USમાં ભારતીયો પર ગોળીબારની ઘટના પછી લોકો ભયભીત, સુષમા ટ્રાવેલ વોર્નિંગ જારી કરે તેવી માગ - Sandesh
  • Home
  • Main News
  • USમાં ભારતીયો પર ગોળીબારની ઘટના પછી લોકો ભયભીત, સુષમા ટ્રાવેલ વોર્નિંગ જારી કરે તેવી માગ

USમાં ભારતીયો પર ગોળીબારની ઘટના પછી લોકો ભયભીત, સુષમા ટ્રાવેલ વોર્નિંગ જારી કરે તેવી માગ

 | 9:08 am IST

અમેરિકામાં વીતેલા 13 દિવસમાં ભારતિયો પર હુમલાની ત્રણ ઘટના બનતાં ત્યાં વસી રહેલા ભારતીય સમુદાયમાં ગભરાટની લાગણી પ્રવર્તી રહી છે. ત્રણમાંથી બે ઘટનામાં તો હુમલાખોરોએ કહ્યું હતું કે ,’મારા દેશમાંથી બહાર જાઓ.’ આ ઘટનાઓને પગલે ત્યાં વસી રહેલા ભારતિયોમાં તો ભયનો માહોલ છે જ પરંતુ ભારતથી અમેરિકા ફરવા કે ભણવા જતાં પણ લોકો ડરી રહ્યા છે. તેમને લાગવા માંડયું છે કે તેમની સાથે ભેદભાવ જ નહીં થાય પણ મારવામાં પણ આવશે. અમેરિકામાં વસી રહેલા સ્વજનોની પણ ભારતમાં ચિંતા થવા લાગી છે.સોશિયલ મીડિયા પર માગ ઊઠી છે કે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અમેરિકા માટે ટ્રાવેલ વોર્નિંગ બહાર પાડે.

આ બધા વચ્ચે ઓહિયોના વીડિયોએ ગભરાટમાં ઉમેરો કર્યો છે.એક એન્ટિ- ઇમિગ્રેશન વેબસાઇટ પર ઓહિયોના બગીચામાં આનંદ કરી રહેલા ભારતીય સમુદાયના કુટુંબોનો વીડિયો મૂકીને અજબ ગજબ ટિપ્પણીઓ થઇ છે. સેવઅમેરિકાઆઈટીજોબ.કોમ પર વીડિયો પર ટિપ્પણીઓ આપતાં કહેવાયું છે કે અમેરિકન્સનું વિસ્થાપન થતાં ભારતના ધનવાન પરિવારો મજા કરી રહ્યા છે. વીડિયોમાં એ બાબત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં મુખ્યત્વે ભારતિયો વસી રહ્યા છે અને તેમણે અમેરિકન્સની નોકરીની તકો છીનવી લીધી છે.યૂ ટયૂબ પર મૂકવામાં આવેલા વીડિયોને 41,000 લોકોએ જોયો હતો.

અમેરિકામાં શું બની રહ્યું છે ?

– 22 ફેબ્રુઆરીના રોજ કેન્સાસમાં નૌકાદળના એક પૂર્વ અધિકારીએ કરેલા ગોળીબારમાં ભારતીય મૂળના એન્જિનિયર શ્રીકુમાર કુચીમોતલાનું મૃત્યુ થયું હતું. તેમના મિત્રા આલોક અને બચાવવા વચ્ચે પડેલા અમેરિકી ઇયાન ગ્રિલટને ઇજા પહોંચી હતી.

— 2 માર્ચના રોજ સાઉથ કેરેલિનાના લંકાસ્ટર ખાતે 43 વર્ષના ર્હિનશ પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી. તેમના ઘર નજીક જ મૃતદેહ મળ્યો.

— અમેરિકામાં ટ્રેનમાં જઇ રહેલી ભારતીય યુવતી એકતા દેસાઇને એક આફ્રિકી અમેરિકીએ કહ્યું કે’મારા દેશમાંથી જતા રહો.’

— 3 માર્ચના રોજ કેન્ટ ખાતે શીખ યુવાન દીપ રાયને તેમના ઘર બહાર જ ગોળી મારી દેવામાં આવી. તેમની સ્થિતિ હવે ખતરાથી બહાર છે. ગોળી મારનારે તેને પણ કહ્યું હતું કે,’તમારા દેશમાં પાછા જતા રહો.’

એફબીઆઇ પણ કરશે તપાસ

અમેરિકાએ ભારતને ખાતરી આપી છે કે હેટ ક્રાઇમના કિસ્સામાં ઝડપી ન્યાય મળશે. તે દરમિયાન શીખ યુવાન દીપ રાય પર થયેલા ગોળીબારના કિસ્સાની ચાલી રહેલી તપાસમાં એફબીઆઇ પણ જોડાશે. શુક્રવારે તેના ઘર બહાર જ તેના પર ગોળીબાર થયો હતો. હેટ ક્રાઇમના આ કેસમાં એફબીઆઇ પણ તપાસમાં જોડાઇ છે. કેન્સાસ ખાતે થયેલા શૂટિંગ કેસમાં પણ એફબીઆઇ તપાસમાં સામેલ થઇ છે. આ ગોળીબારમાં એન્જિનિયર શ્રીનિવાસ ભોગ બન્યા હતા. બંને કેસમાં ગોળીબાર કરનારે કહ્યું હતું કે દેશમાંથી જતા રહો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન