Petrol, Diesel prices may soon increase by Rs 5 per liter
  • Home
  • Business
  • કોરોના મહામારીમાં દેશવાસીઓને પડતા પર પાટું! પેટ્રોલ-ડીઝલ આપશે 440 વોલ્ટનો ઝાટકો

કોરોના મહામારીમાં દેશવાસીઓને પડતા પર પાટું! પેટ્રોલ-ડીઝલ આપશે 440 વોલ્ટનો ઝાટકો

 | 11:39 pm IST

લોકડાઉન દરમિયાન પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં દરરોજ ફેરફાર થતો ન હતો. પરંતુ હવે જૂનથી પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાતા રહે એવી જૂની પદ્ધતિ ફરીથી અમલમાં મુકાઈ રહી છે. સાથે જ પેટ્રોલિયમ કંપનીઓનો પેટ્રોલિયમ પેદાશોનો ઉત્પાદન ખર્ચ અને તેના વેચાણ વચ્ચે પડી રહેલા નુકસાનને ભરપાઈ કરવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૫ રૂપિયા મોંઘું થઈ શકે એમ છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગયા અઠવાડિયે સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ એક બેઠકમાં વર્તમાન સ્થિતિની સમીક્ષા કરીને લોકડાઉન બાદ દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરવા માટે રોડમેપ તૈયાર કર્યો છે. જો સરકાર મંજૂરી આપશે તો જૂનમાં રોજના આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરાશે. સૂત્રના જણાવ્યા પ્રમાણે કંપનીઓનું અનુમાન છે કે લોકડાઉન લંબાવાય તો પણ તેમાં વધુ છૂટ આપવામાં આવશે અને તેને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરવા માટેની આ યોજનાને મંજૂરી મળી શકે છે.

બે ત્રણ અઠવાડિયા સુધી દરરોજ 40થી 50 પૈસાનો વધારો થઈ શકે

ક્રૂડની કિંમત વધતી રહી તો પેટ્રોલિયમ કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં નુકસાન થઈ શકે છે. એ જ કારણે સરકારે આ મહિને પેટ્રોલ તથા ડીઝલ પર એક્સાઇઝ ડયૂટી વધારી હતી, તેનાથી કંપનીઓના ખર્ચ અને વેચાણ દરમાં તફાવત વધીને ૪થી ૫ રૂપિયા થઈ ગયો છે. ક્રૂડના ભાવમાં ભવિષ્યમાં વધુ વધારો ન થાય તો આ તફાવતને સરભર કરી શકાય એ માટે પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં બે- ત્રણ અઠવાડિયા સુધી દરરોજ 40થી 50 પૈસાનો વધારો કરવો પડશે.

કંપનીઓનું નુકસાન ભરપાઈ થશે ત્યાં સુધી ભાવ વધારો

સરકાર સાથે સંકળાયેલા એક સૂત્રનું કહેવું છે કે દરરોજ ભાવ બદલાતા રહેશે તો પણ એક ચોક્કસ મર્યાદાની બહાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નહીં થાય. મતલબ કે દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 40થી 50 પૈસાથી વધુનો વધારો નહીં થાય. આ વધારો પેટ્રોલિયમ કંપનીઓનું નુકસાન ભરપાઈ થશે, ત્યાં સુધી જ થશે.

આ વીડિયો પણ જુઓ : જમ્મુ કાશ્મીરમાં એક ઘોડાને ક્વૉરન્ટાઇન કરાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન