ગુજરાતના આ ગામમાં આખુ ભારત સમાયું છે, તેની અનોખી વાત સાંભળી ગર્વ થઈ જશે - Sandesh
  • Home
  • Gujarat
  • ગુજરાતના આ ગામમાં આખુ ભારત સમાયું છે, તેની અનોખી વાત સાંભળી ગર્વ થઈ જશે

ગુજરાતના આ ગામમાં આખુ ભારત સમાયું છે, તેની અનોખી વાત સાંભળી ગર્વ થઈ જશે

 | 4:58 pm IST

નાની ગલીઓ મળીને ગામ બને છે, ગામ મળીને એક જિલ્લો અને જિલ્લા-શહેરોથી રાજ્ય અને ત્યાર બાદ દેશ બને છે. પણ ગુજરાતમાં એક ગામ એવું પણ છે જે ગામમાં આખો ભારત દેશ સમાયેલો છે. આ ગામના ફળિયાના નામો ભારતના વિવિધ રાજ્યો પરથી રાખવામાં આવ્યા છે. આમ આ નાનકડા એવા ગામમાં સમગ્ર ભારતનો સમાવેશ થાય છે. આ ગામનુ નામ છે વીરપુર.

virpur village of sabarkantha

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનું વિરપુર ગામ સંપૂર્ણ ભારત તરીકે ઓળખાય છે. આમ તો મોટાભાગના ફળિયા, રસ્તા, રાજ્યના માર્ગ પ્રતિષ્ઠિત લોકોના નામ પરથી રાખવામાં આવે છે, પરંતુ આ ગામમાં દરેક ગલીઓના નામ દેશના વિવિધ રાજ્યના નામ સાથે જોડી દેવામાં આવ્યાં છે. આ ગામની એક ગલીમાં ગુજરાત, બીજી ગલીમાં રાજસ્થાન, તો ત્રીજી ગલીમાં કાશ્મીર એવા નામ જોવા મળે છે.

આ ગામને અનેક એવોર્ડ મળ્યા છે, જે અહી દર્શાવે છે
આ ગામને અનેક એવોર્ડ મળ્યા છે, જે અહી દર્શાવે છે

આમ તો આ ગામને રાજ્યમાં શ્રેષ્ઠ, જિલ્લામાં શ્રેષ્ઠ અને તાલુકા શ્રેષ્ઠ ગામનો એવોર્ડ આપવામાં આવ્યો છે. સ્વર્ણિમ ગામનો એવોર્ડ પણ આ ગામને મળ્યો છે. આ ગામ 100 ટકા શૌચાલય ધરાવે છે અને સંપુર્ણ રીતે સ્વચ્છ ગામ છે.

virpur village of sabarkantha

આ ગામના રહેવાસી મુકેશભાઈ વણકરે જણાવ્યું કે, અમારા ગામમાં કોઈ પ્રકારના વિવાદ ભાગ્યે જ થાય છે. ભાગ્યે જ કોઈ ગામ એવુ હશે, જેમાં સંપૂર્ણ ભારત સમાયેલું હશે. પ્રાંતવાદ, ભાષાવાદ, જાતીવાદ, કોમવાદના કારણે આજે સમગ્ર દેશમાં સત્તાની ઉથલ પાથલ થઈ રહી છે. ત્યારે વીરપુરમાં રાજ્યના નામ ગલી સાથે જોડી દેતા ગામના લોકોએ વિવિધ વિવાદોને ત્યજી દીધા છે. આ ગામમાં તમામ લોકો એક સંપ થઈને રહે છે. હિન્દુ હોય કે મુસલમાન બધા જ ધર્મના લોકો સાથે મળીને ધાર્મિક પ્રસંગો ઉજવે છે, તો કોઈ દિવસ આ ગામમાં ઝઘડા પણ નથી થયા.

virpur village of sabarkantha

વિરપુર ગામની વાત કરીએ તો આ ગામમાં કચરો પણ ડોર ટુ ડોર ઉપાડવામાં આવે છે. ત્યાર બાદ તેને ગામથી દૂર લઈ જઈને તેનો નાશ કરાય છે. તો ગામના તમામ રસ્તાઓ એકદમ ચોખ્ખા અને સુંદર છે. ગામમાં ગંદકીનુ નામોનિશાન નથી. આ ગામના ફળિયાના નામ રાજ્યના નામ પરથી પાડવાનો વિચાર વિરપુરના પૂર્વ સરપંચને આવ્યો હતો. ભુતકાળમાં અહી વિવાદો થયા હતા અને કેટલાક લોકો પર હુમલા થયા હતા. જેને લઈને સરપંચે આ ગામને એક સંપ રહેવા માટે ફળિયાના નામ રાજ્યના નામ પરથી પાડી દીધા. જેને લઈને તમામ લોકો એકબીજા ઘરે જઈ શકે. બધા જ એક સરખા છે. તે રીતે ભારતભરના રાજ્યોના નામ ફળીયાના નામ પરથી રાખી દીધા અને ત્યારથી આ ગામમાં બધા લોકો શાંતિથી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન