પેટ્રોલના ભાવ ૮૦ અને LPGના ૮૦૦એ પહોંચ્યા છે, મોદી કઈ દુનિયામાં છે? : રાહુલ - Sandesh
  • Home
  • India
  • પેટ્રોલના ભાવ ૮૦ અને LPGના ૮૦૦એ પહોંચ્યા છે, મોદી કઈ દુનિયામાં છે? : રાહુલ

પેટ્રોલના ભાવ ૮૦ અને LPGના ૮૦૦એ પહોંચ્યા છે, મોદી કઈ દુનિયામાં છે? : રાહુલ

 | 12:27 am IST

। નવી દિલ્હી ।

કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ સોમવારે પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવ તેમજ રાફેલ જેટ ફાઇટરના સોદા અંગે પીએમ મોદી અને ભાજપ સરકારને ચાબખા માર્યા હતા. કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને રાજઘાટથી રામલીલા મેદાન સુધી રેલીનું આયોજન કરાયું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશમાં હાલ પેટ્રોલના ભાવ રૂ. ૮૦ અને એલપીજીના ભાવ રૂ. ૮૦૦એ પહોંચ્યા છે ત્યારે પીએમ મોદી કઈ દુનિયામાં જીવી રહ્યા છે? તેમને આમ આદમીની કોઈ પરવા નથી. મોદીજી જ્યારે વિપક્ષમાં હતા ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે હોબાળો મચાવતા હતા હવે તેઓ કેમ ચૂપ છે? કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અંગે રામલીલા મેદાન ખાતે રેલીનું આયોજન કરાયું હતું.  કોંગ્રેસની રેલીમાં આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ મંચ પર સોનિયા ગાંધી, મનમોહનસિંહ તેમજ અન્ય વિપક્ષી નેતાઓ સાથે જોવા મળતાં આૃર્ય સર્જાયું હતું.

બાપુની સમાધિ પર માનસરોવરનાં જળની અંજલિ

રાહુલ ગાંધીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધિ પર કૈલાસ માનસરોવરથી લાવેલાં જળનો છંટકાવ કર્યો હતો. આ પ્રસંગે સોનિયા ગાંધી, મનમોહનસિંહ, ગુલામનબી આઝાદ, એહમદ પટેલ, શરદ પવાર, શરદ યાદવ, આપના સંજયસિંહ, ટીએમસીના સુખેન્દુશેખર રાય તેમજ અન્ય નેતાઓ હાજર હતા.

આપણે સૌએ એક થવાની જરૂર : મનમોહનસિંહ

પૂર્વ પીએમ અને કોંગ્રેસના નેતા મનમોહનસિંહે મોદીસરકાર પર આક્ષેપો કર્યા હતા કે તેણે તમામ હદ અને મર્યાદા વટાવી છે, હવે સરકાર બદલવાનો સમય આવી ગયો છે. કેન્દ્ર સરકારે એવાં ઘણાં કાર્યો કર્યા છે જે દેશનાં હિતમાં નથી. દેશની એકતા અને શાંતિ માટે આપણે સૌએ એક થવાની જરૂર છે.