અડગતાથી વધે આત્મશક્તિ! - Sandesh

અડગતાથી વધે આત્મશક્તિ!

 | 4:10 am IST

‘સત્’નો સંગ કરવાથી મોટી પરિસ્થિતિનો સામનો પણ સાધારણ લાગે… આ વાત આપણે ગતઅંકમાં ગુરૂ અને શિષ્યની વાર્તા દ્વારા સમજ્યા. શ્રાવણ માસમાં ઉપવાસનું પણ એટલું જ મહત્ત્વ છે. ઉપવાસનો અર્થ થાય છે, ઉપર જ્યાં પરમાત્માનો નિવાસ ત્યાં મનનો વાસ એટલે ઉપવાસ. મનને પ્રભુ સ્મરણમાં વ્યસ્ત કરવા અન્નનું બહુ મહત્વ છે, માટે કહેવાય છે જેવું અન્ન તેવંુ મન. મન જીતે જગતજીત બની શકાય.

અન્નની અસર મન પર સીધી પડે છે. માટે શુદ્ધ અન્ન પરમાત્માની યાદમાં બનાવેલ, સ્વાદ મુજબ નહિ, પણ જરૂરિયાતથી થોડું ઓછંુ લેવું. કારણકે અન્ન પણ માદકતા લાવે છે. વધુ ભોજન નિંદ્રા લાવે છે. પેટ ભરીને જમીને પછી પ્રભુ સ્મરણ કરવા બેસીએ તો પથારી જ યાદ આવે! પણ હળવું ભોજન, ફળાહારથી શરીર ર્સ્ફૂિતવાળંુ રહે છે, આળસ દૂર થાય છે… માટે પરમાત્માને ધરાવેલો ફળાહાર સ્વીકારવાથી પ્રભુની યાદમાં લાંબો સમય સ્થિરતાથી બેસી શકાય છે.

ભોજન પરનો આપણો સંયમ આપણા મનનો કંટ્રોિંલંગ પાવર પણ વધારે છે. આત્માનો સંયમ આત્માની શક્તિને વધારે છે. આપણે રામાયણમાં એક કિસ્સો જોઈએ છીએ કે રાવણને મારવા માટે શ્રી રામજીએ તેમના ૧૦ માથા કાપ્યા તો પણ તે માથા પાછા ને પાછા લાગતા હતા, પણ જ્યારે નાભી પર બાણ માર્યું ત્યારે જ રાવણનંુ મૃત્યુ થાય છે. રાવણ એટલે વિકારોનું પ્રતીક. તેવી જ રીતે જીવનમાં વિકારો પર વિજય પ્રાપ્ત કરવો હોય તો પહેલાં નાભી એટલે કે ભોજન પર નો કંટ્રોલ ખૂબ જરૂરી છે.

પરમાત્મા ધરા પર આવે ત્યારે આપણા જીવનને ઉચ્ચ બનાવવા માટે, આપણી રક્ષા માટે, કેટલાંક સંયમ નિયમ બનાવડાવે છે. જેની યાદમાં શ્રાવણ માસમાં ભક્તો વિશેષ નિયમમાં બંધાય છે. નિયમનાં મહત્વને આપણે એક વાર્તાથી સમજીએ.

એક દાદાજી રોજ મંદિરમાં જાય. એકવાર પૂજારીએ કહ્યું કે, દાદાજી કાલથી શ્રાવણ માસ શરૂ થાય છે, કોઈ નિયમ લેજો. ભગવાનનું વરદાન છે, જો તમે કોઈ નિયમ લેશો અને પાકા રહો તો ભગવાનના દર્શન થાય અને તમને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય. ત્યારે દાદાજીએ પૂછયું, ભાઈ કયો વ્રત નિયમ લેવો? પૂજારી કહે કે તમારાથી જે પડે એવો નિયમ લેજો, પણ પાકા રહેજો. દાદાજી ઘરે ગયા. વિચારવા લાગ્યા કે ૮૦ વર્ષ થયા, હજુ ક્યારેય ભગવાન મળ્યા નથી અને આ એક માસ જો નિયમમાં પાકો રહું અને ભગવાન મળે તો જીવન સફળ થઈ જાય. આ એક માસ પુરુષાર્થ કરવા દે. મનોમન વિચારી રહ્યાં કે, કયો નિયમ લઉં, કયો નિયમ પાળી શકીશ!

દાદાજી સ્વભાવે થોડા કંજુસ હતા. બહુ વિચારીને પછી નક્કી કર્યું કે, ‘મારે મારા હાથે કોઈને કાંઈ જ આપવંુ નહીં.’ આખા માસમાં દાદાજીએ આ નિયમને બહુ ધ્યાન પર રાખ્યો. શ્રાવણ માસનો છેલ્લો દિવસ આવ્યો એટલે ભગવાને પણ જોયું કે આખો માસ જે નિયમમાં પાકા રહ્યા હોય તેમને મારે દર્શન આપવાના છે. તેમાં દાદાજીનો નંબર આવતો હતો. ભગવાનને થયું કે પરીક્ષા કર્યા વગર તો દર્શન અપાય નહીં. ભગવાન જીદ્દી ભિખારીનું રૂપ લઈ બારણે આવી ભિક્ષા માંગવા લાગ્યા. બાળકો બારણે રમતા હતા. ભિખારીનાં રૂપમાં ભગવાને કહ્યું કે, જાઓ તમારા ઘરમાં મોટાઓને કહો કે ભિક્ષા આપે. બાળકોએ ઘરમાં જઈને દાદાજીને કહ્યું કે, દાદાજી પેલો ભિખારી જતો નથી. દાદાજી કહે કે, તમને ખબર છે ને કે મારો નિયમ છે, હું કોઈને કાંઈ આપવાનો નથી. તમે એમ કહો કે ઘરમાં કોઈ નથી એટલે ચાલ્યો જશે. બાળકોએ બહાર આવીને કહ્યું કે, આગળ જાઓ ઘરમાં કોઈ છે નહીં. ભિખારીનાં રૂપમાં ભગવાન કહે છે, ‘પેલા દાદાજી ઘરમાં છે એમને બહાર બોલાવો.’ ત્યારે બાળકો ઘરમાં આવીને કહે છે, દાદાજી પેલો ભિખારી તમને જોઈ ગયો લાગે છે, એ જતો નથી, તમે કાંઈ કહો. ત્યારે દાદાજી કહે કે આ બહુ જીદ્દી લાગે છે, એ લીધા વગર જાય તેમ નથી. તમે એમ કરો… હું બહાર આવું છું, ઠોકર ખાઈને પડવાનું નાટક કરીશ. તમારે એમ કહેવાનું કે દાદાજી મરી ગયા એટલે પેલો જતો રહેશે.

દાદાજી બહાર આવ્યા, ઠોકર ખાઈને પડી ગયા. છોકરાઓ શ્વાસ જોવા લાગ્યા ને બોલ્યા, દાદાજીનો શ્વાસ ચાલતો નથી, દાદાજી મરી ગયા લાગે છે. તારા આવવાથી અમારા દાદાજી મરી ગયા, આગળ થા. ભિખારીનાં રૂપમાં ભગવાન બોલ્યા, મારો નિયમ છે, જે ઘરે ભિક્ષા લેવા જાઉં અને કોઈ મરી જાય તો તેના અગ્નિ સંસ્કાર કર્યા વગર ના જાઉં. બાળકો દાદાજીને કહેવા લાગ્યા, દાદાજી ઊઠી જાઓ આ તો અગ્નિ સંસ્કારની વાતો કરે છે. દાદાજી કહે કે હવે તો હું ઊઠવાનો જ નથી, તમારે જે થાય તે કરી લો. બાળકો તેમના પિતાજીને બોલાવવા ગયા એટલામાં ભિખારીનાં રૂપમાં ભગવાને આજુબાજુ બધે જ દાદાજીના મરી જવાની વાતો સંભળાવી. ગામના સૌ સગાવ્હાલાં તો બધો સામાન તૈયાર કરીને જ લઈને આવ્યા. દાદાજીનો દીકરો આવી ગયો. બાળકોએ કહી રાખ્યું કે દાદાજી જીવે છે. દીકરાએ કાનમાં આવીને કહ્યું કે, પિતાજી ઊઠી જાઓ, બધાં તો બધી તૈયારી સાથે આવી ગયા છે.

દાદાજીએ ધીમેથી બબડયા કે જે કરવું હોય એ કરો હવે હું ઊઠવાનો નથી. બધાંએ તો દાદાજીને બાંધીને તૈયાર કરીને ઉઠાવ્યાં… રામ બોલો ભાઈ રામ… આગળ ગામ પાછળ ભિખારીનાં રૂપમાં ભગવાન, સ્મશાનમાં પહોંચી ગયા. દાદાજીને લાકડા પર સુવડાવ્યાં, ઘી લગાવ્યું. પાછો તેમનો છોકરો કાનમાં કહેવા આવ્યોઃ “પિતાજી બધંુ પૂરું થઈ ગયું, હવે તો ઊઠો! હવે તમે જો ના ઊઠયાં તો તમને જીવતા જીવ  આ લોકો બાળી નાખશે.” ત્યારે દાદાજી ધીમે રહીને બોલ્યાઃ “સાંભળ મારે ૮૦ વર્ષ થયા, હજુ પણ ભગવાન મળ્યા નથી. હજુ કેટલા દિવસ જીવિશ એની કોઈ ગેરંટી નથી. તમારે મને બાળવો હોય તો બાળી દો, હવે હું ઊઠવાનો નથી.” ભગવાને જોયું કે દાદાજીની દૃઢતા તો મજબૂત છે, ભગવાને દાદાજીને બેઠા કરી દીધા અને તેમના સંપૂર્ણ સ્વરૂપનાં દર્શન કરાવ્યા.

માટે નિયમમાં ખૂબ જ બળ છે. ભગવાન પણ પીગળી જાય છે. જ્યાં સ્નેહ છે ત્યાં નિયમ પાળવા સહેલા છે. આપણો સ્નેહ નિયમને પાકો કરે છે. જો નિયમ તૂટે મતલબ કે સ્નેહમાં કમી છે. નિયમમાં અડગતા રહે તો આત્માની શક્તિ વધે.

(સૌજન્યઃ બ્રહ્માકુમારીઝ)