આટલા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટતા કેમ નથી? - Sandesh
  • Home
  • Columnist
  • આટલા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટતા કેમ નથી?

આટલા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટતા કેમ નથી?

 | 2:31 am IST

વિચાર સેતુ  :-  વિનીત નારાયણ

પેટ્રોલના ભાવને હંમેશાં મુદ્દો બનાવતી રહેતી ભાજપ સરકાર પેટ્રોલની કિંમતોને મુદ્દે જ ફસાઈ ગઈ છે. એવું નથી કે સરકાર પેટ્રોલની કિંમતનું નિયંત્રણ નથી કરી શકતી. સચ્ચાઈ એ છે કે પેટ્રોલ પર હાલમાં લગભગ ૮૫ ટકા ટેક્સ વસુલ થાય છે અને તે માટે પેટ્રોલિયમ પેદાશોને જીએસટી મર્યાદાથી  બહાર રાખવામાં આવે છે. સરકાર આવું કરી રહી હોય તો તેનું કારણ મજબૂરી સિવાય કાંઈ હોઈ ના શકે.

એવું નથી કે પેટ્રોલની કિંમત ઘટાડવા તેના પર દબાણ નથી. સરકાર પોતે જ તેને મુદ્દો બનાવતી આવી છે તેવામાં કોઈ કારણ નથી કે વિરોધપક્ષને પણ મુદ્દો બનાવવા તે કારણ આપે. તેથી કોઈપણ સંભાવના હોત તો સરકાર પેટ્રોલની કિંમત આટલી ના વધવા દેત. તેનું કારણ સમજતાં એવું લાગે છે કે નોટબંધી પછી જીએસટી જ નહીં પણ બિન સરકારી સંગઠનો પર નિયંત્રણ, હજારો નાની મોટી કંપનીઓ પર કાર્યવાહી વગેરે એવા કારણ છે કે જેણે દેશમાં કામધંધો ઘટાડયો છે અને ટેક્સના રૂપમાં નાણા ઓછા આવી રહ્યા છે. પરંતુ તેમાંથી કેટલાકી કામગીરી તો વાજબી છે અને સરકાર તેનું શ્રેય પણ લઈ શકતી હતી. પરંતુ નાણા ઓછા આવી રહ્યા છે તે વાતનો સ્વીકાર કરવો મુશ્કેલ છે. તેથી સરકાર પોતાના સારા કાર્યનું શ્રેય પણ લઈ શકતી નથી.

બીજી તરફ, ઘણી બધી કામગીરી એકસાથે કરવાથી  આર્થિક સ્થિતિ ખરાબ થઈ છે, તેમાં કોઈ શક નથી. તેથી સરકારને પોતાના ખર્ચ પૂરા કરવા સૌથી સરળ વિકલ્પ આ જ મળ્યો છે. તેથી પેટ્રોલની કિંમતો ઘટી નથી રહી.

સરકાર માને કે ના માને પરંતુ આ નીતિગત નિર્ણય છે. તેથી જ પેટ્રોલિયમ પેદાશોને જાણીબૂઝીને જીએસટીથી અલગ રાખવામાં આવી. નહીંતર જીએસટીમાં તેના માટે એક અલગ અને સૌથી ઉંચો સ્લેબ રાખવો પડત અને તે વાત જાહેર થઈ જાત કે  સરકાર પેટ્રોલ પર સૌથી વધુ ટેક્સ વસુલી રહી છે. પેટ્રોલિયમ પેદાશોને જીએસટી હેઠળ આવરી લેવાની માગણી થતી રહે છે પરંતુ સરકાર તેને ટાળતી રહી છે. એટલું જ નહીં સરકારે  પેટ્રોલ પર આટલો વધુ ટેક્સ વસૂલવાનું  કોઈ સંતોષકારક કારણ પણ જણાવ્યું નથી. તેથી લાગે છે કે સરકાર નોટબંધીના ભારેખમ ખર્ચમાંથી બાહર નથી આવી શકી.

દિલ્હીમાં રહેનારા જૂના લોકો જાણે છે કે મહોલ્લાના મહોલ્લા બે-ચાર વર્ષમાં કેવા વસી જતા હતા. પરંતુ આજે સ્થિતિ એ છે કે નોઈડા અને ગુડગાંવમાં હજારો ઈમારતો અને પ્લેટ બનીને તૈયાર ઊભા છે પણ વર્ષોથી વસ્યા નથી. કોમનવેલ્થ ગેમ્સ વિલેજ તકનીકી રીતે ભલે વેચાઈ ગયું હોય પરંતુ વિસ્તારમાં હજી ઠીકથી વસવાટ નથી. ત્યાં રોકાણકારોના નાણાંનું રોકાણ થયું હતું અને ડીડીએના ભાગના એક ફ્લેટને એક સરકારી બેન્કે સાત કરોડમાં ખરીદ કર્યો હતો હવે તે જ  ફ્લેટ ત્રણ કરોડમાં  ઉપલબ્ધ છે. ખરીદનાર ગ્રાહક જ નથી. સેંકડો ફ્લેટ હજી ખાલી છે. અર્થાત રોકાણકારોના નાણાં ફસાયેલા છે. અસલી ઉપયોગકર્તા તે ફ્લેટ ખરીદી નથી શક્યા.

આવી સ્થિતિમાં જાહેર છે કે સરકારની મહેસૂલી આવક અને કર આવકમાં ઘટાડો થાય અને આ બધાની ભરપાઈ જીએસટીથી તો ના થઈ શકે. કેમ કે જીએસટીને સારો કાયદો બનાવવા તમામ માગણી સામે ટેક્સ ઘટાડવો પડે છે. તેવામાં પેટ્રોલ સૌથી સરળ વિકલ્પ છે. તે તો વેચાશે જ અને સંજોગવસાત આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો ઘટતાં સરકારી આવક મોરચે પણ સારી ભરપાઈ થઈ શકી. હવે કિંમતો જ્યારે વધી રહી છે ત્યારે  જૂની નીતિઓને કારણે સરકાર તેને નિયંત્રણમાં લઈ શકતી નથી અને વિરોધ વધી રહ્યો છે. સમસ્યા તો ત્યારે આવશે કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો સતત વધતી જશે. તેવી સ્થિતિમાં સરકારે ટેક્સ ઘટાડીને ભાવ ઘટાડવા જ પડશે.  પરંતુ તે સ્થિતિ કેવી હશે, ક્યારે સર્જાશે  કે  નહીં સર્જાય કાંઈ કહી શકાય તેમ નથી.

સરકારનો ઈરાદો સારો હોઈ શકે છે પરંતુ દેશની સામાજિક અને આર્થિક દશા પરની નાડ પર આંગળી રાખનારા વિદ્વાન તે મુદ્દે સહમત નથી. તેમનું કહેવું છે કે બુલેટ ટ્રેન અને સ્માર્ટ સિટી જેવી મહત્ત્વાકાંક્ષી અને ખર્ચાળ યોજનાઓથી ના ગરીબી દૂર થશે કે ના રોજગારીનું સર્જન થશે કે નહીં વેપાર વધે. ચીન તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. ચીને પોતાના જૂના નગરોને તોડીને આધુનિક નગરો ઊભા કરી દીધા. તેમાં હાઈવે અને મોલ જેવી તમામ સુવિધા આંતરરાષ્ટ્રીય કક્ષાની સર્વેશ્રેષ્ઠ કક્ષાની બનાવવામાં આવી. પરંતુ ચીનનું જે ગતિએ આધુનિકીકરણ થયું તેટલી ગતિથી ત્યાંની જનતાની આવક ના વધી. પરિણામ એ આવ્યું કે ચીનનો વિકાસ માત્ર કાગળ પરનો વિકાસ બનીને રહી ગયો.

વીતેલાં છ મહિનામા ચીની અર્થતંત્રનું જેટલી ઝડપથી પતન થયું છે, તેને જોઈને સમસ્ત વિશ્વે આંચકો અનુભવ્યો છે. તેમ છતાં ભારત પદાર્થપાઠ ના લે અને ગામડાની બુનિયાદી સમસ્યાઓ દૂર કર્યા વિના જ મોટી છલાંગ ભરવાની  દોડમાં રહે તો મોઢાની ખાવી પડે તેમ છે. કુલ મળીને જરૂરત ધરાતલ પર ઊતરવાની છે. આ બધું જોઇને લાગે છે કે ભારતની આર્થિક સ્થિતિ એટલી ખરાબ નથી કે સામાન્ય માનવીને પોતાનો જીવનનિર્વાહ કરવામાં મુશ્કેલી પડે. પરંતુ જાહેર છે કે જૂની વ્યવસ્થાઓને કારણે ઘણું બધું હજી પાટા પર નથી ચડયું. તેનું નુકસાન સામાન્ય જનતા ભોગવી રહી છે.

;