકોંગના બે ભાગેડુ કાર્યકર્તાઓને શરણું આપ્યું હોવાની વાત સામે આવી હતી.

લોકો ચીન, હોંગકોંગને અલગ કેમ માને છે?

દુનિયાનું સૌથી મોટું ઈકોનોમિક અને બિઝનેસ હબ ગણાતું તથા આલ્ફા પલ્સ શહેરોમાં સ્થાન ધરાવતું હોંગકોંગ ૧૯૯૭ સુધી બ્રિટનનું ગુલામ હતું. ત્યારે સ્વાયત્તતાની શરતને આધિન રહીને બ્રિટને હોંગકોંગનો હવાલો ચીનનો સોંપ્યો હતો. હવે જે નવું પ્રત્યર્પણ બિલ રજૂ કરવામાં આવ્યું છે તેનાથી લોકો ચિંતિત છે. લોકો ચીન,હોંગકોંગને અલગ માને છે. તેમના મતે આ ખરડાના કારણે  અહીંયા રાજકીય વિરોધીઓને આર્થિક અપરાધો કે પછી રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી ગણીને આડેધડ સજા કરવામાં આવશે.

હવે શું?

૨૦ જૂને આવશે અંતિમ નિર્ણય

ચારેકોર ચાલી રહેલા પ્રદર્શનો છતાં હોંગકોંગની સરકાર આ પ્રત્યર્પણ કાયદો લાગુ કરવા મુદ્દે અડગ છે. હોંગકોંગના નેતા કેરી લેમને આશા છે કે, આ મુદ્દે ફરીથી ચર્ચા થશે અને ત્યારબાદ જ કોઈ નિર્ણય લેવાશે. આ કાયદાનો વિરોધ કરનારા લોકો અન્ય લોકોને પણ રસ્તે ઊતરવા અને ચીન તથા આ નવા કાયદાનો વિરોધ કરવા પ્રોત્સાહન આપી રહ્યા છે. હોંગકોંગની સંસદમાં ૨૦ જૂને ફરીથી બિલ રજૂ થવાનું છે. તે જ દિવસે આ મુદ્દે અંતિમ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન